છેલ્લા બે ત્રણ દાયકાથી દિન પ્રતિદિન ગ્લોબલ વોર્મિંગની કારણે વાતાવરણમાં વિષમતા વધી રહી છે. તો ઋતુ ચક્રમાં પણ બદલાવ આવી રહ્યો છે. વિશ્વના મોટાભાગના દેશો આ બાબતે ચિંતિત જોવા મળી રહ્યા છે. આ સાથે જ વૈજ્ઞાનિકો પણ ચિંતા સાથે ભય વ્યક્ત કરી રહ્યા છે. હવે જો આપણે નહીં સમજીએ તો વિશ્વના સમુદ્ર કિનારાના અનેક શહેરો અને ગામો સમુદ્રના પાણીમાં ડૂબી શકે છે.
આ વાતને સમર્થન આપતી ઘટનાઓ પણ દેશ સહિત ગુજરાતના સમુદ્રીય પ્રદેશમાં અણસાર આપી રહી છે. ત્યારે જોઈએ કે દેશમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતા ગુજરાત રાજ્યના કયા બંદરો પર દરિયાના પાણીનો ખતરો મંડરાઇ રહ્યો છે. તેની પાછળનું કારણ શું છે અને જો આવું થયું તો તેની સૌથી વધુ અસર કોના પર અને કયા બંદર પર પડી શકે છે.
ગીર સોમનાથના સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિનિયર સાયન્ટિસ, ડો.દિવુ ડીના જણાવ્યા પ્રમાણે, વર્ષો પહેલા સમુદ્ર વર્તમાન કિનારાથી 50થી 60 મીટર દૂર હતો. જે હાલ આગળ આવી ગયો છે. ગ્લોબલ વોર્મિંગની આજ સ્થિતિ રહી તો આવતા વર્ષોમાં ગુજરાતનાં કેટલાક શહેરો અને બંદરોનો કેટલોક ભાગ ડૂબી જવાની ભીતિ સેવાઈ રહી છે. જેમાં સુરત, ભરૂચ, કચ્છ અને ભાવનગર જિલ્લામાં સમુદ્ર આગળ વધવાની સંભાવના વધી છે. સમુદ્ર આગળ વધી રહ્યો છે તે માટે કોઈ વ્યક્તિ, સમાજ કે સમૂહ જવાબદાર ન ગણી શકાય. આ એક વૈશ્વિક સમસ્યા છે. સમગ્ર વિશ્વ સાથે મળીને વાસ્તવમાં આ બાબતે ગંભીરતાથી આગળ વધે તો કાંઈક હલ નીકળી શકે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટમાં આની અસર વધારે નહીં દેખાય પરંતુ કોમન સી વોટરનો જે વધારો છે તે પ્રમાણે બંદર પર પાણી અંદર તરફ વધશે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, મહાસાગરોમાં રહેલા તેમજ પર્વતો પર રહેલા ગ્લેશિયરો ઓગળી રહ્યા છે.જેને કારણે સમુદ્રમાં પાણી વધી રહ્યું છે.વૈશ્વિક તાપમાન વધવાને કારણે આમ બની રહ્યું છે. સમુદ્રનું આગળ વધવાનું મુખ્યતઃ કારણ જ ગ્લોબલ વોર્મિંગ છે.માણસની જેમજેમ ભૌતિક જરૂરિયાતો વધી રહી છે.સુખાકારી અને આધુનિકતા આગામી વર્ષોમાં ભયજનક નીવડી શકે છે.કાર્બન ઉત્સર્જનને કારણે વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે.
જે ખરેખર ચિંતાનો વિષય છે.આ બાબતે ગંભીરતા થી સમગ્ર વિશ્વએ વિચારવાનો સમય આવી ગયો છે. વૈજ્ઞાનિકો ચેતવી પણ રહ્યા છે ત્યારે સમગ્ર દુનિયા એકી સાથે પર્યાવરણ બચાવવા માટે પ્રયત્નશીલ થાય તો જ કાંઈ હલ નીકળી શકે. મનુષ્યને કારણે જ સમુદ્રી જીવ સૃષ્ટિ પર ખતરો વધી રહ્યો છે. વિશ્વમાં કાર્બન ઉત્સર્જન વધી રહ્યું છે. ઓક્સિજન, કાર્બન ચક્ર ખોરવાઈ રહ્યા છે.જેને કારણે પર્યાવરણની હાલત બગડી રહી છે.
વિશ્વમાં સમુદ્ર આગળ વધી રહ્યો હોવાની ભીતિ સેવાઈ રહી છે. તે વાત માત્ર ઉપજાવેલી નથી. વૈશ્વિક વૈજ્ઞાનિકો દ્વારા ભાખેલું ભવિષ્ય છે. દર વર્ષે વિશ્વનું તાપમાન વધતું જાય છે. જેને લઈને ગ્લેશિયરો ઓગળી તેનું પાણી સમુદ્રમાં ભળતું જાય છે. આથી સમુદ્ર આગળ વધી રહ્યો છે. હવે સમુદ્રને આગળ વધતો અટકાવવા વૈશ્વિક તાપમાનમાં ઘટાડો આવે તે અત્યંત જરૂરી છે. જે માટે દુનિયાના દરેક વ્યક્તિએ કાર્બન ઉત્સર્જન ઘટે તેવું કાર્ય કરવું ઘટે. પોતાની સ્વૈચ્છીક જવાબદારી સમજીને ભૌતિકવાદી ન બનતા વાસ્તવવાદી બનવું જ પડશે. એક સંશોધન પ્રમાણે, 0.3 મિલિમિટર પ્રતિ યર’ પ્રમાણે સમુદ્ર આગળ વધી રહ્યો છે. આથી ભવિષ્યમાં દરિયા કિનારે આવેલ નાના મોટા બંદરોનો કેટલોક ભાગ સમુદ્રમાં ગરકાવ થઈ શકે છે. જેને લઈને હજારો એકર જમીનમાં દરિયાઈ પાણી ફરી વળશે. આથી સૌથી વધુ નુકશાન સમુદ્રી કિનારે વસતા માછીમારોને થઈ શકે છે. તેઓના ઘર ડૂબી શકે છે. વધતા તાપમાનને કારણે સમુદ્રી જીવ સૃષ્ટિ નષ્ટ થઈ શકે છે. માછલીઓના સમુદ્રમાં જ મોત થવાને કારણે તેની વૃદ્ધિ અટકી શકે છે.જે સમગ્ર વિશ્વનાં માછીમારીના વ્યવસાય પર અસર કરી શકે છે.
ગીર સોમનાથ જિલ્લામાં પણ ખાસ્સો એવો સમુદ્ર કિનારો આવેલો છે. ત્યારે આગામી વર્ષોમાં થોડી ઘણી અસર આ જિલ્લામાં પણ પડી શકે છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત બન્યો છે. હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રનો ઘણોખરો ભાગ ભારત દેશમાં આવેલો છે.
મહાસાગરમાં વહેતા ઠંડા અને ગરમ પ્રવાહોને કારણે અલનીનો અને લા નીના અસર ઉદભવી રહી છે. સમુદ્ર આગળ વધવાની પ્રક્રિયાને કારણે ઋતુચક્રમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. ભારતમાં જમીન ઓછી અને વસ્તી વધુને કારણે ઘણી સમસ્યા તો છે જ. જેમાં સમુદ્ર આગળ વધી રહ્યાની ચિંતાનો ઉમેરો થયો છે. દેશની ઘણીખરી વસ્તી માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલી છે. જે આર્થિક રીતે તૂટી શકે તેવી આશંકા વૈજ્ઞાનિકો વ્યક્ત કરી રહ્યા છે. તો સામાન્ય માછીમાર પણ આ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આગળ વધતા સમુદ્રથી ભય અનુભવી રહ્યો છે.