ગાંધીનગરનાં સેકટર – 24 ઇન્દિરાનગરમાં બાળકોનાં દડો રમવાની બાબતે થયેલી નજીવી માથાકૂટે ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતાં છ લોકોએ ઘર ઉપર પથ્થરમારો કરીને બૂટ ચંપલનાં વેપારીને ઢોર માર મારવામાં આવતા સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સેકટર – 24 ઇન્દિરાનગરમાં રહેતાં મેહુલભાઈ વાલજીભાઈ મકવાણા સચિવાલય મીના બજાર ખાતે બુટ-ચંપલનો વેપાર કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજના પાંચેક વાગે ઘરે મહેમાન આવ્યા હોવાથી મેહુલભાઈ સહિતના પરિવારજનો આંગણામાં બેઠા હતા. અને તેમની માતા જમનાબેન વાસણ ઘસી રહ્યા હતા.
એ વખતે સંજય નરસિંહભાઈ વાળાનો દીકરો તથા રાહુલભાઈ ચકાભાઈ વાળા તથા અન્ય છોકરાઓ ઘરની આગળ ક્રિકેટ રમતા હતા. જેથી જમનાબેને વાગવાની બીકે દડો રમવાની ના પાડી હતી. અને દડો જમનાબેનને વાગ્યો હતો. જે મુદ્દે તેમણે ઠપકો આપતાં હીરાબેન સંજયભાઈ વાળાએ દીકરો અહીં જ દડો રમશે કહીને ગાળાગાળી કરી હતી. જેથી મેહુલભાઈએ દરમ્યાનગીરી કરી હતી.
ત્યારે સંજય નરસિંહભાઈ વાળા આવ્યો હતો. જ્યારે રાહુલભાઇ ચકાભાઇ વાળા, હિનાબેન અમૃતભાઈ મકવાણા, સાગરભાઇ અમુતભાઈ મકવાણા તથા પ્રવિણભાઈ રાજુભાઈ મકવાણા એકસંપ થઈને છોકરાઓ અહીં ક્રિકેટ રમશે કહી મેહુલભાઈને ગાળો બોલી બેટ – ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. બાદમાં તમામે મેહુલભાઈના ઘર પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
જેનાં કારણે મેહુલભાઈના દાદાને ઈજાઓ થવા પામી હતી. આ દરમ્યાન ખાનાભાઈ પરમાર સહીતના દોડી આવ્યા હતા. બાદમાં જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ અંગે સેકટર – 21 પોલીસ ઉક્ત છ લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.