વાત કરી છે, પરંતુ લેહમાં મહિલાઓ પાછલા બે વર્ષોથી જનઆંદોલન કરી રહી છે અને આંદોલનના માધ્યમથી આખા ઈલાકાને પોલિથિન ફ્રી કર્યો છે. હવે અહીં દારૂ મુક્તિનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને એ હેઠેળ દારૂના પીઠાઓ પર છાપેમારી શરૂ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે લેહમાં વુમન અલાયન્સ નામની એક સંસ્થા છે, જે લદ્દાખ વિસ્તારમાં પોલિથિન અને દારૂના વેચાણ વિરુદ્ધ આંદોલન ચલાવી રહી છે અને જ્યાં આ બંને વસ્તુઓ વેચાય છે ત્યાં છાપેમારી કરીને દંડ વસૂલી રહી છે. લેહમાં દર વર્ષે ત્રણ લાખ જેટલા પ્રવાસીઓ આવે છે, જેમાંના મોટાભાગના લોકો પોલિથિનનો ઉપયોગ કરીને તેને જ્યાંત્યાં નાંખી દે છે.
વુમન અલાયન્સની 60 વર્ષની પ્રમુખ સેરિંગ કોંડોલ જણાવે છે કે પોલિથિનને કારણે ત્યાંના ખેતરોની માટી બગડી રહી હતી. તો એને ખાઈને ગાયો પણ મરી રહી હતી. આ જોઈને સેરિંગ સહિતની કેટલીક મહિલાઓએ બે વર્ષ પહેલા પોલિથિન બંધ કરવા માટે એક અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. 60 મહિલાઓથી શરૂ થયેલા આ વુમન અલાયન્સમાં હવે લેહ અને કારગીલની પાંચ હજારથી વધુ મહિલાઓ જોડાઈ છે. આ માટે મહિલાઓએ લેખ-લદ્દાખમાં શેરી નાટકો પણ કર્યા હતા.
લેહને પોલિથિન ફ્રી બનાવવા માટે આ મહિલાઓએ ત્યાંના માર્કેટ એસોસિયેશન પાસે પણ મદદ માગી હતી. જોકે લોકો દ્વારા તેમને જોઈએ એટલો સહકાર ન મળતા તેમણે દંડનો અમલ કરાવ્યો. આ માટે તેમણે કેટલીક મહિલાઓની સ્વયં સેવી સંસ્થાઓની પણ મદદ લીધી હતી, જેમણે તેમને પોલિથિનના વિકલ્પરૂપે કાપડની થેલીઓ બનાવી આપી હતી. હવે અહીં પોલિથિનના ઉપયોગ પર પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. પહેલાં આ માટેના દંડની રાશિ પાંચસો રૂપિયા હતી, પરંતુ પૂર્ણ પ્રતિબંધ પછી હવે આ રાશિમાં વધારો કરી દેવાયો છે.
લેહની મહિલાઓના આ પ્રયત્નથી હવે લેહના કાપડના થેલા દેશભરમાં અત્યંત પ્રચલિત થઈ ગયા છે. પ્રવાસીઓને આ પ્રકારના થેલા લઈને ફરવું ટ્રેન્ડી લાગી રહ્યું છે. હવે આ મહિલાઓ દારૂની પાછળ લાગી છે અને તેઓ દારૂબંદીનો કડક અમલ કરવાનું વિચારી રહી છે.