ડૉ. વલ્લભ કથીરિયા
રાજકોટ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ લોકસભા સાંસદ,રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ગૌસંસ્કૃતિની પુન : સ્થાપના હેતુ ગૌરક્ષા, ગૌપાલન, ગૌસંવર્ધન અને ગૌઆધારિત આર્થિક સામાજીક અને આધ્યાત્મિક વિકાસ અર્થે ગૌચેતના જગાવવાનું ભગીરથ કાર્ય થઈ રહયું છે. ગૌરક્ષા, ગૌપાલન અને ગૌસંવર્ધનને પ્રોત્સાહિત કરવા ખેડૂતો, ગામ લોકો અને ગૌપાલકો ગાયો પાળતા થાય તે જરૂરી છે. ગાય જો આર્થિક રીતે પરવડે તોજ ખેડૂતો, ગૌપાલકો ગાય સાચવશે. ઘાસચારો ખૂબજ મોંઘો થયો છે. ખાણ – દાણ મોંઘુ થયું છે. ગાયની નબળી ઓલાદને કારણે દૂધ ઓછું પ્રાપ્ત થાય છે. ઉપરાંત ફેટ આધારિત દૂધના ભાવની પ્રથાને કારણે ગાયના દૂધના ભાવ ઓછા મળે છે. ગૌમૂત્ર અને ગોબરનો સમુચિત ઉપયોગ થતો નથી.બળદ ખેતી માટે વપરાતા નથી. આમ સરવાળે ગાય પાળવાની પોસાતી નથી એવુ અર્ધસત્ય પણ સામાન્ય તારણ સમાજમાં પ્રવર્તે છે.
સરકાર દ્વારા ઉપર દર્શાવ્યા મુજબના દરેક પાસાનો વિચાર કરી, ગાય દ્વારા આર્થિક ઉપાર્જન વધે અને ગાયનું મૂલ્ય વધે તે દિશામાં સર્વગ્રાહી પગલા લેવાના શરૂ થયા છે. આ માટે ગૌચરનો વિકાસ કરી પૂરતા પ્રમાણમાં ચરિયાણ અને ધાસચારો ઉપલબ્ધ થાય તે દિશામાં ક્રાંતિકારી અભિયાન એટલે ગૌચર વિકાસ- ગૌચર સુધારણા અભિયાન !
ગૌચર એટલે શું?
ભારતીય સંસ્કૃતિમાં સુચારુ અને સુદઢ સમાજ માટે વૈદિક કાળથી સમાજના ભિન્ન ભિન્ન અંગો અને ક્ષેત્રોનો વિચાર કરી સમજપૂર્વકની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આવી જ એક વ્યવસ્થા એટલે ગૌચર જનતા ગાય પાળે અને ગૌપાલન-ગૌસંવર્ધન દ્વારા આર્થિક રીતે સમૃધ્ધ થાય તે માટે ગામડે ગામડે આપણા પૂર્વજોએ ” ગૌચર જમીન “ ની આદર્શ જોગવાઇ કરેલ છે. ગૌશાળા અને પાંજરાપોળોને પણ ગૌચર માટે વીડીઓ ફાળવી છે. ગુજરાતમાં ૭૨૦૦૦ હજાર એકરથી વધુ ગૌચર જમીન પાંજરાપોળ -ગોશાળાની તેમની માલિકીની છે. આ ઉપરાંત દરેક ગામમાં નાના મોટા ગૌચર પણ સરકારી દફતરે નોંધાયેલ છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જમીનનો કુલ વપરાશ ૧૮૭.૭ લાખ હેકટર છે. જેમાં ૧૧૦ લાખ હેકટર જમીન ખેતી, ૧૧.૬૩ લાખ હેકટર બીન ખેતી વપરાશ હેઠળ, ૧૮.૩૩ લાખ હેકટર વન વિસ્તાર હેઠળ, ૮.૫૩ લાખ હેકટર જમીન ગૌચર હેઠળ અને ૧.૭૬ લાખ હેકટર જમીન બીન ઉપયોગી વપરાશ હેઠળ આવેલી છે. આમ જોતા ગાયો અને પશુધન માટે ખેતીની જમીનમાં ખેડૂતો દ્વારા ઉગાડાતો ઘાસચારો, વન વિભાગ દ્વારા ઉગાડાતો ધાસચારો અને ગૌચર ચરિયાણ તથા બીનઉપયોગી પડતર જમીનમાં ઉગતુ ધાસ એ ધાસચારાઅને પશુ આહારના સ્ત્રોત છે.
આ ઉપરાંત રાજય સરકાર દ્વારા ધાસચારા અર્થે ૨ સંશોધન કેન્દ્રો, ૨ ધાસચારા બિયારણ ઉત્પાદન કેન્દ્રો, ૭ ગ્રામ્ય ધાસચારા ઉત્પાદન ફાર્મ, ૩૦ થી વધુ સહીયારા ધાસચારા ફાર્મ અને ૧૯ પશુ સંવર્ધન ફાર્મ સાથે સંકળાયેલા ધાસચારા ઉત્પાદન ફાર્મ ઉપલબ્ધ છે. એકંદરે જોતા વ્યવસ્થિત ધ્યાન આપવામાં આવે તો પશુપાલન માટે ગુજરાતમાં વિશાળ સંખ્યામાં ધાસચારા માટે જમીન ઉપલબ્ધ છે. ગુજરાત લીલાચારા ના ઉત્પાદનની દૃષ્ટિએ દેશમાં ત્રીજા ક્રમે છે. જે આપણા માટે ગૌરવની વાત છે.
ગૌચર શા માટે?
અગાઉ જણાવ્યા મુજબ લીલો અને સૂકો ચારો વાગોળતા પશુઓનો મુખ્ય આહાર છે. ઘાસચારા અને ગૌચરના ચરિયાણ દ્વારા પૂરતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, રેષા, ખનીજ તત્વો, વિટામિન્સ અને ઔષધિય તત્વો મળી રહે છે. ગૌચરમાં ધાસની સાથે અનેક કુદરતી ઔષધિય વનસ્પતિઓ ઉગે છે. ચરિયાણના કારણે પશુ તેને ભાવતી વનસ્પતિ સંધીને સંધીને ખાય છે. ખુલ્લા ચરિયાણને કારણે પગ મોકળા થાય છે. તંદુરસ્તી જળવાઇ રહે છે. વધુમાં દૂધની ગુણવતામાં વધારો થાય છે. જે માનવ શરીરને તંદુરસ્ત અને નિરોગી – નિરામય આયુષ્ય બક્ષે છે. પર્યાવરણની રક્ષા થાય છે. આ છે ગૌચર-ચરિયાણની ઉપયોગીતા.
સમય જતા શહેરીકરણના વિષયક્રના કારણે ખેતી અને પશુપાલન પાછળ ધકેલાયા. ગૌપાલન આર્થિક બોજ લાગ્યું. વચ્ચે દુષ્કાળના વર્ષો આવ્યા. ગેરકાયદેસર દબાણ થતા ગયા. ઉદ્યોગગૃહો ઉભા થવા લાગ્યા. ગામડામાં ગામતળ વધારવાની જરૂરિયાત પડી. આથી ગૌચર અને પડતર જમીન પર ટાંચ આવી. અધુરામાં પુરૂ ગાંડા બાવળે કબજો લઇ લીધો પરિણામે ગૌચર અદ્રશ્ય થયા. યારો મળવાનું બંધ થયું. માટે જ “ ગૌચર સુધારણા “ દ્વારા પુનઃગૌપાલનને મજબુત કરવાનો ઉદ્દેશ છે.
ગૌચર સુધારણા માટે શું કરવું ?
સૌ પ્રથમ તો ગ્રામ પંચાયત અને ગામના આગેવાનો દ્વારા “ગૌચર વિકાસ સમિતિ” બનાવવી આવશ્યક છે જેમાં ધાર્મિક, સામાજીક, રાજકીય આગેવાનો, ખેડૂતો પશુપાલકો, શિક્ષકો, ગ્રામ સેવકો, ગૌભક્તો, દાતાઓ, શ્રેષ્ઠીઓ મહાજનો, અનુ.જાતિ જનજાતિના આગેવાનો વગેરેનો સમાવેશ થાય. ગૌચર સુધારણા સમિતિ નકકી કરે તે મુજબ સમિતિ પોતે યા તો ગામના યુવક સખીમંડળ/ ગરબી ધાર્મિક મંડળો ગૌશાળા, ગૌસેવા સમિતિ યા તો અન્ય નિશ્ચિત કરેલી સામાજીક સંસ્થાને ગૌચર સુધારણાનું કાર્ય સોંપાયઅને આ સમિતિ ઉપરાંત તાલુકા કક્ષાની સમિતિ મોનીટરીંગ કરે. ગ્રામ સભા બોલાવી ઉપરોકત કાર્યવાહી કર્યા બાદ સંસ્થાને કામગીરીની સોંપણી કરશે. આ સમિતિ ગામ તળમાં આવેલી પંચાયત હસ્તકની સરકારી જમીન કે જે ગૌચર તરીકે સરકારી દફ્તરે નિમ થયેલી હશે તેના ઉતારા કાઢી પ્રત્યક્ષ સર્વે કરશે અને જમીનની ખરાઈ કરશે. ગામમાં ઉપલબ્ધ હયાત જમીનમાંથી અનુકૂળતા મુજબ પ્રથમ તબકકે ૨૦ હેકટર જમીનના એક, બે કે વધુ ટુકડા ગૌચર સુધારણા માટે નકકી કરશે. અને તેની સેટેલાઇટથી માપણી કરી હદ મર્યાદા નિશ્ચિત કરશે. કામનું એક વાર ગૌયર જમીન સુધારણા માટે નકકી થાય એટલે આ જમીનમાં રહેલા ગાંડા બાવળ, બોરડી, જાળા ઝાખળા વગેરે જેસીબી જેવા મશીનથી તળીયા ઝાટક કરી નાખશે. આ બાવળ હાલ પુરતા ગૌચર ફરતે વાડ કે બાઉન્ડ્રી બનાવવા માટે ઉપયોગી થશે. જમીન ચોખ્ખી થતા જેસીબી-ટ્રેકટરથી ખેડી, નાના મોટા ખાડા-ટેકરા પૂરી પ્રમાણમાં સમતળ કરવાની રહેશે. જરૂર પડ્યે મોટા ખાડા હોય તો તળાવ કે નદી-નાળા હોય તો નાના – નાના ચેકડેમ પણ બાંધી શકાય. આમ એક મોટો ખુલ્લો ચોખ્ખો પટ તૈયાર થઇ જશે. આ ખુલ્લા મેદાનમાં ચોમાસા પૂર્વે જ ખાસ પ્રકારના ઘાસચારાના બિયારણનો છટકાવ કરવાનો રહેશે. જમીનની ઉપલબ્ધતા મુજબ ફરતે સુરક્ષિત રહે તે રીતે લીમડો, પીપળો, વડ, આંબા આંબલી, આમળા, બોરસલી, બીલ્લી પત્ર, ખીજડો, બહેડા જેવા મોટા છાયો આપે તેવા વૃક્ષોના વાવેતર માટે ખાડા તૈયાર કરી નાંખવાના રહેશે અને પ્રથમ વરસાદ બાદ તુરત જ પ”થી ૬ ઉંચાઈના રોપા વાવી દેવામાં આવશે. જરૂર પડયે ટી-ગાર્ડની વ્યવસ્થા કરવી જોઇએ યા તો તાત્કાલિક ધોરણે કાંટાળા બાવળનો ઉપયોગ કરી શકાય. પ્રથમ વર્ષે વરસાદ પહેલા આટલી પૂર્વ તૈયારી થઇ જશે તો પ્રથમ ચોમાસામાં જ હરીયાળુ ચરિયાણ ઉપયોગમાં આવી શકો. જે પશુઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે.
આગળ જતા દર વર્ષે આ પ્રકારે ગૌચર-જમીન ચોખ્ખી કરી ચરીયાણ વધારતા જવાનું રહેશે. જમીન ફરતે ખાઇ ખોદી બાઉન્ડ્રી બનાવી થોરવાળી યા તો કાંટાળી ફેન્સીંગ કરાવી શકાય. ઘટાદાર વૃક્ષો સાથે થોર, કેતકીની વાડ કરી શકાય. ભૌગોલિક સ્થિતિ મુજબ આવા કામો હાથમાં લઇ શકાય. »
વિશેષ સુવિધાઓ :
એક્વાર સંપૂર્ણ યા તો પર્યાપ્ત માત્રામાં ગૌચર જમીન ચરિયાણ લાયક બની જાય પછી આગળ પર અન્ય સુવિધાઓ પણ ઉભી કરી શકાય. જરૂરિયાત મુજબ ઠેકાણે ઠેકાણે પાણી માટે હવાડા, દિવસ દરમ્યાન તડકાથી બચવા નાના મોટા શેડ, પાણી માટે બોર, કૂવો કે ટાંકો, એકાદ ખુણામાં બાળ-ચિંડાગણ, વડીલોને બેસવા માટે બેંચીઝ, પક્ષીધર, ઘાસચારા માટે ગોડાઉન, ગૌપાલક મેનેજમેન્ટ માટે સ્ટાફ કવાટર્સ વગેરે સુવિધાઓ આવકના સ્ત્રોત મુજબ ધીમે ધીમે ઉભી કરી શકાય. ગૌચર સુધારણા દરમ્યાન ખુબજ મોટો પ્લોટ હોય તો ત્રણ-ચાર ભાગ પાડી યા તો ગામમાં બે ત્રણ કે ચાર જગ્યાએ ગોચર હોય તો અલગ અલગ ગોચરને ” જેટ ” સૌસ્ટમ ગોઠવી પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી સમગ્ર વર્ષ દરમ્યાન લીલું ઘાસ ચરીયાણ માટે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી શકાય. એક પ્લોટમાં પશુઓ ચરિયાણ પુરૂં કરે પછી બીજા પ્લોટમાં ચરવા માટે છોડવામાં આવે ત્યાં સુધી પ્રથમ પ્લોટમાં પાણીની સુવિધા આપી પુનઃ ધાસ ઉગાડ્વાની પ્રક્રિયા થઈ શકે.
ખર્ચની જોગવાઇ :
જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ” મનરેગા “ સ્કીમ હેઠળ ગૌચર જમીનને ચોખ્ખી કરી શકાય. વન વિભાગ ફરતા વૃક્ષોનું વાવેતર કરશે. સિંચાઈ ખાતુ નાના મોટા ચેકડેમ-તળાવમાં મદદરૂપ થશે ફેન્સીંગ, પાણીની સુવિધા માટે મદદ કરશે.
દાતાઓનો સહયોગ :
ગ્રામ ગૌયર વિકાસ સમિતિ દાતાઓનો સહકાર લઇ શકશે. દાતાઓ જેસીબી -ટ્રેકટર આપી જમીન ચોખ્ખી કરી ગૌચર સુધારણાનાં કાર્યમાં પૂણ્યશાળી બની શકે. શ્રેણીઓ અન્ય વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં મદદરૂપ થશે. જેથી એક આદર્શ ગૌયર નિર્માણના કાર્યમાં તેઓ સહભાગી બની પુણ્ય કમાઈ શકશે
ઉદાહરણ રૂપ ગોચરો :
ગુજરાતમાં ગૌશાળા અને પાંજરાપોળોઓનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે. ગૌરસેવકો અને ગૌભક્તો સ્વયંભૂ ગૌસેવાના પૂણ્ય કાર્યમાં કાર્યરત છે. અનેક ગામોમાં આવા ગૌવ્રતી કાર્યકર્તાઓ દ્વારા ગૌચર સુધારણાનું કામ કરવામાં આવેલ છે. ધર્મજ, મંક્લીકપુર, બેટ દ્વારકા રાણા કંડોરણા, ચુડવા, ખડીયા, માલપરા, મોરબી, વાંકાનેર વઢવાણ, ઘાંગ્રધ્રા ઊંઝા, ઇડર, જેવા અનેક ગામોમાં સ્વયંભૂ કોઠાસુઝ થી શ્રેષ્ઠ ગૌચર સુધારણાના ઉત્તમ પ્રયોગો વિધમાન છે. પામણ જીંજવોથી માંડી આધુનીક પ્રકારના ધાસના અનેક બિયારણો છોટી ચરિયાણ ધાસની સુવિધા ઉભી કરી છે. તો ક્યાંક જમીન ખેતી લાયક હોવાથી ખેડ કરી જુવાર, બાજરો, જીંજવો, મકાઇ જેવા ધાસચારાના પાકો લેવામાં આવે છે. જેનો ઉપયોગ લૌલા અને સુકા ધાસચારા તરીકે કરીને ગાયોનું પાલન-પોષણ ઉત્તમ રીતે કરવામાં આવે છે. ટૂંકમાં ગામડે ગામડે હયાત ગૌયર અને પડતર જમીનમાં ધાસયારો ઉગાવાનું ભગીરથ કાર્ય સમાજના સહયોગથી ઉપાડ્વાનો સમય પાકી ગયો છે.
યજ્ઞમાં આહુતિઃ
સૌએ સાથે મળી રાજ્ય વ્યાપી અભિયાન દ્વારા ગૌચર સુધારણાની ઝુંબેશ હાથ ધરવાની જરુર છે. માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજય કાર્યરત છે. ઉનાળામાં ગામડે ગામડે ગૌચર સુધારણાની ઝુંબેશ ઉપડે તે આવશ્યક છે. આ માટે જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેટકર, પશુપાલન ખાતુ, વન વિભાગ, ગૌસેવાના આયોગના નોડલ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી સહિતની જીલ્લાના પદાધિકારીઓની ટીમ આ કાર્યને વેગવાન બનાવે. આર્થિક વ્યવસ્થાનું તંત્ર ગોઠવાય અને સુપેરે કાર્ય પાર પડે તે માટે સામાજીક, ધાર્મિક સંગઠનો, ગૌસેવકો અને દાતાઓના સહયોગ લેવામાં આવે તે અત્યંત મહત્વનું છે. તે
આથી દરેક ગામમાં એક ” ગૌ વાટિકા “ નિર્માણ થશે. ગામમાં ” પણ ” ની પ્રથા પુન . શરૂ થશે. ગામ સાચા અર્થમાં ગોકળીયુ બનશે. ગ્રામ્ય વિકાસની દિશામાં નવું પરિમાણ ઉમેરાશે. ગૌધન ગામની આર્થિક સમૃધ્ધિનું કેન્દ્ર બનશે. આ ભગીરથ કાર્ય માટે ગૌભક્તો, ગૌરક્ષકો સમાજચિંતકો, રચનાત્મક, સામાજીક અને ધાર્મિક આગેવાનો આગળ આવી નિશ્ચિત ગામોનાં ગૌચર નિર્માણનાં યજ્ઞમાં આહૂતિ આપે એ જ સાચી ગૌસેવા છે. સમાજસેવા છે. રાષ્ટ્ર સેવા છે. તો આવો આપણે સૌ ગૌ સુધારણા મહા અભિયાનમાં જોડાઇ ગૌ ક્રાંતિનાં યજ્ઞમાં નિમિત બનીએ.