રાજકોટમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સા સામે આવ્યો છે. ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ભણતરનાં ભાર અને શિક્ષકના ત્રાસથી ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે.
વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા વીડિયો બનાવી, સ્યુસાઇડ નોટ પણ લખી હતી. શૈતાન શિક્ષકે પરીક્ષા પેપરને લઈને વિદ્યાર્થીને પોલીસની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે હવે શિક્ષક સામે કડક કાર્યવાહી થશે કે કેમ ? સહિત અનેક સવાલ થઈ રહ્યા છે.
રાજકોટમાંથી વિદ્યાર્થીના આપઘાતની વધુ એક હચમચાવતી ઘટના સામે આવી છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, લોધિકા તાલુકામાં આવેલી મોટવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધ્રુવિલ ભરતભાઈ વારું નામનો વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. જો કે, ધ્રુવિલે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. ધ્રુવિલે આવું પગલું કયાં કારણોસર ભર્યું તે પાછળની સાચી હકીકત હાલ સામે આવી નથી. પરંતુ, આરોપ છે કે ભણતરનાં ભાર અને શિક્ષકના ત્રાસથી ભૂલકાંએ આપઘાત કર્યો છે.
આરોપ છે કે શિક્ષકે પરીક્ષા પેપરને લઈને માસૂમ ધ્રુવિલને પોલીસની ધમકી આપી હતી. આથી, શિક્ષકના દબાણનાં કારણે આખરે વિદ્યાર્થીએ જીવન ટુંકાવી દીધું. વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો અને સ્યુસાઇડ નોટ પણ લખી હતી. વીડિયોમાં વિદ્યાર્થીએ બોલેલા અને સ્યુસાઇડ નોટમાં લખેલા શબ્દો રૂંવાડા ઊભા કરી દે એવા છે. એક શૈતાન શિક્ષકને લીધે માતા-પિતાએ પોતાના વ્હાલસોયાને ગુમાવ્યો છે