ચૈત્રી નવરાત્રિ દરમિયાન ઈંડા-નોનવેજની દુકાનો બંધ, AAP કોર્પોરેટરે નોંધાવ્યો વિરોધ
ચૈત્રી નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન 30 માર્ચ, 2025થી 12 એપ્રિલ, 2025 સુધી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈંડા અને નોનવેજની દુકાનો, લારીઓ તેમજ કતલખાનાઓ બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ નિર્ણયને હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિના ધાર્મિક મહત્વ સાથે જોડવામાં આવ્યો છે, જે દરમિયાન ભક્તો દેવીની આરાધના કરે છે અને ઘણા લોકો માંસાહારથી દૂર રહે છે.
ચૈત્રી નવરાત્રિ, જે હિંદુ નવું વર્ષ શરૂ થવાનો સંકેત આપે છે. એક મહત્વપૂર્ણ ધાર્મિક પર્વ છે. આ નવ દિવસ દરમિયાન દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને ભક્તો ઉપવાસ, તપ અને શુદ્ધ આહારનું પાલન કરે છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરે આ ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ઈંડા અને નોનવેજની દુકાનો બંધ કરવાની રજૂઆત કરી હતી, જેને તંત્ર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ પગલું ભક્તોની શ્રદ્ધાને સન્માન આપવાના હેતુથી લેવાયું હોવાનું જણાવાયું છે. પરંતુ આ નિર્ણય એક મોટો વર્ગ, ખાસ કરીને નોનવેજનો વ્યવસાય કરતા લોકો અને તેના ગ્રાહકો, માટે મુશ્કેલીઓ ઊભી કરી છે.
ભારતનું બંધારણ દેશને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર તરીકે વ્યાખ્યાયિત કરે છે, જ્યાં દરેક નાગરિકને પોતાની ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત સ્વતંત્રતા મળે છે. બંધારણની કલમ 21, જે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર” આપે છે, તેમાં નાગરિકોને પોતાની પસંદગીનું ખાણીપીણી, રહેવું અને જીવનશૈલી પસંદ કરવાની સ્વતંત્રતા સામેલ છે. આ કલમની વ્યાપક વ્યાખ્યા અનુસાર, કોઈ પણ વ્યક્તિ પર તેની ખાનપાનની આદતો બદલવા માટે દબાણ ન કરી શકાય, સિવાય કે તે જાહેર હિતમાં હોય.
આ ઉપરાંત, કલમ 19(1)(g) નાગરિકોને “વ્યવસાય, ધંધો કે રોજગારની સ્વતંત્રતા” આપે છે, જે નોનવેજ દુકાનદારો અને લારીવાળાઓના જીવનનિર્વાહનો આધાર છે. આ આદેશથી તેમના આજીવિકાના અધિકાર પર સીધી અસર પડે છે, જે બંધારણીય દૃષ્ટિકોણથી પ્રશ્નાર્થ બની રહે છે. તંત્રના આ આદેશથી ઘણા નાના વેપારીઓ માટે આ દિવસોમાં ધંધો બંધ રાખવો આર્થિક નુકસાનનું કારણ બની શકે છે. બીજી તરફ, નાગરિકોની ખાણી-પીણીની પસંદગી પર પ્રતિબંધ લાગવાથી તેમની સ્વતંત્રતા પણ પ્રભાવિત થઈ રહી છે.
ગાંધીનગરના આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટર તુષાર પરીખે આ આદેશનો સખત વિરોધ કર્યો છે. તેમણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખીને આ નિર્ણયને “ગેરબંધારણીય ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે, ધાર્મિક લાગણીઓના નામે વ્યક્તિગત સ્વતંત્રતા અને આજીવિકાના અધિકારો પર પ્રતિબંધ લાદવો બંધારણના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, જો આ આદેશ પાછી નહીં ખેંચાય તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે અને જરૂર પડે તો ધરણા-પ્રદર્શન જેવા પગલાં લેશે.
તુષાર પરીખે એ પણ નોંધ્યું કે, આ સમયગાળા દરમિયાન ઈદ જેવા અન્ય ધર્મોના તહેવારોનો પણ તંત્ર દ્વારા ખ્યાલ રાખવામાં આવ્યો નથી, જે ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતને વધુ નબળો પાડે છે. તેમના મતે, એક ધર્મની લાગણીઓને પ્રાધાન્ય આપીને બીજા વર્ગના અધિકારોનું હનન કરવું યોગ્ય નથી.
ભારતીય બંધારણની કલમ 25 દરેક નાગરિકને ધર્મની સ્વતંત્રતા આપે છે, પરંતુ તે જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને આરોગ્યના હિતમાં મર્યાદાઓને આધીન છે. તંત્રના આ આદેશને ધાર્મિક લાગણીઓના સન્માનના નામે યોગ્ય ગણાવી શકાય, પરંતુ તેની સામે વ્યક્તિગત સ્વતંત્રતા અને આજીવિકાના અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાનો મુદ્દો પણ નજરઅંદાજ ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે અગાઉના ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે, ધાર્મિક લાગણીઓનું સન્માન કરવું જરૂરી છે, પરંતુ તેના નામે બીજા નાગરિકોના મૂળભૂત અધિકારો પર આંચ ન આવવી જોઈએ.