રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ-ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની સમીક્ષા કરી

Spread the love

 

 

ગુજરાતની ઔદ્યોગિક અને પરિવહન ક્ષમતામાં ક્રાંતિ લાવનારા પ્રોજેક્ટ્સ પર કેન્દ્ર સરકાર પૂરજોશમાં કામ કરી રહી છે. 01.03.2026 ના રોજ રેલ, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે પશ્ચિમ રેલવેના મહત્વાકાંક્ષી ‘અમદાવાદ-ધોલેરા સેમી હાઇ સ્પીડ રેલ કનેક્ટિવિટી’ પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સરખેજ-ધોલેરા ડબ્લિંગની સાથે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) અને ધોલેરા એરપોર્ટ વચ્ચેની 134 km લાંબી સ્પુર (SPUR) લાઇનના કાર્યોની પ્રગતિ નિહાળી હતી. પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ) પ્રતિપ ગુપ્તાએ પ્રોજેક્ટની પ્રગતિ અંગે અશ્વિની વૈષ્ણવને વિગતવાર માહિતી આપી હતી. આ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં સેમી હાઇ સ્પીડ રેલના પ્રોટોટાઇપ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે 1676 mm બ્રોડ ગેજ પર વિકસાવવામાં આવનાર વિશ્વની પહેલી સેમી હાઇ સ્પીડ રેલ સિસ્ટમ હશે. આ ટ્રેકની મહત્તમ સંભવિત ગતિ 220 km/hr રહેશે, જે અમદાવાદ અને ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજન (SIR) વચ્ચેના અંતરને મિનિટોમાં કાપશે. આ પ્રોજેક્ટની બીજી એક વિશેષતા તેની ‘મિક્સ ટ્રાફિક સિસ્ટમ’ (Mixed Traffic System) છે. ભારતમાં આ પ્રથમ એવી સેમી હાઇ સ્પીડ સિસ્ટમ હશે જ્યાં એક જ ટ્રેક પર માલગાડી 100 km/hr ની ઝડપે અને પેસેન્જર ટ્રેન 220 km/hr ની ઝડપે દોડશે. આ વ્યવસ્થાથી લોજિસ્ટિક્સ અને મુસાફરોની અવરજવર બંનેમાં અભૂતપૂર્વ ઝડપ આવશે. ધોલેરાને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં આ રેલ કનેક્ટિવિટી કરોડરજ્જુ સમાન સાબિત થશે. ખાસ કરીને સેમિકન્ડક્ટર ઉદ્યોગ અને સોલર એનર્જી ક્ષેત્રના એકમો માટે આ પરિયોજના મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાત જે રીતે સૌર ઊર્જામાં દેશનું અગ્રણી રાજ્ય છે, ત્યારે સોલર ઘટકોની વધતી માંગને આ રેલ લાઇન દ્વારા દેશના આંતરિક બજારો સુધી ઝડપથી પહોંચાડી શકાશે. આ પ્રોજેક્ટ માત્ર ઉદ્યોગો માટે જ નહીં, પણ રોજગાર માટે પણ મહત્વનો છે. અમદાવાદ જેવા મેટ્રો શહેરથી ધોલેરા જેવા સેટેલાઇટ શહેર સુધી કુશળ એન્જિનિયરો અને શ્રમિકોની અવરજવર સરળ બનશે. વધુમાં, આ લાઇન ફોર-લેન એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસવે અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથે જોડાયેલી હોવાથી જવાહરલાલ નેહરુ પોર્ટ સુધીની નિકાસ સુવિધા પણ સુદ્રઢ બનશે. આ સમીક્ષા બેઠકમાં અમદાવાદના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ તેમજ નિર્માણ વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક લોજિસ્ટિક્સ અને હાઇ-સ્પીડ કનેક્ટિવિટી દ્વારા આ પ્રોજેક્ટ ધોલેરા SIR ને વિશ્વ કક્ષાનું સશક્ત ઔદ્યોગિક કેન્દ્ર બનાવવામાં મોટી સફળતા અપાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *