

સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત ચિંતાજનક હદે થઈ રહેલાં વધારા વચ્ચે હૈદરાબાદ પોલીસે સાયબર ગુનેગારોની દેશવ્યાપી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. હૈદરાબાદ પોલીસ દ્વારા હાથ ધરાયેલાં ‘ઓપરેશન ઓક્ટોપસ’ હેઠળ દેશના ગુજરાત સહિત 16 રાજ્યોમાંથી 104 સાયબર અપરાધીઓની ધરપકડ કરાઈ છે.
આ અંગે માહિતી આપતાં હૈદરાબાદના પોલીસ કમિશનર વી.સી. સજ્જનારે જણાવ્યું હતું કે, સાયબરક્રાઈમ
ટીમની આગેવાની હેઠળ 32 ટીમો બનાવી હાથ ધરાયેલાં 10 દિવસના આ રાષ્ટ્રવ્યાપી ઓપરેશન અંતર્ગત પકડાયેલાં ગુનેગારો સામે દેશના વિવિધ રાજ્યોમાં 1,055 જેટલાં સાયબર ફ્રોડના કેસો નોંધાયેલા છે. આ કેસોમાં સામેલ છેતરપિંડીની રકમ આશરે ₹127 કરોડ જેટલી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે 151 જેટલાં બેન્ક એકાઉન્ટ્સની પણ ઓળખ કરી લીધી છે જેનો ઉપયોગ આ ગઠિયાઓ દ્વારા લોકો પાસેથી છેતરીને ભેગાં કરાયેલાં નાણાં જમાં કરવા કરાયો હતો. ઓપરેશન દરમિયાન પોલીસે
204 મોબાઈલ ફોન્સ, 141 સિમ કાર્ડ્સ, 152 બેન્ક પાસબૂક્સ, 234 ડેબિટ અને ક્રેડિટ કાડૂર્ડ્સ, 26 લેપટોપ્સ, 56 કંપનીઓના સ્ટેમ્પ્સ તથા ₹36 લાખની રોકડ જપ્ત કરી હતી.
સાયબર ફ્રોડ વિરુદ્ધની આ કાર્યવાહી ગુજરાત ઉપરાંત, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, ૫. બંગાળ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, આંધ્રપ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ તથા ઓડિશામાં હાથ ધરાઈ હતી.
કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરના સમયમાં રોકાણને લગતાં, ટ્રેડિંગને લગતાં તથા ડિજિટલ એરેસ્ટને લગતાં ફ્રોડ્સમાં લોકો ઝડપથી શિકાર બની રહ્યાં છે. સામાન્ય નાગરિકોને ભોળવીને આ સાયબર ગઠિયાઓ તેમની મહેનતની કમાણી ઓળવી જાય છે.