રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ યોજી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત રાસાયણિક ખેતીમુક્ત બને અને સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત રોલ મોડલ બને તેવા સ્વપ્નને યાદ કરી પ્રાકૃતિક ખેતી અંગે સ્વયંના અનુભવનો નિચોડ ખેડૂતો સમક્ષ રજુ કર્યો હતો.
ખેડૂતો હજુ પણ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળતા અચકાતા હોવાનું મુખ્ય કારણ કૃષિ પેદાશમાં ઘટાડા અંગે ચિંતા અને ડર હોવાનું રાજ્યપાલ શ્રીએ જણાવતાં કહ્યું હતું કે, રાસાયણિક ખેતીમાં યુરિયા, ડી.એ.પી., જંતુનાશક દવાઓનો મોટા પાયે વપરાશ કરવો પડે છે. જે ખર્ચાળ છે અને જમીનને નુકસાન પણ કરે છે, જયારે પ્રાકૃતિક ખેતીમાં માત્ર ગાયના ગોબર અને મૂત્ર દ્વારા ઓછા ખર્ચે વધુ કૃષિ પાક લઈ શકાય છે. પ્રાકૃતિક ખેતીથી કૃષિ પેદાશમાં ઘટાડો નહીં પરંતુ ઉત્તરોત્તર વધારો થતો જશે તેમ રાજ્યપાલશ્રીએ ખાતરી આપતાં જણાવ્યું હતું.
પ્રાકૃતિક ખેતીને પ્રકૃતિ સાથે જોડતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, જંગલની અંદર ઉછરતા ઝાડ -પાન, ફળ-ફૂલને કોઈ રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી અને કુદરતી રીતે તેમાં તમામ ઓર્ગેનિક તત્વોની દેન પરમાત્માએ મુકી છે. સંપૂર્ણ પ્રાકૃતિક રીતે જો આ વન સંપદા ઉછરી શક્તી હોય તો આપણા ખેતરમાં આ કેમ થઈ ના શકે, ? તેવો પ્રશ્ન ઉઠાવી રાજ્યપાલશ્રીએ આ વિચારને મૂર્તિમંત કરવાનો મંત્ર ખેડૂતોને આપ્યો હતો.
દેશમાં જ્યારે અન્નની મોટા પાયે જરૂરિયાત હતી ત્યારે હરિત ક્રાંતિ થકી આપણે કૃષિ ઉત્પાદન વધારવા રાસાયણિક ખેતી અપનાવી, યુરિયા, ડી.એ.પી. જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ કર્યો, જેનાથી જમીનની કાર્યક્ષમતા ઘટી અને જમીન ઉજ્જડ અને બિનઉપજાઉ બની. રાસાયણિક ખેતીને લીધે દેશભરમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૦.૫ થી નીચે આવી ગયું હોઈ જમીનને પુનઃ કાર્યક્ષમ બનાવવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનું શ્રી દેવવ્રતજીએ જણાવ્યું હતું.
જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવી રાજ્યપાલશ્રીએ સ્વયં પોતાનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, મારા ખેતરમાં મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી તેના ત્રણ વર્ષની અંદર જમીનનું લેબોરેટરીમાં પરીક્ષણ કરાવતાં તેમાં ઓર્ગેનિક કાર્બન ૧.૭ ઉપર આવી ગયો છે, તેમ જ એક એકરમાં ૩૨ ક્વિન્ટલ અનાજ પેદા થયું છે, જે પ્રાકૃતિક ખેતીની સફળતા દર્શાવે છે.
પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત એક દેશી ગાયના એક દિવસના ગોબર અને મૂત્રથી જ તૈયાર થઈ જશે, આ જીવામૃતના છંટકાવ થકી સૂક્ષ્મ જીવાણુઓ અને અળસીયાઓ ઓર્ગેનિક કાર્બન વધારવાનું કામ કરે છે, તેનાથી જમીન ફળદ્રુપ બને છે અને નિંદામણની જરૂર પડતી નથી, તેમ રાજ્યપાલશ્રીએ માહિતી આપી ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે, યોગ્ય રીતે પ્રાકૃતિક ખેતી કરવામાં આવશે તો એક વર્ષની અંદર રાસાયણિક ખેતીની લગોલગ કૃષિ પેદાશ થઈ જશે અને દર વર્ષે ઉત્પાદનમાં સતત વધારો થતો રહેશે.
પ્રાકૃતિક ખેતીના મિશનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય સરકારના સક્રિય સહયોગની સરાહના કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યુ હતું કે પ્રાકૃતિક કૃષિ અંગે જનજાગૃતિના મહત્વના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. તેમના વતન હરિયાણા ખાતેના ખેતરમાં થઈ રહેલી પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યના કલેકટરશ્રી તેમજ ઉચ્ચ અધિકારીઓએ સ્વયં મુલાકાત લઈ આ અંગે રાજ્યમાં ખેડૂતો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવી રહ્યા છે. અને કૃષિ પેદાશોના સીધા વેચાણ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ વેચાણ કેન્દ્રો પણ શરુ કરવામાં આવ્યા છે.
રાજ્યપાલશ્રીએ આ તકે યાર્ડ ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશના પ્રદર્શન કમ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે તેમના ઉત્પાદનો અંગે સંવાદ કર્યો હતો. સાથોસાથ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ધીરે ધીરે આગળ આવે તે માટે સંકલ્પ લેવડાવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલશ્રીનું પોલીસ બેન્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર તેમજ સ્મૃતિચિન્હ આપી સ્વાગત કરાયું હતું.
કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ સ્વાગત પ્રવચનમાં રાજ્યપાલશ્રી દ્વારા ચલાવાઈ રહેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનની સરાહના કરી રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના સીધા વેચાણ માટે કરવામાં આવેલી વ્યવસ્થાની વિગતો પૂરી પાડી હતી. આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ કરી હતી.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય સર્વેશ્રી ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડિયા, આત્માના નિયામક શ્રી પ્રકાશભાઈ રબારી, એ.પી.એમ.સી.ગોંડલના ચેરમેન શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોર, પ્રાંત અધિકારી શ્રી રાજેશભાઈ આલ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.