ખાસ લેખ : ઉમંગ બારોટ (પ્રાદેશિક માહિતી કચેરી,અમદાવાદ)
સલામત સવારી દરરોજ
• ૮,૩૨૦ બસ, ૪૨,૦૮૩ ટ્રીપ, ૩૪ લાખ બાવન હજાર કિલોમીટરનો પ્રવાસ
• ૧૮.૨૧ લાખ ગ્રામીણ મુસાફરો, ૪૬ હજાર શહેરી મુસાફરો અને ૮.૩૦ લાખ વિદ્યાર્થીઓ- કુલ ૨૭.૧૮ લાખ નાગરિકો એસ.ટી. બસિસમાં મુસાફરી કરે છે.
• સરેરાશ ૬૮,૦૦૦ ટિકિટ ઓનલાઇન બુક થાય છે, જે ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ
એસ.ટી. અમારી
• ૧૬ ડિવિઝન, ૧૨૫ બસ ડેપો, ૧૫૧ બસ સ્ટેશન્સ અને ૧૫૫૪ જેટલા પીકઅપ સ્ટેન્ડ*
• ગુજરાતના ૧૮,૩૬૭ (૯૯.૩૪%) ગામડાઓનો પરિવહન પ્રાણ
• આ વર્ષે એક જ દિવસમાં સૌથી વધુ ૧,૪૨,૦૦૦ ઓનલાઇન ટિકિટ બુકીંનો વિક્રમ*
• ૦૧ કરોડ ૧૦ લાખ પ્રવાસીઓનો ડેટાબેઝ – રોજના ૧૦ લાખ યુઝર્સ GSRTCની ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરે છે
સહુનો સંગાથ, સુવિધાજનક પ્રવાસ, બળતણની ઓછી ખપત, પૈસાની બચત
• સમાજના જરૂરતમંદ વર્ગોને રાહત દરે અથવા તો સંપૂર્ણ નિ:શુલ્ક પરિવહન સેવા
અમદાવાદ
મલ્ટીમોડ ટ્રાન્સપોર્ટેશનના વર્તમાન યુગમાં જાહેર પરિવહનમાં અનેક આયામો ઉમેરાયા છે. ગુજરાત સરકારના સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને બદલાતા સમય સાથે કદમ મિલાવીને જાહેર પરિવહન સેવામાં ટેકનોલોજીનો વિનિયોગ તો કર્યો જ છે, સાથે-સાથે ગરીબ-મધ્યમ વર્ગના લોકોને સલામત અને આરામદાયક અને એફોર્ડેબલ મુસાફરીનો આનંદ આપ્યો છે, તેમજ છેવાડાના માનવી સુધી પોતાની પરિવહન સેવા વિસ્તારી પણ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એસ.ટી. નિગમે નાગરિકોને ‘ગ્રીન એન્ડ ક્લીન ટ્રાન્સપોર્ટેશન ફેસીલીટી’ આપવાનો રાહ અપનાવ્યો છે. GSRTC બસિસ એ ગુજરાતના જાહેર પરિવહનની જીવાદોરી છે તે આંકડાઓથી પુરવાર થાય છે.એસ.ટી.નિગમની કુલ ૮,૩૨૦ બસ દરરોજ ૪૨,૦૮૩ જેટલી ટ્રીપ પૂરી કરે છે. આ બધી બસિસ કુલ મળીને ૩૪.૫૨ લાખ કિલોમીટર જેટલું અંતર દરરોજ કાપે છે. ગુજરાતના ૧૮,૩૬૭ ગામડાઓ એટલે કે ૯૯.૩૪ % ગામડાઓને એસ.ટી. નિગમે આવરી લીધા છે. દરરોજ ૧૮.૨૧ લાખ ગ્રામીણ મુસાફરો, ૪૬ હજાર શહેરી મુસાફરો અને ૮.૩૦ લાખ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને ૨૭.૧૮ લાખ મુસાફરો એસ.ટી. બસિસમાં મુસાફરી કરે છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ સુધી આ બસ સેવાઓ વિસ્તરેલી છે. હાલ એસ.ટી. નિગમ પાસે કુલ ૮,૩૨૦ જેટલી બસિસની ફ્લિટ છે. જેમાં ૨૦ વોલ્વો સ્લીપર, ૫૦ વોલ્વો સીટર, ૫૦ એ.સી. સ્લીપર, ૫૦ એ.સી. સીટર, ૫૦ ઇલેક્ટ્રીક, ૪૩૧ નોન એસી સ્લીપર, ૭૦૩ ગુર્જર નગરી, ૫,૫૫૬ ડીલક્સ એક્સપ્રેસ, ૧૧૦૫ મીની બસ અને ૩૦૦ લક્ઝરી બસનો સમાવેશ થાય છે.રાજ્ય સરકારની એસટી પરિવહન સેવાનું સૌથી ઉત્કૃષ્ટ પાસુ તેનું ઈ-ગવર્નન્સ છે. ઓનલાઇન ટિકિટ બુકિંગ, પેસેન્જર રિઝર્વેશન, ઇલેક્ટ્રોનિક પાસ, સીસીટીવી બેઝ્ડ વિજિલન્સ, જીપીએસ બેઝ્ડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, QR કોડ અને UPI પેમેન્ટ સુવિધા, ૨૪ કલાક કાર્યરત IVRS ટોલ ફ્રી હેલ્પ ડેસ્ક, રાણીપ-અમદાવાદ ખાતે કમાડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેવી બહુ આયામી સુવિધાઓ સરકારે નાગરિકોને પૂરી પાડી છે.
ખખડતી બસ, તૂટેલી બારીઓ અને રૂમાલ મૂકીને જગ્યા રોકવી એ દિવસો એસ.ટી.નો ભૂતકાળ બની ગયો છે. એસ.ટી. નિગમની મોબાઈલ ફોન એપ્લિકેશનથી ઓનલાઇન બુકિંગ, એડવાન્સ બુકિંગ આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. બસ ભાડે લેવી, બસના ટાઈમ ટેબલ જોવા, બસને ટ્રેક કરવી સહિતની તમામ સુવિધાઓ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાંઆ એપ્લિકેશન પર ઉપલબ્ધ છે. GSRTCની ઓનલાઇન ટિકિટ બુકિંગ સુવિધાના માધ્યમથી રોજ સરેરાશ ૬૮,૦૦૦ ટિકિટ ઓનલાઇન બુક થાય છે, જે ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ છે. આ વર્ષે એક જ દિવસમાં સૌથી વધુ ૧,૪૨,૦૦૦ ઓનલાઇન ટિકિટ બુકીંનો GSRTCએ વિક્રમ સર્જ્યો છે.
GSRTCની મોબાઈલ ફોન એપ્લિકેશનને ૪.૬ રેટિંગ મળેલું છે, તે પણ અને રાજ્યોની ઓનલાઇન એપ્લિકેશનને મળેલા રેટીંની સાપેક્ષે ખુબ સારુ છે. GSRTC સ્મૂધ ઓનલાઈન બૂકિંગ સેવા આપતી હોવાને કારણે ૦૧ કરોડ ૧૦ લાખ પ્રવાસીઓનો ડેટાબેઝ ધરાવે છે. રોજના ૧૦ લાખ યુઝર્સ GSRTCની ઓનલાઇન એપ્લિકેશન કે વેબસાઈટનો ઉપયોગ કરે છે.રાજ્ય સરકારે એસ.ટી. સેવાઓના માધ્યમથી જનતાને રાહત દરે પરિવહન સુવિધા પૂરી પાડી છે. માત્ર એટલું જ નહીં, સમાજના જરૂરતમંદ વર્ગોને રાહત દરે અથવા તો સંપૂર્ણ નિ:શુલ્ક પરિવહન સેવા એસ.ટી.ના માધ્યમથી પૂરી પાડીને કલ્યાણ રાજ્યનો ધ્યેય પણ પાડ્યો.
ગ્રામીણ વિદ્યાર્થીનીઓ, પારિતોષિક વિજેતા શિક્ષકો, દિવ્યાંગજનો, કેન્સર પીડીતો, સ્વાતંત્ર્ય સેનાની અને તેમની વિધવા વિગેરેને પ્રવાસ શુલ્કમાં ૧૦૦ ટકા રાહત આપવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ૮૨.૫૦% તેમજ રમતવીરો, પત્રકારો અને ડેઇલી કોમ્યુટ કરતાં મુસાફરોને પ્રવાસ શુલ્કમાં ૫૦% રાહત- ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. નિયત રૂટ પર સેવા આપવાની સાથે સાથે એસ.ટી. નિગમ કેઝ્યુલ કોન્ટ્રાક્ટ, લગ્ન પ્રસંગ, પાર્સલ પહોંચાડવા, ગ્રુપ બુકિંગ, ધાર્મિક અને સામાજિક મેળાવડા વિગેરે પ્રસંગોએ પણ જરૂરિયાત મુજબ બસ સેવાઓ પૂરી પાડે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એસ.ટી. નિગમે અલ્ટરનેટ ફ્યુલ બસિસનો પર્યાવરણપ્રિય અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ જાન્યુઆરી ૨૦૨૪માં ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતેથી ડબલ ડેકર ઇલેક્ટ્રીક બસ સેવાનો શુભારંભ કરાવ્યો હતો. FAME-II સબસીડી અંતર્ગત રાજ્ય સરકારે ૫૦ ઇલેક્ટ્રીક બસિસ એસટી નિગમની ફ્લિટમાં સામેલ કરી છે, આગામી સમયમાં વધુ ૨૫૦ ઈલેક્ટ્રીક બસિસ સામેલ કરવાનું આયોજન છે.
અમદાવાદ-ગાંધીનગર; અમદાવાદ-વડોદરા; રાજકોટ-મોરબી; રાજકોટ-જુનાગઢ; રાજકોટ- જામનગર અને વડોદરા-એકતાનગર વચ્ચે સ્પેશિયલ ઇલેક્ટ્રીક બસિસ દોડાવાઈ રહી છે. સામાજિક ઉત્તરદાયિત્વ અને પર્યાવરણ સુરક્ષાની નેમને પાર પાડવા એસ.ટી. નિગમે પાયલોટ પ્રોજેક્ટના ધોરણે ત્રણ ડીઝલ બસોને એલ.એન.જીમાં કન્વર્ટ કરવા માટે રેટ્રો ફીટીંગ કર્યું છે. રાજ્ય સરકારનું એસ.ટી. નિગમ મુસાફરોની સુવિધા, સલામતી-સુરક્ષા અને અકસ્માત નિવારણ માટે સંપૂર્ણ સાવચેત અને કટિબદ્ધ છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રુલ્સ ગાઈડલાઇન્સ મુજબ તમામ બસિસના ચેસીસ અને ફેબ્રિકેશન મટીરીયલ પ્રોક્યોર કરવામાં આવે છે. ઓટોમોટીવ ઇન્ડસ્ટ્રીઝ સ્ટાન્ડર્ડ મુજબના બસ સર્ટિફિકેશન પણ નિગમ દ્વારા મેળવવામાં આવે છે.GSRTC એ BS-VI એમિમિશન નોર્મ્સ અનુસરતી ૩૮૦૦ બસ કાર્યરત કરનારુ દેશનું પહેલું સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુનિટ છે. રાજ્ય સરકારે જાહેર પરિવહનને વધુ સુખદાયક અને આરામદાયક બનાવવા માટે અનેક નવતર પહેલ કરી છે, નવીનતમ પ્રકલ્પો સાકાર કર્યા છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ- પી.પી.પી. ધોરણે બસ સ્ટેશન/ બસ પોર્ટનું ડેવલપમેન્ટ તેનું જ્વલંત ઉદાહરણ છે.
અમદાવાદના રાણીપ અને ગીતામંદિર બસપોર્ટ, બરોડા સેન્ટ્રલ, મકરપુરા, મહેસાણા-મોઢેરા, અડાજણ સુરત, રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટેશન અને પાલનપુર આ તમામ બસ પોર્ટ પી.પી.પી. ધોરણે ડેવલપ કરવામાં આવ્યા છે. આ બસ ટર્મિનલમાં રેસ્ટોરન્ટ, કાફે, શોપિંગ કોમ્પલેક્ષ, હોટેલ, ડોરમેટરી, વેઇટિંગ એરિયા, ક્લીન ટોયલેટ્સ- શુદ્ધ પીવાનું પાણી, એલઇડી સ્ક્રીન, પેસેન્જર હેલ્પ ડેસ્ક, પાર્કિંગ, સીસીટીવી સર્વેન્સ જેવી આધુનિક તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, ભુજ, અમરેલી અને ભરૂચ સહિતના અનેક બસ સ્ટેશનનું પી.પી.પી. ધોરણે રી-ડેવલોપમેન્ટ કરી તેને અત્યાધુનિક બનાવવામાં આવ્યા છે. મોડાસા, પાટણ, નવસારી, નડિયાદ, વિગેરે બસ સ્ટેશનના નવનિર્માણનું કામ પ્રગતિમાં છે. પરિવહન સેવાઓને વધુ સુવિધાજનક બનાવવા એસ.ટી. નિગમે ‘સ્વચ્છ બસ, સ્વચ્છ બસ સ્ટેશન’નો રાહ અપનાવ્યો છે. આ માટે સ્વચ્છતા મેરેથોન, વોલ પેઇન્ટિંગ, વૃક્ષારોપણ, ઇન્સ્પેક્શન અને ઇવેલ્યુએશન, જન-જાગૃતિ, નિયમિત સફાઈ વગેરે કામગીરી કરવામાં આવે છે.
કોરોનાકાળમાં ભયંકર મહામારી વખતે એસ.ટી. નિગમે પ્રશંશનીય કામગીરી કરી હતી. લોકડાઉન અને કોવિડ રિસ્ટ્રીક્શન્સના સમયગાળામાં રાજ્યના ૭ લાખ મુસાફરોને ૨૩ હજાર જેટલી ટ્રીપ કરીને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડ્યા હતા. આ ટ્રીપમાં સિવિલ હોસ્પિટલ અને પોલીસ સ્ટાફનું પરિવહન, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં લોકોને પહોંચાડવા, શ્રમિક સ્પેશિયલ ટ્રેન માટે શ્રમિકોને રેલવે સ્ટેશન પહોંચાડવા, આંતર જિલ્લા પરિવહન તેમજ નોન રેસિડેન્ટ ઇન્ડિયનને એરપોર્ટથી લાવવા જેવી વિવિધ સેવાઓ એસ.ટી નિગમે પૂરી પાડી હતી.ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના રાજ્યમાં કુલ ૧૬ ડિવિઝન, ૧૨૫ બસ ડેપો, ૧૫૧ બસ સ્ટેશન્સ અને ૧૫૫૪ જેટલા પીકઅપ સ્ટેન્ડ આવેલા છે. ડ્રાઇવર, કંડકટર, મિકેનિક, વહીવટી સ્ટાફ અને અધિકારીઓ કુલ મળીને ૩૬,૨૯૭ કર્મચારીઓ નિગમમાં કાર્યરત છે. ‘સલામત સવારી, એસ.ટી. અમારી’ એ સુત્ર આજે પણ લોકો બોલે છે. GSRTCની બસ સહુના સંગાથે સુવિધાજનક પ્રવાસનું માધ્યમ બની છે. જાહેર પરિવહનથી બળતણની ઓછી ખપત અને પૈસાની બચત પણ થાય છે, ત્યારે જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ થાય તે હિતાવહ છે.