હોલિવૂડ ફિલ્મો અમેરિકા ફરવા માટે ગયેલા લોકો કે ત્યાં સ્થાઈ થયેલા લોકોના ઈમ્પ્રેસ કરી દે તેવા અનુભવો જાણ્યા બાદ ઘણાં યુવાનો અમેરિકા પહોંચીને પોતાની લાઈફ સ્ટાઈલ અવ્વલ બનાવી દેવાનો વિચાર કરતા હોય છે. આમ થયા પછી ભણવા માટે અને તે પછી ત્યાં સ્થાઈ થવા માટે શું કરી શકાય તેવા પ્રયાસો અમેરિકામાં થતા હોય છે. પરંતુ અમેરિકા જેટલું રૂપાળું દેખાય છે તેવું જ છે એવું જરાય નથી.
હકીકત થોડી કડવી લાગશે પરંતુ એક્સપર્ટ્સ પણ કહી ચૂક્યા છે અમેરિકાની રોશનીથી અંજાઈને ત્યાં પહોંચેલા લોકોને પસ્તાવો થાય છે અને ત્યાં તેમનું સાંભળનારું કોઈ ન હોય ત્યારે પાછા આવી જવાનો પણ વિચાર આવતો હોય છે. અમેરિકાની વાતો સાંભળીને અને ત્યાની લાઈફ સ્ટાઈલ વિશે જાણીને પહોંચેલા મુંબઈના બે મિત્રોએ પોતાની વ્યથા વર્ણવી છે.
મુંબઈના બોરિવલ્લીમાં નાનપણથી સાથે રહ્યા અને જિગરી બનેલા બે મિત્રો અમેરિકા પહોંચ્યા છે, બન્નેએ ત્યાં જવા માટે ત્યાની યુનિવર્સિટીઓમાં એડમિશન લેવું પડ્યું, ઉચ્ચ અભ્યાસ માટે એક બોસ્ટનમાં જ્યારે બીજાએ ન્યૂયોર્કમાં સેટ થવું પડ્યું હતું. હવે આ વિદ્યાર્થીઓ અમુક બાબતોનું રિસર્ચ કરીને ગયા હતા પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેમણે ત્યાની હકીકત વિશે જાણ્યું તો તેમની આંખોને વિશ્વાસ નહોતો થતો. અમેરિકા એટલે માત્ર સ્વર્ગ જ છે તેવું જરાય હોતું નથી તેવું તેમને અહીં 3 મહિના રહ્યા પછી ખ્યાલ આવી ગયો હતો. અમેરિકા બહુ મોટું છે પરંતુ પોતાના લોકો શોધવા બહુ જ મુશ્કેલ છે તેવું પણ આ વિદ્યાર્થીઓએ સ્વિકાર્યું છે.
અમેરિકામાં ભણવા માટે આવેલા યુવાનો પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે અઠવાડિયાના 20 કલાક નોકરી કરી શકે છે. પરંતુ આ 20 કલાકની નોકરીમાં તેમને જે મળવું જોઈએ તેવું જ અને ગમતું કામ મળે તે જરુરી નથી, કેટલા વિદ્યાર્થીઓને રેસ્ટોરાંમાં રિસેપ્શન ટેબલને સંભાળવાની નોકરી મળે તો તેમને સારું લાગતું હોય છે પરંતુ પછી તેમણે પોતાને સોંપેલા કામ સિવાયના કામો કરવાનો વારો આવે ત્યારે પગ તળેથી જમીન સરકી જતી હોય છે, ઘણી વખત હોટલ, મૉટેલ, સ્ટોર, રેસ્ટોરાંના માલિકો દ્વારા તેમની સાથે જે વર્તન થાય છે અને ધમકી આપવામાં આવે છે તેના કારણે તેમને અમેરિકા જવું બહારથી દેખાય છે તેવું જ નહીં પરંતુ સિક્કાની બે બાજુ હોય છે તે સમજાઈ જતું હોય છે.
વિદ્યાર્થી હોય અને અમેરિકામાં હજુ એન્ટ્રી જ થઈ હોય તેવા કિસ્સામાં તેમને નોકરી પર રાખનારા તેમનું શોષણ પણ કરતા હોય છે. રેસ્ટોરાંમાં ગ્રાહકના ગયા પછી ડીસ ઉપાડવી, સફાઈ કરવી, ડસ્ટ બીનમાંથી કચરો ભરવો, સંડાસની સફાઈ કરવી વગેરે કામો પણ કરવા પડતા હોય છે. ઘણીં વખત વિદ્યાર્થીઓને ડરાવી ધમકાવીને નોકરી પર રાખ્યા પછી તેમને જે પગાર મળવો જોઈએ તેના બદલે તેમાંથી અમુક રૂપિયા કાપી લેવામાં આવતા હોય છે અથવા તો પછી તેમની પાસે વધુ કલાક કામ કરાવવામાં આવતું હોય છે.
અમેરિકામાં શરુઆતના ત્રણ મહિનાનો કપરો સમય જોયા પછી મુંબઈથી ગયેલા અને બોસ્ટન તથા ન્યૂયોર્કમાં રહેતા બે ફ્રેન્ડ્સ એક રાત્રે ટાઈમ્સ સ્ક્વેર ભેગા થયા હતા આ દરમિયાન તેમણે પોતાની વ્યથા જણાવી કે અહીંની લાઈફ સ્ટાઈલ જેટલી સરળ માનવામાં આવે છે એવું જરાય નથી, તમને સુવિધાઓ અને હ્યુમન ફર્સ્ટ જેવી ફિલિંગ સાથે અહીં આવ્યા હોય તો તે ભૂલી જવું પડે છે જે કામ મળે તે અહીં કરવાનો વારો આવતો હોય છે. તેમણે જણાવ્યું કે 2 વર્ષ સુધી કપરો સમય વિતાવ્યા પછી સારી નોકરી મળી જતી હોય છે પરંતુ તેના માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એકવાર તમને અભ્યાસ પછી અહીં સારી નોકરી મળે તો તમે સારું જીવન જીવી શકો છો. બાકી ઘણાં એવા પણ છે કે 2 મહિના થયા પછી પોતાની વેદના કોઈને કહી પણ શકતા નથી અને ખુણામાં બેસીને રડવાનો વારો આવતો હોય છે. આવી સ્થિતિમાં ઘણી વખત એવા પણ વિચાર આવે કે પાછા ભારત જતા રહીએ પરંતુ તે વિચાર જેટલી સરળ રીતે આવે તેવું કરવું સરળ નથી હોતું.
એકબીજાથી લગભગ 215 માઈલ (345kmથી વધુ) અંતરે રહેતા મિત્રો ટાઈમ્સ સ્ક્વેર પર એકઠા થયા હતા જેમાંથી એક ભણવા માટે બોસ્ટન અને બીજો ન્યૂયોર્કમાં રહે છે જમનો મહિનાનો ખર્ચ (રહેવા-જમવા સાથે) 800-900 ડોલર થાય છે, જ્યારે તેઓ રજા પાડ્યા વગર અઠવાડિયાના ભણવા અને પોતાના કામની સાથે 20 કલાક લેખે 80 કલાક કામ કરે તો તેમને 1000થી 1200 ડૉલર કમાવા મળી શકે છે. પરંતુ આ દરમિયાન મેડિકલ કે અન્ય કોઈ જરુરી ખર્ચ આવી પડે તો બજેટ ખોરવાઈ શકે છે. અહીં રહેતા વિદ્યાર્થીઓ કે જેઓ અમેરિકાના નાગરિક બની ગયા છે તેમણે પણ ઘરની સફાઈ, રાંધવું, કપડા ધોવા, વાસણ ધોવા વગરે પોતાની મેળે જ કરવું પડતું હોય છે કારણ કે જો તેઓ અહીં કોઈ કામવાળાને રાખવાનું વિચારે તો લાંબા થઈ જાય છે, આ વિશે આગામી સમયમાં વિસ્તારથી જણાવીશું.
આ વિદ્યાર્થીઓ સલાહ આપે છે કે જો તમે ઘરે જાતે પાણીનો ગ્લાસ પણ ન ઉપાડ્યો હોય તો તમારા માટે અમેરિકા જેવું દેખાય છે એટલું સહેલું જરાય નથી, અહીંની લાઈફ બહુ જ ફાસ્ટ છે તેની સાથે તમારે ભાગવું પડે છે નહીં તો પાછળ રહી જવાથી મુશ્કેલીઓ અને આર્થિક બોઝામાં વધારો થવા લાગે છે. અમેરિકા આવવું છે તેમણે બધા કામ કરવા પડશે તેવી માનસિકતા સાથે જ આવવું જોઈએ.