સુરત
સુરતનાં કાપોદ્રામાં અજાણ્યા શખ્સે રાત્રે હીરાના કારખાનામાંથી ઘરે પરત ફરી રહેલા રત્નકલાકાર પાસેથી નશો કરવા પૈસા માંગ્યા હતા, પરંતુ રત્નકલાકાર યુવક પાસે ભાડાના 10 રૂપિયા હોવાથી શખ્સે યુવક પર છરી વડે હુમલો કરી હત્યા કરી દીધી હતી. આ ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો હતો અને પોલીસ સ્ટેશનને ઘેરી લેતાં 5 પોલીસ સ્ટેશનના પોલીસને બોલાવવામાં આવ્યા હતા. તેમજ કાપોદ્રા પોલીસ સ્ટેશનના દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું હતું.
આ ઘટનામાં દારૂની દુકાનો ખુલ્લેઆમ ચાલી રહી હોવાનો આરોપ લગાવતા મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશને પહોંચી હતી. તેઓ દારૂની દુકાનો બંધ કરાવવા માટે ઉગ્ર માંગણી કરી રહ્યા છે. 17 વર્ષના યુવકની હત્યા કરનાર આરોપીને મૃત્યુદંડની સજાની માંગણી કરતા સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. હાલમાં પોલીસ મહિલાઓ ઘટનાસ્થળે પહોંચી લોકોને કાબૂમાં કરવાના પ્રયાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રત્નકલાકાર યુવક પરેશ હીરાની ફેક્ટરીના સરીન વિભાગમાં કામ કરતો હતો. ગઈકાલે રાત્રે યુવક હીરાના કારખાનાથી ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન આરોપી પ્રભુ શેટ્ટી તેની પાસે આવ્યો અને નશા માટે પૈસા માંગવા લાગ્યો. આ દરમિયાન પરેશે કહ્યું કે તેની પાસે ભાડાના માત્ર 10 રૂપિયા છે તેની પાસે વધુ પૈસા નથી. આ મામલે બંને વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. રોષે ભરાયેલા આરોપી પ્રભુ શેટ્ટીએ પરેશના પેટમાં ચપ્પુ મારી દીધું. જેના કારણે પરેશ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું તબીબી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
હત્યા મામલે સ્થાનિકોએ કાપોદ્રા પોલીસને ઘટનાની જાણ કરી હતી. કાપોદ્રા પોલીસે મૃતક પરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે થોડીવારમાં જ આરોપી હત્યારા પ્રભુ રવિરામ શેટ્ટીની ધરપકડ કરી લીધી છે. કાપોદ્રા પોલીસે આરોપી પ્રભુ શેટ્ટીની સઘન પૂછપરછ કરી છે. હત્યાના કારણે મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. 500 થી વધુ લોકોએ પોલીસ સ્ટેશન તરફ જતો રસ્તો રોકી દીધો હતો અને ન્યાયની માગ કરી હતી. મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે પોલીસ સ્ટેશનના ગેટને તાળા મારવાની ફરજ પડી હતી.