મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને વિશ્વનું પ્રતિષ્ઠિત રાજ્ય બનાવવાની નેમ વ્યક્ત કરી છે. દાહોદ જિલ્લાના નાગરિકોને રૂ.૧૫૦૦ કરોડથી પણ વધુના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભૂતકાળની સરકારોને રાજકીય ઇચ્છાશક્તિ નહોતી. આદિવાસીઓના વિકાસના નામે માત્ર મતો જ મેળવવામાં આવતા હતા. મતો મળી ગયા પછી લોકોને ભૂલી જવામાં આવતા હતા. રાજ્ય સરકારે વિકાસના ફળો છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં ૪૨ વર્ષ સુધી સત્તા સંભાળી છતાં પણ લોકોની પ્રાથમિક સુવિધાના કામો કરવામાં આવ્યા નહોતા. પણ, અમે ભાગ્યશાળી છીએ કે લોકસુવિધાના કામો કરવાની તક અમને મળી છે. પહેલા રાજ્ય સરકારનું બજેટ માત્ર સાત-આઠ હજાર કરોડ જેટલું હતું. તેમાં કોઇ એક વિભાગને કામો કરવા માટે ૭૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવવામાં આવતી હતી. પણ, હવે એક માત્ર દાહોદમાં જ અને એક જ દિવસમાં રૂ. ૧૫૦૦ કરોડથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.
શ્રી રૂપાણીએ ઉમેર્યું કે, અમારી સરકારે લોકોની પ્રાથમિક સુવિધાને ધ્યાને રાખી છે. તેના આધારે પીવાના પાણી, સિંચાઇના પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણની સવલત થકી વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, ભૂતકાળમાં આપણે પાણીની સમસ્યા જોઇ છે. નાગરિકોને ક્ષારયુક્ત, ક્લોરાઇડવાળું પાણી પીવું પડતું હતું. તેના કારણે લોકો રોગોનો ભોગ બનતા હતા. ગૃહિણીઓ હેન્ડ પમ્પ ખેંચીને તૂટી જતી હતી. વળી, દૂરદરાજના ગામોમાં તો પાણીના બે બેડા ભરવા માટે સીમમાં ભટકવું પડતું હતું. હવે, અમારી સરકારે પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે આગળ વધી રહી છે. લોકોના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી મળે એ માટે અમે કટિબદ્ધ છીએ.
ખેડૂતોને સિંચાઇની સારી સુવિધા મળે એ માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી ખેતરો સુધી પાણી પહોંચાડી રહી છે, તે બાબતની ભૂમિકા આપતા શ્રી રૂપાણીએ કહ્યું કે, જો વીજળી અને પાણી સારી રીતે મળે તો ગુજરાતના બાવડામાં એ તાકાત છે કે તે દુનિયાની ભૂખ ભાંગી શકે છે. ભૂતકાળની સરકારોએ સિંચાઇની સુવિધાનું કોઇ જ આયોજન કર્યું નહોતું. એટલે, ગુજરાતમાં દર બેત્રણ વર્ષે આવી પડતા દુષ્કાળમાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની જતી હતી. ખેડૂતોને મરવાનો વારો આવતો હતો. આર્થિક રીતે પાયમાલ થતાં વ્યાજખોરીના ચક્કરમાં ફસાતો હતો.
ઉક્ત સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે રાજ્ય સરકારે સિંચાઇની સુવિધા વધુ સારી બનાવી છે. હર હાથ કો કામ અને હર ખેત કો પાનીનો અમારો મંત્ર છે. એ પ્રમાણે એમ ખેતરો સુધી પીયતના પાણી પહોંચાડવા માટે કટિબદ્ધ છે. ભૂતકાળમાં સિંચાઇની યોજનામાં આટલું પાણી લિફ્ટ કરવું શક્ય નથી, એમ કહી ફાઇલોને માળિયે ચઢાવી દેવામાં આવતી હતી. પણ, આ સરકારી પાણીને ખેતર સુધી પહોંચાડવા માટે અશક્ય લાગતી યોજનાઓને શક્ય બનાવી છે. તેનું ઉદાહરણ કડાણા સિંચાઇ યોજના છે. મકાનના બાર માળ જેટલી ઉંચાઇએથી પાણી ખેંચી સિંચાઇ સુવિધા ઉભી કરવામાં આવી છે.
ખેડૂતોને માત્ર પાણી જ નહીં, પણ દિવસે વીજળી મળે એ માટેની પણ વ્યવસ્થા આ સરકારે વિચારી સમગ્ર રાજ્યમાં સર્વ પ્રથમ દાહોદના ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરી છે. જેનાથી ખેડૂતોને માટે દિવસે કામ અને રાતે આરામ મળી શકશે. આટલું જ નહીં. ખેડૂતોએ ખેતરમાં પાડેલો પરસેવો એળે જ જાય એ માટે રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે. એટલે જ ખેતઉપજોના વાજબી ભાવ મળી રહે તે હેતું રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર જ વર્ષમાં ૧૭ હજાર કરોડથી ખેતજણસોની ટેકાના ભાવે ખરીદી કરી છે.
અંબાજીથી ઉંમરગામ સુધીના આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેમ કહેતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં ૯૦ હજાર કરોડના વિકાસના કામો કરવામાં આવ્યા છે. શિક્ષણ, આરોગ્ય, રોજગારી, કૃષિ આરોગ્યને લગતી સુવિધાઓને બહેતરીન બનાવવામાં આવી છે. દાહોદના વિકાસમાં કંઇ કચાશ રાખવામાં નહીં આવે. એક લાખ જેટલા આદિવાસી પરિવારોને પેસા એક્ટ હેઠળ જમીનના અધિકારો આપવામાં આવ્યા છે. વન પેદાશના લાભો ઉપરાંત ખનીજના લાભો પણ આદિવાસી પરિવારોના વિકાસ માટે આપવામાં આવ્યા છે.
શ્રી રૂપાણીએ ગુંડા નાબૂદી ધારા અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ, દૂધસંજીવની યોજના, એકલવ્ય મોડેલ સ્કૂલની ભૂમિકા પણ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ થયેલા વિકાસ કામોની યાદી જોઇએ તો રૂ. ૧૦૫૪ કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના ભાગ-૧, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રૂ. ૩.૨૮ કરોડથી નિર્મિત ડો. બાબા સાહેબ આંબેડકર ભવન, આદિજાતી વિભાગ દ્વારા ઝાલોદ ખાતે રૂ. ૭.૬૧ કરોડના સરકારી કુમાર છાત્રાલય, આરોગ્ય વિભાગના કુલ ૨.૪૦ કરોડથી નિર્મિત બે આરોગ્ય કેન્દ્રો અને જેટકો રૂ. ૨.૨૦ કરોડના ૬૬ કે. વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું એ જ પ્રમાણે ખાતમુહૂર્તની યાદી જોઇએ તો રૂ. ૨૨૬ કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના ભાગ-૨, કડાણા આધારિત રૂ. ૨૧૩.૬૯ કરોડની ત્રણ પાણી પુરવઠા યોજના, પાણી પુરવઠા વિભાગની રૂ. ૧૪.૯૪ કરોડની બે ફળિયા કનેક્ટિવિટી યોજના અને રૂ. ૪ કરોડના ખર્ચથી નિર્માણ પામનારા ૬૬ કે. વી. સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં પાણીની શ્રેષ્ઠતમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને પૂર્ણ કરતા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સરકારે દાહોદના દરેક ગામ-દરેક ઘર સુધી પાણી પહોંચાડયું છે. પૂર્વપટ્ટીના આ આદિવાસી જિલ્લામાં કૃષિને વધુ સમૃદ્ધ કરવાના આશયથી સિંચાઈ યોજનાઓ મારફતે જળક્રાંતિ તો લાવી જ છે, પરંતુ તેની સાથે સમગ્ર જિલ્લામાં ખેતી માટે દિવસે વિજળી ઉપલબ્ધ કરાવવાનો ક્રાંતિકારી નિર્ણય લઈ ખેડૂતોને ખૂબ મોટી રાહત કરી આપી છે. જેના પરિણામે હવે આ વિસ્તારના લોકોને રોજગારી અર્થે સ્થળાંતર કરવાની જરૂર નહીં પડે પરંતુ પોતાની જમીન પર ખેતી કરીને તેઓ સ્થાનિક સ્તરે રોજગારી મેળવી શકશે, સ્વાવલંબી બની શકશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્યની વિકાસયાત્રા અવિરત રાખવા સાથે રાજ્યની સલામતી અને શાંતિ જળવાઈ રહે, માથાભારે તત્વો સામાન્ય પ્રજાજનોને, ગરીબ-નબળા વર્ગના લોકોને રંજાડે નહીં તે સુનિશ્ચિત કરતા સરકારે ગુંડા નાબુદી ધારો, લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતના કડક કાયદાઓ લાવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેવો એક કડક સંદેશો સરકારે આપ્યો છે.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડ અને સ્થાનિક સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી રમેશભાઈ કટારા, શ્રી શૈલેશભાઈ ભાભોર, સંગઠનના અગ્રણીઓ શ્રી શંકરભાઈ આંબલીયા, નરેન્દ્રભાઈ સોની, સ્નેહલભાઈ ભુરીયા, બી. ડી. વાઘેલા સહિતના અગ્રણીઓ તેમજ વરિષ્ઠ અધિકારી શ્રી એમ.કે. જાદવ, શ્રી મયુર મહેતા, શ્રી વિજય ખરાડી સહિતના અધિકારીગણ તેમજ પ્રજાજનો ઉપસ્થિત રહયા હતા