મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પંચમહાલના નાગરિકોને રૂ. ૭૦૫ કરોડના વિકાસ કામોની ભેટ આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે સરકાર દ્વારા પાણી પુરવઠા અને સિંચાઇની વ્યાપક યોજનાઓ બનાવી તેનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં ૧ લાખ કિ.મી. લાંબી પાઇપલાઇન વિતરણ નેટવર્કથી રાજ્યમાં છેવાડાના વિસ્તારો સુધી શુદ્ધ પાણી પહોચાડયું છે.
તેમણે ઉમેર્યુ કે, નર્મદા, ઊકાઇ, કડાણા, પાનમ અને મહી જેવી મોટી નદીઓ આધારિત યોજનાઓથી આપણે ગુજરાતમાં પાણીની અછત દૂર કરી છે.
ગુજરાતે ગેસગ્રીડ અને વીજગ્રીડ જેમ વોટરગ્રીડ નેટવર્કની આગવી દિશા અપનાવી છે, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પંચમહાલ સાજીવાવ ખાતે ખાતમુહૂર્ત કરી શહેરા તાલુકાના મહેલાણા ખાતે યોજાયેલી એક સભાને સંબોધિત કરતા કહ્યું કે, છેલ્લા એક જ પખવાડિયામાં રાજ્યમાં રૂ. ૪ હજાર કરોડની પાણી પુરવઠાની વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નલ સે જલ યોજનાને સાકાર કરવા માટે રાજ્ય સરકાર પ્રતિ માસ એક લાખ ઘરને નળ જોડણા આપવાના લક્ષ્યાંક સાથે કામ કરી રહી છે અને અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૮૨ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં નળથી પાણી મળતું થઇ જશે એવો આપણો નિર્ધાર છે.
તેમણે કહ્યું કે, પહેલા રાજ્ય સરકારનું કૂલ બજેટ માત્ર રૂ. ૯ હજાર કરોડ હતું. તેમાં કોઇ વિભાગ માટે માત્ર ૭૦૦ કે ૮૦૦ કરોડ રૂપિયા ફાળવાતા હતા. તેની સાપક્ષે આજે એક માત્ર પંચમહાલ જિલ્લાને રૂ. ૭૦૫ કરોડના વિકાસ કામોની ભેટ માત્ર એક જ દિવસમાં મળી છે. આજે રાજ્ય સરકારના બજેટનું કદ ૨.૧૦ લાખ કરોડ રૂપિયાનું છે.
તેમણે કહ્યું કે, ભૂતકાળમાં ચૂંટણી ટાણે જ યોજનાના ખાતમુહૂર્તના નાટકો કરવામાં આવતા હતા અને મત મળી જાય પછી એ યોજનાને ભૂલી જવાતી હતી. પણ, અમારી સરકાર જે યોજનાના ખાતમુહૂર્ત કરે છે એના લોકાર્પણ પણ કરે છે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ અને જેટલું થઇ શકે એમ હોય એટલું જ કહીએ છીએ.
શ્રી રૂપાણીએ જણાવ્યું કે, નર્મદા ડેમનું ખાતમુહૂર્ત દાયકાઓ પૂર્વે થયું પણ, તે બાદ તે યોજનાને વિસારે પાડી દેવાના પ્રયત્નો થયા. તેમાં અનેક પ્રકારના રોડા નાખવામાં આવ્યા અને હવે શ્રી નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા બાદ તે યોજના પૂર્ણ થઇ.
કોંગ્રેસની સરકારની તિજોરીમાં કાણા હતા, તેમ કહેતા મુખ્યમંત્રીશ્રીએ વિરોધીઓને આડેહાથ લેતા જણાવ્યું કે, એમ સમયે એવું કહેવાતું હતું કે, કેન્દ્ર સરકાર લોકો માટે એક રૂપિયો મોકલતી હતી, તેમાં માત્ર ૧૫ પૈસા જ નાગરિકો સુધી પહોંચતા હતા. અમારી સરકારે લોકોના પૈસાનો પાઇપાઇનો હિસાબ રાખી ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શક શાસન આપ્યું છે.
મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું કે, એક જમાનામાં ગુજરાતના લોકોને પીવા માટે શુદ્ધ પાણી મળતું નહોતું. લોકો ક્ષારવાળું, દૂષિત પાણી પીવું પડતું હતું. ટેન્કર રાજ ચાલતું હતું. તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હતો. તેના કારણે ગંભીર પ્રકારના દર્દોના ભોગ બનતા હતા. પીવાના પાણીની સમસ્યાને વર્ષોથી અવગણવામાં આવી હતી. ત્યારે સરકાર પાસે લોકો માટે પૈસા નહોતા એવું નહોતું પણ, રાજકીય ઇચ્છાશક્તિઓ અભાવ હતો તેમજ દૃષ્ટિવંત આયોજન પણ ન હતું.
રાજ્ય સરકાર સૌનો સાથ અને સૌનો વિકાસ, એ મંત્રને વરેલી છે, એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા આદિવાસીઓ, ગરીબો, શ્રમિકો, ખેડૂતો અને મહિલા-બાળકોની વિશેષ દરકાર રાખવામાં આવે છે. ખેડૂતોની વર્ષોની માંગણી હતી કે તેમને પિયત કરવા માટે દિવસે પાણી આપવામાં આવે. રાતે પાકને પાણી પાવા માટે વાડીખેતરે જતા ખેડૂતોને જંગલી પશુઓ કે જીવજંતુનો ડર રહેતો હતો. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કિસાન સૂર્યોદય યોજના અમલી બનાવી છે. પ્રથમ તબક્કામાં રાજ્યના ૧૦૫૫ ગામોના ખેડૂતોને દિવસે કૃષિલક્ષી વીજળી મળતી થઇ છે. એ બાદ બીજા ચરણમાં અઢી હજાર ગામોના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. ૨૦૨૨ સુધીમાં રાજ્યના તમામ ગામોના ખેડૂતોને દિવસે વીજળી મળે એવું આયોજન છે. ખેડૂતો સમૃદ્ધ બને તે દિશામાં અમે સતત કાર્યરત છીએ. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં ૧૭ હજાર કરોડની જણસોની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.
શ્રી રૂપાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે આગામી ૨૦૨૪ સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ થકી પાણી પહોંચે. રાજ્ય સરકારે આ સંકલ્પને ૨૦૨૨ સુધીમાં સાકાર કરી લેશે. ત્યાં સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં નળ થકી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. દર માસે એક લાખ ઘરોને નળ આપવાના લક્ષ્યાંક સાથે અમે કામ કરી રહ્યા છીએ.
કબૂતરી ડેમના વિસ્થાપિતોની જમીન સનદોનો ૫૦ દાયકા જૂના પ્રશ્નનું નિરાકરણ લાવવા બદલ આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અમારી સરકાર સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે. તેથી ૧૯૮૦માં બનેલા ડેમના ૪૭૯ અસરગ્રસ્તોને હવે ૧૦૫૮ હેક્ટર જમીનની સનદો આપવામાં આવી રહી છે.
કોરોનાની વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે જંગ જીતવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા એક રસીના આકસ્મિક ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આગામી એકાદ અઠવાડિયા બાદ રાજ્યમાં કોરોના વાયરસ સામે વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રી દ્વારા પંચમહાલને ભેટ મળેલા કામો જોઇએ તો રૂ. ૧૩૬ કરોડથી વધુના ખર્ચે મોરવા હડફ ખાતે હારેડા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરાયું હતું. આ યોજના કાર્યાન્વિત થવાથી મોરવા હડફ તાલુકાના ૫૧ ગામોના અંદાજે ૨ લાખથી વધુ લોકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ અંતર્ગત રૂ. ૨૨.૪૩ કરોડના ખર્ચે હાલોલ ખાતે પોલીટેકનિક કોલેજનું બાંધકામ, રૂ. ૧૭.૨૧ કરોડના ખર્ચે મોરવા હડફ ખાતે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનું બાંધકામ, રૂ. ૧૫.૯૦ કરોડના ખર્ચે જાંબુઘોડા ખાતે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનું બાંધકામ અને રૂ. ૮ કરોડના ખર્ચે શિક્ષણ વિભાગ દ્વારા ગોધરા તાલુકામાં ચંચોપા મોડેલ સ્કુલનું લોકાર્પણ તેમણે કર્યું હતું.
જળ સંપત્તિ વિભાગ હેઠળ રૂ. ૩૧૫ કરોડના ખર્ચે તૈયાર થનાર પાનમ જળાશય આધારિત ઉદ્દવહનથી તળાવ ભરવાની યોજનાના કામો અને રૂ. ૧૩૮ કરોડના ખર્ચે તૈયાર થનાર પાનમ હાઇલેવલ કેનાલ આધારિત ઉદ્દવહનથી તળાવ ભરવાની યોજના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
જ્યારે શિક્ષણ અંતર્ગત રૂ. ૧૨.૬૦ કરોડના ખર્ચે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ, ગોધરા, અંબાલીના નવીન બાંધકામ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ ગોધરા- પંચમહાલ અંતર્ગત રૂ. ૩૫ કરોડના ખર્ચે ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી હાલોલ, પાણી પુરવઠા વિભાગ હેઠળ રૂ. ૬.૬૬ કરોડના ખર્ચે વણાકબોરી ફળિયા કનેક્ટિવિટી જૂથ પાણી પુરવઠા યોજના તેમજ રૂ. ૩.૧૦ કરોડના ખર્ચે અદેપુર ફળિયા કનેક્ટિવિટી જૂથ પાણી પુરવઠા યોજના જ્યારે બાગાયત વિભાગ, ગોધરા- પંચમહાલ હેઠળ રૂ. ૫.૪૩ કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર એટ ખાંડીવાવ, જાંબુધોડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
શ્રી રૂપાણીએ કબૂતરી ડેમના અસરગ્રસ્તોને જમીનની સનદો તથા કૃષિ વિભાગની યોજના હેઠળ ખેડૂતોને લાભોનું વિતરણ પણ કર્યું હતું.
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું કે, પંચમહાલ જિલ્લામાં પાણી પુરવઠાની સાત જૂથ યોજનાઓ કાર્યરત છે. ૪૮ કિલોમિટર લાંબી બલ્ક પાઇપ લાઇન નાખવામાં આવી છે. તેમાંથી ૨૩૦૦ કિલોમિટર લાંબી લાઇનથી પાણી વિતરણ કરવામાં આવે છે. પાણી શુદ્ધિકરણના આઠ પ્લાન્ટ અને ૧૦ ભૂગર્ભ ટાંકા છે. આ યોજનાઓ સાકાર થતાં લોકોને પીવાના પાણીની સારી સુવિધા મળશે.
તેમણે ઉમર્યું કે, જિલ્લાના બાકીના ગામોને લોકો માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા નળ જોડાણ અંગે સર્વે કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ઘરોમાં નળ થકી પાણી મળતું થઇ જશે.
રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અને શ્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સર્વ શ્રી જેઠાભાઇ ભરવાડ, સી. કે. રાઉલજી, સુમનબેન ચૌહાણ, અગ્રણી શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી અશ્વિનભાઇ પટેલ, વરિષ્ઠ અધિકારી શ્રી ધનંજય દ્વિવેદી, એમ. કે. જાદવ, શ્રી મયુર મહેતા, કલેક્ટર શ્રી અમિત અરોરા સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલના ૨૫૦ ગામોના લોકો પણ ઓનલાઇન કાર્યક્રમમાં જોડાયા હતા.