ગુજરાત અને ઇઝરાયેલ વચ્ચે મજબૂત વ્યૂહાત્મક સંબંધો વિકસાવવાની વિશાળ સંભાવનાઓ રહેલી છે: ઇઝરાયેલ એમ્બેસડર
અમદાવાદ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ આજે એટલે કે 3જી ઓક્ટોબર, 2023 ના રોજ GCCI ખાતે ઈઝરાયેલના એમ્બેસડર HE શ્રી નાઓર ગીલોન અને ઇઝરાયેલના મુંબઈ ખાતેના કોન્સ્યુલ જનરલ શ્રી કોબી શોશાની સાથે એક ઇન્ટરેક્ટિવ મીટિંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ નો મુખ્ય ઉદ્દેશ ગુજરાત અને ઈઝરાયેલ વચ્ચે આર્થિક સંબંધો મજબૂત કરવા અને સહયોગને પ્રોત્સાહન આપવા માટેની અનેકવિધ તકો અંગે વાર્તાલાપ કરવાનો હતો.
GCCI ના સીની. વાઇસ પ્રેસિડેન્ટ, સંદીપભાઈ એન્જીનીઅરે તેઓના સ્વાગત પ્રવચન સાથે શરૂઆત કરી. તેમણે ઈઝરાયેલના પ્રતિનિધિમંડળ ની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી અને બંને પ્રદેશો વચ્ચેના વેપાર અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનના સમૃદ્ધ ઇતિહાસ પર ચર્ચા કરી. તેમણે ટેકનોલોજી, કૃષિ, વેપાર, પર્યાવરણ અને સંરક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની અપાર સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો.GCCI ના ઈન્ટરનેશનલ ટ્રેડ ટાસ્ક ફોર્સ ના ચેરમેન અનિલ જૈને તેઓના પ્રાસંગીક સંબોધનમાં વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારીના મહત્વ પર ચર્ચા કરી હતી. તેમણે ગુજરાત અને ઈઝરાયેલને સહયોગ માટે નવા સ્ત્રોતો શોધવા ની જરૂરિયાત પર ભાર મૂક્યો, ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જ્યાં બંને પ્રદેશો અનન્ય શક્તિ અને કુશળતા ધરાવે છે.ઇઝરાયેલના એમ્બેસડર HE શ્રી નાઓર ગિલોને ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સારા રાજદ્વારી સંબંધો વિષે વધુમાં જણાવ્યું કે, ઇઝરાયેલ એમ્બેસીની સ્થાપના વર્ષ 1992માં થઇ હતી અને છેલ્લા 30 વર્ષોમાં રેકોર્ડ બ્રેક નિકાસ થઈ છે. તેમણે ઇઝરાયેલ દ્વારા સ્ટાર્ટઅપ્સ પર ના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો તેમજ જણાવ્યું હતું કે, ગુજરાત અને ઇઝરાયેલ વચ્ચે મજબૂત વ્યૂહાત્મક સંબંધો વિકસાવવાની વિશાળ સંભાવનાઓ રહેલી છે.
ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ ગુજરાતમાં સ્વાગત બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો અને ગુજરાત-ઇઝરાયેલ સંબંધોની ભાવિ સંભાવના વિશે તેમનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન બંને પ્રદેશો વચ્ચે ટેક્નોલોજી ટ્રાન્સફર અને ઇનોવેશન એક્સચેન્જની સંભવિતતા સહિત અનેક સંભવિત સહયોગોની ચર્ચા કરવામાં આવી હતી.પ્રાસંગિક આભારવિધિ કરતાં GCCI ના માનદ મંત્રી (રીજીઓનલ) શ્રી પ્રશાંત પટેલે ઈઝરાયેલના પ્રતિનિધિમંડળની તેમની મુલાકાત અંગે પ્રશંસા કરી હતી અને આ કાર્યક્રમ દરમિયાન થયેલી ફળદાયી ચર્ચા પર ભાર મુક્યો હતો. તેઓએ ભવિષ્યમાં સહકાર અને સહયોગના અન્ય વેપાર-ઉદ્યોગોના અન્ય સ્ત્રોતો વિષે જણાવવા અંગે ચર્ચા કરી હતી.