ગુજરાતના રાજકારણમાં કહેવાય છે કે અહીં જે દેખાય છે તે હોતું નથી અને જે હોય છે તે દેખાતું નથી. અમરેલીના રાજુલામાં જે દૃશ્યો સર્જાયા છે તે કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના સૂપડા સાફ કરી ભાજપને ઈતિહાસની પ્રથમ ‘બિનહરીફ’ જીતની ભેટ ધરનાર કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા નિલેશ કુંભાણી હવે સત્તાવાર રીતે ભાજપના શરણે જવાની તૈયારીમાં હોય તેમ લાગી રહ્યું છે.
તાજેતરમાં રાજુલામાં કુંભાણીની ફેક્ટરી પર ગુજરાત ભાજપના ‘ચાણક્ય’ ગણાતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરી અને તેમની સાથે નિલેશ કુંભાણીનો ‘હાથમાં હાથ’ નાખીને ફરતો વીડિયો વાઇરલ થતા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરમાં અમરેલીના રાજુલામાં એક ભવ્ય જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સી.આર. પાટીલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જોકે, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પાટીલનો કાફલો સીધો જ નિલેશ કુંભાણીની ફેક્ટરી પર પહોંચ્યો હતો.
આ મુલાકાત વિશે વાત કરતા નિલેશ કુંભાણીએ જણાવ્યું કે, રાજુલામાં પ્રોગ્રામ હતો એના આગલા દિવસે જ મારે પાટીલ સાહેબ જોડે વાત થઈ હતી. મેં તેમને આમંત્રણ આપ્યું હતું કે, સાહેબ મારી ફેક્ટરીએ ચા-પાણી પીવા પધારજો. તેમણે મોટું મન રાખીને 100% આવવાનું વચન આપ્યું અને તેઓ આવ્યા. પ્રશ્ન એ થાય છે કે શું એક સસ્પેન્ડેડ વિપક્ષી નેતાના ઘરે કે ફેક્ટરીએ સી.આર. પાટીલ માત્ર ‘ચા-પાણી’ પીવા જાય ખરા? કે પછી આ ‘કેસરીયા’ની પૂર્વતૈયારી છે?
સોશિયલ મીડિયા પર અત્યારે એક વીડિયો આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ વીડિયોમાં નિલેશ કુંભાણી ખૂબ જ આત્મવિશ્વાસ સાથે સી.આર. પાટીલનો હાથ પકડીને ચાલી રહ્યા છે. તેમની બોડી લેન્ગવેજ કોઈ ‘વિરોધી’ પક્ષના નેતા જેવી નહીં, પણ એક પરિવારના સભ્ય જેવી લાગી રહી છે.
જ્યારે કુંભાણીને પૂછવામાં આવ્યું કે, તમે પાટીલ સાહેબનો હાથ પકડીને ચાલી રહ્યા છો, તો શું હવે ભાજપનો હાથ પકડશો? ત્યારે તેમણે સ્મિત સાથે વચલો રસ્તો કાઢતા કહ્યું કે, અત્યારે હજી કોઈ વિચારણા નથી કરી, પણ એ શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. ભવિષ્યમાં જો કોઈ નિર્ણય લેવાનો થશે તો તમને માહિતી આપીશું. જોકે, રાજકીય વિશ્લેષકો માને છે કે, આ વીડિયો કાર્યકર્તાઓ માટે એક સ્પષ્ટ સંકેત છે.
કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા બાદ કુંભાણીનો પક્ષ પ્રત્યેનો આક્રોશ હજી શમ્યો નથી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે કોંગ્રેસની વર્તમાન હાલત પર કટાક્ષ કરતા કહ્યું કે, ગુજરાતમાં વિપક્ષ જેવું કંઈ રહ્યું જ નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે, તમને ‘આપ’ અને ‘ભાજપ’માંથી કયો વિકલ્પ સારો લાગે છે, ત્યારે તેમણે કહ્યું કે, અત્યારે આ બંને પક્ષો મેદાનમાં છે, કોંગ્રેસ તો સાઈડ પર ધકેલાઈ ગઈ છે. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે, કુંભાણી હવે કોંગ્રેસના વળતા પાણી જોઈ રહ્યા છે.
સુરત લોકસભા બેઠક પર કુંભાણીના ફોર્મ રદ થવા અંગે ભાજપ સાથેની ‘સેટિંગ’ના અનેક આક્ષેપો થયા હતા. આ બાબતે ખુલાસો કરતા કુંભાણીએ જૂની કડવાશ બહાર કાઢી હતી. તેમણે સ્વીકાર્યું કે, 2017માં કોંગ્રેસે મને ટિકિટ આપી, મહેનત કરાવી અને છેલ્લી ઘડીએ કાપી નાખી હતી. જે કોંગ્રેસે મારી સાથે કર્યું હતું, એ જ મેં એની સામે કર્યું છે. આ પહેલીવાર છે, જ્યારે કુંભાણીએ જાહેરમાં સ્વીકાર્યું હોય કે સુરતની ઘટના એ 2017માં થયેલા અન્યાયનો ‘બદલો’ હતો. આ નિવેદન કોંગ્રેસના હાઈકમાન્ડ માટે એક લપડાક સમાન છે, જેઓ હજી પણ સુરત હારના કારણો શોધી રહ્યા છે.
કુંભાણીની ફેક્ટરી પર માત્ર સી.આર. પાટીલ જ નહીં, પણ ભાજપના નેતાઓનો મોટો કાફલો જોવા મળ્યો હતો. જેમાં દિલીપભાઈ સંઘાણી (ઇફ્કો ચેરમેન), કૌશિકભાઈ વેકરિયા (ધારાસભ્ય), હીરાભાઈ સોલંકી (ધારાસભ્ય), અમરીશભાઈ ડેર (ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા), જે.વી. કાકડીયા અને મહેશ કસવાલા હાજર હતાં. ત્યારે આટલા બધા પાવરફુલ નેતાઓ એકસાથે એક જ સ્થળે જોવા મળે ત્યારે તે માત્ર ‘ચા-પાણી’ની મુલાકાત ન હોઈ શકે. કુંભાણીએ કહ્યું કે, આ બધા સાથે મારા વ્યક્તિગત સંબંધો છે, પણ રાજકારણમાં વ્યક્તિગત સંબંધો જ ઘણીવાર મોટા ગઠબંધનનું કારણ બને છે.
નિલેશ કુંભાણીના સૂર હવે સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. જે પક્ષના નેતૃત્વ સામે તેઓ પહેલા લડતા હતા, આજે તેમના જ વખાણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહનું નેતૃત્વ ભારત અને ગુજરાત માટે ખૂબ જ સારું છે. તેમનું વિઝન ભવિષ્ય માટે શ્રેષ્ઠ છે અને ભાજપનો દબદબો એમનેમ રહેશે. આ વખાણ સૂચવે છે કે, કુંભાણી હવે ભાજપની વિચારધારાને સ્વીકારી ચૂક્યા છે. શું આ વખાણ ભાજપમાં ‘એન્ટ્રી ફી’ છે? તે જોવું રહ્યું.
અંતે સૌથી મોટો પ્રશ્ન એ જ રહે છે કે શું નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે? જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, જો પાટીલ ઓફર આપે તો? ત્યારે કુંભાણીએ હળવા અંદાજમાં કહ્યું કે, વિચારશું સો ટકા! હજી અત્યારે કોઈ નિર્ણય નથી લેતા પણ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરીને વિચારશું. આ ‘વિચારશું’ શબ્દમાં જ બધું આવી જાય છે. રાજકારણમાં ‘વિચારશું’નો અર્થ ‘હા’ની ખૂબ નજીક ગણાય છે. જો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય છે, તો સુરત અને અમરેલીના રાજકારણમાં મોટા સમીકરણો બદલાશે. ખાસ કરીને પાટીદાર વોટ બેંક પર તેની સીધી અસર પડી શકે છે.



