સાદરા ખાતે કચરાનો ડુંગર ન બને તે સંદર્ભે ગ્રામજનોને હીતેશ મકવાણાનું વચન, કચરો ક્યાં ઠલવવો પ્રશ્ન પેચીદો

Spread the love

ગાંધીનગર કોર્પોરેશનની લેન્ડફિલ સાઈટ માટે જમીનની પસંદગી થયા બાદ ત્રીજી વખત પીછેહઠ કરવાની મ્યુનિસિપલ તંત્રને ફરજ પડી છે. અગાઉ કોલવડા અને ત્યારબાદ પેથાપુર ખાતે લેન્ડફિલ સાઈટ બનાવવા મનપા દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી. જો કે સ્થાનિક વિરોધ અને રાજકીય કારણોસર લેન્ડફિલ સાઈટની કામગીરી આગળ વધી શકી ન હતી. તાજેતરમાં સાદરામાં લેન્ડફિલ સાઈટ બનાવવા માટે કલેક્ટર કચેરીએ મનપાને 50 એકર જમીનની ફાળવણી કરી હતી. આ જમીનનો કબજો લેવા માટે કલેક્ટર કચેરીમાં રૂ.5.42 કરોડ જમા કરાવવાનો નિર્ણય સ્થાયી સમિતીમાં લેવાયો હતો. ગામમાં લેન્ડફિલ સાઈટ બનવાની તજવીજ હાથ ધરાતા સાદરાવાસીઓએ વિરોધ શરૂ કર્યો હતો. જેના પગલે મેયરે સાદરામાં લેન્ડફિલ સાઈટ નહીં બનાવવાની ખાતરી આપી વિવાદ ઉકેલ્યો છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના બાદથી સમગ્ર શહેરમાંથી એકત્ર થતો કચરો સાબરમતી નદીના કિનારે સ્મશાનની પાછળ લેન્ડફિલ સાઈટ પર ઠાલવવામાં આવે છે. કામચલાઉ ધોરણે નદી કિનારે લેન્ડફિલ સાઈટ બનાવવામાં આવી હતી. લેન્ડફિલ સાઈટ માટે કાયમી જગ્યા શોધવાની પ્રક્રિયા એક દાયકા કરતાં વધુ સમયથી ચાલી રહી છે. જેના માટે મનપા તંત્ર દ્વારા કલેક્ટર કચેરી સમક્ષ જમીનની માંગણી કરવામાં આવી હતી.

અગાઉ કોલવડા અને પેથાપુર ખાતે લેન્ડફિલ સાઈટ માટે જમીન ફાળવવાનો નિર્ણય લેવાયો હતો. સ્થાનિકોનો વિરોધ અને રાજકીય કારણોસર આ બંને સ્થળે લેન્ડફિલ સાઈટ બની શકી ન હતી. નદી કિનારે કચરો ઠાલવવાથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોવાથી ડમ્પિંગ સાઈટ માટે અન્ય સ્થળની શોધ શરૂ કરવામાં આવી હતી. તાજેતરમાં કલેક્ટર કચેરીએ સાદરામાં સર્વે નં.833ની 50 એકર જમીન સેનેટરી લેન્ડફિલ સાઈટ બનાવવા માટે ફાળવવાનો નિર્ણય કર્યો હતો. આ જમીનનો કબજો લેવા માટે જંત્રી મુજબ ભરવાની થતી રકમના 25 ટકા લેખે રૂ. 5.26 કરોડ અને અને રૂપાંતર કર રૂ.8 લેખે 16.18 લાખની રકમ કલેક્ટર કચેરી ગાંધીનગરને જમા કરાવવા મ્યુનિસિપલ કમિશનર તરફથી ભલામણ આવી હતી.

ગત સપ્તાહે યોજાયેલી સ્થાયી સમિતીની બેઠકમાં આ રકમ ભરીને જમીનનો કબજો મેળવવા નિર્ણય લેવાયો હતો. સ્થાયી સમિતીની બેઠક બાદ લેન્ડફિલ સાઈટ બનાવવા નક્કર કાર્યવાહી હાથ ધરાય તે પહેલા ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો હતો. સ્થાનિક સ્તરે વ્યાપક બેઠકો અને રાજકીય અગ્રણીઓની સહાયથી ગ્રામજનોનું આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું.

ગામમાં લેન્ડફિલ સાઈટ નહીં બનાવવાની માંગણી સાથે સ્થાનિકોએ મેયર હિતેષભાઈ મકવાણા સમક્ષ રજૂઆત કરી હતી. મેયરે ગ્રામજનોની રજૂઆતનો હકારાત્મક જવાબ આપતાં સાદરામાં લેન્ડફિલ સાઈટ નહીં બનાવવાની ખાતરી આપી હતી. મેયરની આ ખાતરી બાદ લેન્ડફિલ સાઈટ માટે અન્ય જગ્યા શોધવાની કવાયત શરૂ કરવી પડશે અને લેન્ડફિલ સાઈટ માટે કાયમી જગ્યા ન મળે ત્યાં સુધી નદીના કિનારે રોજનો 100 ટન જેટલો કચરો ઠલવાતો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com