ભારત સહિત દુનિયાભરના દેશો પર અમેરિકાએ ઝીંકલા ટેરીફથી વિશ્વભરના શેરબજાર-સોના-ચાંદી તથા ચલણ જેવા નાણાંમાર્કેટોમાં જબરી ઉથલપાથલ રહી છે. શેર તથા સોના-ચાંદીમાં કડાકા સર્જાયા હતા. ચલણ માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો ઉંચકાયો હતો. અમેરિકાના આ કદમથી અમેરિકાને જ માર પડયો હોય તેમ તેની શેરમાર્કેટમાં ઈન્વેસ્ટરોની સંપતિમાં 2.4 ટ્રીલીયન ડોલરનું ધોવાણ થયુ હતું. અમેરિકામાં નિકાસ કરતા દેશોના ઉત્પાદનો પર ટ્રમ્પે નવા ટેરિફ લાદયા હતા. દુનિયાના દેશોમાં તો તીવ્ર પ્રત્યાઘાતો પડયા હતા જ પરંતુ ખુદ અમેરિકા પણ તેમાંથી બાકાત રહી શકયુ ન હતું. અમેરિકી ડાઉ જોન્સ ઈન્ડેકસ 1400 પોઈન્ટ ગગડયો હતો.
નાસ્ડેકમાં 1050 પોઈન્ટનો કડાકો હતો. એસએન્ડપી 500 ઈન્ડેકસ 274 પોઈન્ટ ગગડયો હતો. અમેરિકન માર્કેટમાં 2020ના કોવિડકાળ બાદ પ્રથમ વખત સૌથી મોટો એક દિવસીય કડાકો હતો. અમેરિકાની સાથોસાથ બ્રિટન, જર્મની, ફ્રાંસ સહિતના યુરોપીયન માર્કેટ ગબડયા હતા. આજે સવારે જાપાન, સિંગાપોર, મલેશિયા જેવા માર્કેટમાં પણ કડાકો હતો. ભારતીય શેરબજારમાં પણ આજે તીવ્ર પ્રત્યાઘાત સાથે ગાબડા પડયા હતા. ટેરિફની અસર વિશે ચિત્ર સ્પષ્ટ થવા લાગતા અસર આવી હતી. એન્જીનીયરીંગ, જેમ્સ જવેલરી, મોબાઈલ, મેન્યુફેકચરીંગ સહિતના ક્ષેત્રોને ફટકો પડવાની આશંકાથી ગભરાટભરી વેચવાલી હતી. મોટાભાગના શેરો ગગડયા હતા. ટીસીએસ, ટેક મહીન્દ્ર, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી પોર્ટ, એશિયન પેઈન્ટસ, એચસીએલ ટેક, ઈન્ડ્રુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મહીન્દ્ર, મારૂતી, એનટીપીસી, રિલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ સહિતના શેરો પટકાયા હતા.