વિકાસશીલ ગુજરાત મોડલનું વિકાસશીલ ગરીબી મોડલ : શૈલેષ પરમાર

Spread the love

48fb531f-24d6-4952-8c33-b9e040f3e829

 

અમદાવાદ

આજરોજ વિધાનસભા ગૃહમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે, ખાડી યુદ્ધના કારણોસર રાજ્યમાં ગેસના બાટલા માટે જે પરિસ્થિતિ પેદા થઈ છે એ LPG, PNG કે CNG ગેસની હોય અને હજુ તો યુદ્ધની શરૂઆત છે ત્યારે એ દિવસોની અંદર જ સરકાર પોતે ગ્રાહકો, ગૃહિણીઓ અને વેપારીઓને સંદેશો પણ આપે છે તેમ છતાં પણ ગેસની એજન્સી સામે હજારોની સંખ્યામાં લોકો લાઈનમાં ઊભા રહેલા છે. શ્રી શૈલેષભાઈ પરમારની વાતમાં ગૃહમાં હોબાળો થયો હતો.
ભારતીય જનતા પાર્ટીના ૩૦ વર્ષના શાસનના વિકાસશીલ મોડલની સાચી પરિસ્થિતિની વાત કરતાં શ્રી શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ની શરૂઆત કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારમાં માનનીય શ્રીમતી સોનિયા ગાંધી અને વડાપ્રધાનશ્રી મનમોહનસિંહે કરી હતી. આજે રાજ્યની પરિસ્થિતિની વાત કરીએ તો, NFSA યોજના હેઠળ મફત રાહત દરે અનાજનું વિતરણ થાય છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ૩.૪૧ કરોડ લોકોએ મફત અનાજ વિતરણનો લાભ લીધો અને ૨૦૨૫-૨૬માં ૩.૮૨ કરોડ લોકો (૭૫.૨૯ લાખ કુટુંબો)એ મફત અનાજ વિતરણનો લાભ લીધો. મફત અનાજનો લાભ લેનારાઓની સંખ્યામાં વર્ષ ૨૦૨૧-૨૨ કરતાં ૨૦૨૫-૨૬માં ૪૧ લાખનો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૦ના પ્રમાણમાં વર્ષ ૨૦૨૫માં ૫,૨૩,૯૧૬ ટન વધારે મફત અનાજનું વિતરણ કરેલ છે.
ગરીબ કલ્યાણ યોજના હેઠળ અંત્યોદય કાર્ડધારક એટલે કે AAYના રાજ્યમાં ૭.૬૪ લાખ કુટુંબો ૩૩.૫૩ લાખની જનસંખ્યા જે માસિક ધોરણે કાર્ડ દીઠ ૩૫ કિલો મફત અનાજનો લાભ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જે અન્ન યોજના છે તેમાં અગ્રતા ધરાવતા કુટુંબો જેને PHH કહેવામાં આવે છે તેવા રાજ્યમાં ૬૮.૦૬ લાખ કુટુંબો ૩.૧૮ કરોડની જનસંખ્યા આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. વિતરણ ખર્ચ અને સબસીડીના અનુસંધાને રાજ્યમાં ૭૫.૨૯ લાખ કુટુંબો કે જે તુવેરદાળ, ખાંડ, મીઠું, ચણા જેવી ૪૯,૬૯૮.૨૯ મે.ટન ખાદ્યસામગ્રી અને ૧૩૦.૬ લાખ લીટર ખાદ્યતેલનો લાભ લઈ રહ્યા છે.
શ્રી પરમારે જણાવ્યું હતું કે, રાજ્યની કુલ વસ્તી અંદાજીત ૬.૫૦ કરોડ છે, તેની સામે મફત અનાજ મેળવતા લાભાર્થીઓની સંખ્યા ૩.૮૩ કરોડ છે, એટલે રાજ્યની ૧૦૦% વસ્તીમાંથી ૫૫% વસ્તી મફત અનાજ મેળવે છે ત્યારે વિકાસશીલ ગુજરાતની વાતો કરતી ભાજપ સરકાર માટે શરમજનક બાબત છે. આ ‘‘વિકાસશીલ ગુજરાત મોડલનું વિકાસશીલ ગરીબી મોડલ’’ છે તેમ અંતમાં શ્રી પરમારે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *