દાહોદ.
લાંચીયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં સુધરવાનું નામ નથી લઈ રહ્યા. હવે આચાર્ય ઝડપાતાં ચકચાર મચી ગઈ હતી. આચાર્ય એસીબીના છટકામાં સપડાતાં સોંપો પડી ગયો હતો. ફરિયાદીનું ફોરવ્હીલ વાહન પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને લાવવા મુકવા માટે ભાડે આપ્યું હતું. તેમના વાહનનું ભાડું રૂપિયા ૨૮૫૯૦ તા.૩૦/૦૩/૨૦૨૫ ના રોજ બેંક ખાતામા જમા થયું હતું. જેથી ગોપાલભાઇ વસ્તાભાઇ ચમાર (ઉ.વ.૫૧ ધંધો- નોકરી મુખ્ય શિક્ષક, આચાર્ય)એ તેમની પાસેથી કમીશનના નામે લાંચ પેટે રૂપીયા ૧૪૦૦૦ ની માંગણી કરી હતી. પરંતુ તેઓ આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી બે રાજ્ય સેવક પંચોની હાજરીમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી પીપોદરા ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળાની ઓફિસ રૂમમાં હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા રૂા.૧૪,૦૦૦ લાંચ સ્વીકારી પકડાયા હતા. સ્કૂલમાં આચાર્ય જ લાંચ લેતા શિક્ષકોમાં પણ સોપો પડી ગયો હતો.
ગુજરાતમાં લાંચ લેવાનું પ્રમાણ વધી ગયું છે. રોજબરોજ એસીબી રાજ્યમાંથી કોઈને કોઈ વ્યક્તિને લાંચ લેતા ઝડપે છે. તાજેતરમાં ભાવનગરના મહુવામાં એએસઆઈ સહિત 4 લોકો લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા. ગત શુક્રવારે નારોલ પોલીસ સ્ટેશનનો અનાર્મ હેડ કોન્સ્ટેબલ દારૂના
ખોટા કેસ કરવાની ધમકી આપી લાંચ માગતો એસીબીના છટકામાં સપડાયો હતો. ગુરુવારે દહેગામમાં સસ્પેન્ડ કરવામાં આવેલો નાયબ મામલતદાર અને તેનો સાથી લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા. આ પહેલા મહીસાગરના કડાણા તાલુકામાં સરપંચ દિકરી વતી લાંચ માંગતો બાપ એસીબીના છટકામાં સપડાયો હતો. પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેક્ટર અને પ્લાનીંગ આસીસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીને 3 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ગાંધીનગરનો એએસઆઈ રૂપિયા બે લાખની લાંચ લેતા એસીબીએ ઝડપાયો હતો.