ગાંધીનગરના સરગાસણ ટીપી – 9 ની નિલકંઠ સોસાયટીની લિફ્ટની ખાલી જગ્યામાં ફસાયેલા કબૂતરનો જીવ બચાવવાના પ્રયાસમાં ધોરણ – 8 માં અભ્યાસ કરતો 13 વર્ષીય કિશોરનું ડકટમાંથી નીચે પટકાતા અકાળે મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવના પગલે સોસાયટીમાંથી શોકનું મોજું ફરી વળ્યું છે.
ગાંધીનગરમાં માં-બાપ માટે ચેતવણીરૂપ ઘટના પ્રકાશમાં આવી આવી છે. સોસાયટીમાં રમવા માટે જતાં બાળકો બાળ સહજ વૃત્તિના કારણે કોઈવાર એવું કામ કરી બેસતાં હોય છે. જેના કારણે માં બાપને જીવનભર પસ્તાવાનો વખત આવતો હોય છે. આવી જ એક દુઃખદ ઘટના સરગાસણની નિલકંઠ સોસાયટીમાં બનતાં પરિવાર પર આભ તૂટી પડયું છે. મળતી માહિતી મુજબ સરગાસણની નિલકંઠ સોસાયટીનાં ચોથા માળે સંદીપભાઈ પ્રવીણભાઈ પટેલ પરિવાર સાથે રહે છે.
સંદીપભાઈનો 13 વર્ષીય પુત્ર નિરવ ધોરણ – 8 માં અભ્યાસ કરતો હતો. નિત્યક્રમ મુજબ નિરવ સોસાયટીમાં નીચે મિત્રો સાથે રમવા માટે જતો હતો. એ વખતે ચોથા માળેથી ઉતરતી વેળાએ કોઈ અવાજ આવી રહ્યો હતો. આથી કુતુહલવશ નિરવ નીચે જવાના બદલે અવાજની દિશામાં પાંચમા માળે ગયો હતો. જ્યાં લિફ્ટની ડકટમાં કબૂતર ફસાયેલું હતું અને તરફડિયાં મારી રહ્યું છે.
આ જોઈને નિરવે કબૂતરને બચાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. જ્યાં લિફ્ટની બાજુની બારીમાં લાગેલી સિમેન શીટ પર પગ મૂકતાં જ નિરવ લીફ્ટની ડક્ટમાં નીચે પટકાયો હતો અને ગંભીર ઈજાઓ થવાથી નિરવનું અકાળે અવસાન થયું હતું. આ બનાવના પગલે પટેલ પરિવાર પર આભ તૂટી પડયું હતું. આ ગોઝારી દુર્ઘટનાનાં પગલે મંદિરના મહંત સહિતનાં લોકો ઘેરા શોકમાં સરી પડ્યા હતા. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા પણ રાયસણની વિનાયક ડેસ્ક નામની સોસાયટીના પેન્ટ હાઉસના ધાબા પરથી ડક્ટ પર પગ મૂકવાથી નીચે પટકાતા રાજદીપ એન્ટરપ્રાઇઝનાં માલિકના એકના એક પુત્રનું પણ અકાળે અવસાન થયું હતું.
આ અંગે ટીપી 9ની પ્રમુખ એલિંગંસ સોસાયટીમાં રહેતા અને સ્વપ્ન સૃષ્ટિ અમરનાથ ધામમાં ફરજ બજાવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા ઈન્દ્રવદનભાઈએ કહ્યું હતું કે, અમારી ટ્રસ્ટના સભ્યો નિલકંઠ સોસાયટીમાં રહે છે. તહેવારો ટાણે 13 વર્ષના નિરવ પટેલનું કબૂતરને બચાવવા જતી વેળાએ લિફ્ટની ડક્ટમાંથી નીચે પટકાતા અકાળે દુઃખદ અવસાન થયું છે. ભવિષ્યમાં આવી દુર્ઘટના સર્જાય નહીં એ માટે દરેક માં બાપે બાળકનું ખાસ ધ્યાન રાખવું હિતાવહ છે.