
નાલાસોપારામાં રહેતી ૨૩ વર્ષની કચ્છી યુવતીનાં લગ્ન તોડાવવાના ઇરાદાથી અજ્ઞાત વ્યક્તિએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સાથેના ફોટો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા એડિટ કરીને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે યુવતીએ ગઈ કાલે નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સંબંધિત તમામ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના ઇન્ટરનેટ પ્રોટોકોલ (IP) એડ્રેસના આધારે તપાસ શરૂ કરીને આરોપીની શોધ શરૂ કરી છે. આ ઉપરાંત એક યુવતીની જિંદગી પર ગંભીર અસર થવાના પ્રશ્નને ધ્યાનમાં રાખીને મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસની સાઇબર ટીમ પણ સક્રિય બનીને આ કેસ પર કામ કરી રહી છે. બીજી તરફ યુવતીએ દોષી સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માગણી સાથે પોલીસ પાસેથી ન્યાયની આશા વ્યક્ત કરી છે. નાલાસોપારામાં રહેતી યુવતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં બાવીસમી ફેબ્રુઆરીએ લગ્ન નક્કી થયાં છે. પરંતુ લગ્ન તોડાવવાના ઇરાદાથી અજ્ઞાત વ્યક્તિએ મારા ભૂતકાળના મિત્ર સાથેના ફોટો AI દ્વારા એડિટ કરીને અશ્લીલ સ્વરૂપમાં ઇન્સ્ટાગ્રામના વિવિધ ત્ઝમાં વાઇરલ કર્યા હતા. સૌથી પહેલાં મારા મંગેતરે આ ફોટો જોઈ મને ફોન કરીને એના વિશે પૂછપરછ કરી હતી અને ઇન્સ્ટાગ્રામ ID સાથે ફોટો મોકલ્યા ત્યારે મને જાણ થઈ કે આ તમામ તસવીરો બનાવટી છે. જોકે મારા મંગેતરને મારા પર પૂર્ણ વિશ્વાસ હોવાથી મારું બધું ટકી રહ્યું હતું. પણ સમાજમાં મારી બદનામી થાય અને લગ્ન તૂટી જાય એ હેતુથી કોઈએ ખોટું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવીને ફોટો વાઇરલ કર્યા છે. આ ઘટનાથી મારા પરિવાર પર અને મારા લગ્નજીવન પર ગંભીર અસર થઈ હોવાની શક્યતા સામે આવતાં મેં નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દોષી સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી મારી માગણી છે. નાલાસોપારા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે તમામ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનાં IP એડ્રેસ શોધીને એ કોણે બનાવ્યાં છે એની માહિતી ભેગી કરી રહ્યા છીએ. આ કેસમાં યુવતીનાં લગ્ન તોડાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે જેના માટે AI નોઉપયોગ કરવામાં આવ્યો છે.