મહેસૂલ મંત્રીકૌશિક પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી નાગરિકો કર્મચારી સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મેળવી શકે તે માટે મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરી સરળ, ઝડપી અને પારદર્શી કરવામાં આવી છે. ખૂબજ ટુંકા ગાળામાં 24 જેટલી વિવિધ મહેસૂલી સેવાઓને iORA પોર્ટલ પર ઓનલાઈન કરી, 18 જેટલી સેવાઓનું ફેસલેસ પધ્ધતિથી અમલીકરણ થઈ રહ્યું છે. જેમાં વધુ એક સેવા ‘શુદ્ધબુદ્ધિ-પૂર્વકના વેચાણના કિસ્સામાં શરતફેરની મંજુરી’ પણ ઓનલાઇન કરવાનો રાજ્ય સરકારે મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.
મહેસૂલ મંત્રીશ્રી એ આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, જમીનોના વિવિધ પ્રકારના વહેવારો તથા વિવિધ પરવાનગી માટેની અરજીઓ જેવી કે ખેતીની જમીનની ખરીદી, શરતફેર અંગેની અરજી, બિનખેતીની અરજી વિગેરે સમયે જરૂર જણાયે ખેડુત ખરાઈ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેતુ હોય છે. ખેડૂત ખરાઈના કારણે વિવિધ અરજીઓમાં થતો વિલંબ ઘટાડવા તથા ખાતેદારોને થતી હાલાકી નિવારવાના આશયથી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવેલ છે. આ સેવા વધારે લોકાભિમુખ બનાવવાના આશયથી અરજદારશ્રી દ્વારા કરાયેલી અરજી બાબતે ક્ષતિ જણાય તો તેની પૂર્તતાનો વિકલ્પ આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેથી, અરજદાર પૂર્તતા માટે પરત કરેલ અરજી સંદર્ભેની પૂર્તતા દિન-૭ માં કરે તો તેવા કિસ્સાઓમાં પૂર્તતા ધ્યાને લઇને અરજીનો નિર્ણય કરવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં ડીઝીટલ ઇન્ડીયા લેન્ડ રેકર્ડઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ ખેતીની જમીનનું રી-સર્વે કરી પ્રમોલગેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ ક્ષતિ સુધારણા માટે ખેડુતોને સરળતા રહે તે માટે સાદી અરજી દ્વારા વાંધા અરજી કરી સુધારો કરી આપવા સુપ્રિ.લે.રે.શ્રીને નિકાલ કરવાની સત્તા આપવામાં આવેલ છે. જે અરજી કરવાની મુદ્દત તા.31.12.2020 પૂર્ણ થયેલ હોઇ કોવીડ-19 મહામારીના કારણે રી-સર્વે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિ સુધારવામાં હેરાનગતિ ન થાય તે હેતુથી અરજદારશ્રીઓ ને રી-સરવે પ્રમોલગેશન બાદની વાંધા અરજીઓ રજુ કરવાની સમયમર્યાદાની મુદતમાં તા.31.03.2021 સુધી વધારો કરવામાં આવેલ છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “ડિજિટલ ઈન્ડિયા” અભિયાનને આગળ ઘપાવતા, શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ, રાજ્ય સરકારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મહેસૂલ વિભાગની કામગીરી સરળ, ઝડપી, સિટિઝન સેન્ટ્રિક બને તે હેતુસર અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે.