ઓગસ્ટના અંત સુધીમાં બન્ને કોરિડોર કાર્યરત થઈ શકે તે પ્રમાણે કામગીરી ચાલી રહેલ છે
અમદાવાદ
ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન ની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-૧માં બે કોરિડોર છે. એક નોર્થ-સાઉથ કોરિડોર અને બીજો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. નોર્થ-સાઉથ કોરિડોર – ગ્યાસપુર ડેપોથી મોટેરા અને ઇસ્ટ-વેસ્ટ કોરિડોર – થલતેજ ગામથી વસ્ત્રાલ ગામનો સમાવેશ થાય છે.ઉત્તર-દક્ષિણ (NS) કોરિડોરની લંબાઈ ૧૮.૮૯ કિલોમીટર છે તથા ૧૫ એલિવેટેડ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે.ગ્યાસપુર ડેપોનું કામ પુર્ણ થઇ ગયેલ છે, તથા મેટ્રો ટ્રેનના ટ્રાયલની શરૂઆત ગ્યાસપુર ડેપોથી જીવરાજ સુધી માર્ચ, ૨૦૨૨માં કરવામાં આવેલ હતી, ત્યારબાદ તેને લંબાવીને વિજયનગર સુધી ટ્રાયલ કરવામાં આવ્યા હતા
તા.૨૦મી મે, ર૦રર રોજ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનની ટ્રાયલ હાથ ધરી હતી. આ ટ્રાયલ દરમિયાન, મેટ્રો ટ્રેન એપીએમસી, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એઈસી, સાબરમતી મેટ્રો સ્ટેશનથી પસાર થઈ મોટેરા મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી.
હવે ટ્રાયલો ચાલુ રહેશે અને આગળની બાકી રહેતી કામગીરી પુર્ણ કરવાની કાર્યવાહી થશે, તે બાદ ગ્યાસપુર ડેપોનું અને ગ્યાસપુરથી મોટેરા સુધીની લંબાઇનું નિરીક્ષણ કરવા માટે કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (સી.એમ.આર.એસ) ને વિનંતી કરવામાં આવશે.તેવી જ રીતે પુર્વ-પશ્ચિમ કોરિડોરમાં મેટ્રો રેલની કામગીરી પૂરજોશમાં પ્રગતિમાં છે.
જીએમઆરસી, કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (સી.એમ.આર.એસ) ને સ્થળ તપાસ માટે આમંત્રિત કરશે અને કાયદાકીય પ્રક્રિયા અન્વયે મેટ્રોના ઓપરેશન માટે મંજૂરી આપવા વિનંતી કરશે, ઓગસ્ટના અંત સુધીમાં બન્ને કોરિડોર કાર્યરત થઈ શકે તે પ્રમાણે કામગીરી ચાલી રહેલ છે.