સાહસ, ધૈર્ય અને પ્રેરણાનો પ્રવાહ એટલે ગાંધીનગરના “દોડ (અગ્નિ) વીર” જગત કારાણી

Spread the love

મહિલા દોડ અગ્રણી ડોરિસ બ્રાઉન હેરિટેજ એ કહ્યું છે કે “જબ આપ કિસી દૌડ મેં ખુદ કો દાંવ પર લગાતે હૈ ઔર ખુદ કો અજ્ઞાત કે સામને ઉજાગર કરતે હૈ તો આપ અપને બારે મેં એસી ચીજ શીખતે હૈ જો બહુત રોમાંચક હોતી હૈ…” રોનાલ્ડ રૂક કહે છે કે “મેં અપને જીવન મેં દિન જોડને કે લિયે નહીં દોડતા, મેં અપને દિનો મેં જીવન જોડને કે લિયે દોડતા હૂં…” જીવનમાં દોડનું મહત્વ આ મહાનુભાવોને જ્યારે સમજાયું ત્યારે તેમણે ઇતિહાસ રચી દીધો છે. આધુનિક જમાનામાં લોકો દોડી રહ્યાં છે. કોઇ પૈસા માટે, કોઇ માન-મોભા માટે, કોઇ ખુરશી માટે તો કોઇ ફાજલ સમય પસાર કરવા દોડે છે, પરંતુ ગાંધીનગરમાં રિયલ એસ્ટેટેના એક મોભી જગતભાઇ કારામી પોતાની હેલ્થ ફીટ કરવા જ નહીં પણ લોકોને પ્રેરણા આપવા દોડી રહ્યાં છે.

ન્યૂયોર્ક સિટીના મેરેથોન સહ-સંસ્થાપક ફ્રેડ લેબો કહે છે કે— “મેરેથોન એક કરિશ્મા છે. બઘું જ છે, જેમાં ડ્રામા છે. પ્રતિસ્પર્ધા છે. ભાઇચારાની ભાવના છે. પ્રત્યેર જોગર ઓલમ્પિક ચેમ્પિયન બનવાનું સપનું જોઇ શકતો નથી પરંતુ તે મેરેથોન ખતમ કરવાનું સપનું જરૂર જોઇ શકે છે.” વધતી ઉંમરમાં કેવી રીતે ફીટનેસ જાળવવી અને સમાજને ઉમદા સંદેશ આપવો તે જગત કારાણીનો મંત્ર છે. ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય. જગત કારાણી તેનું ઉમદા ઉદારહણ છે. જીવનના સાડા છ દાયકાની ઉંમરે પણ સતત દોડતા રહેતા અને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેલા જગત કારાણીનો જન્મ ગુજરાતના જામનગરમાં સામાન્ય પરિવારમાં થયો હતો. બે ભાઈ અને એક બહેનનો પરિવાર, પિતાની ખાનગી નોકરી અને માતા ગૃહિણી. જગતભાઈનું બાળપણ આર્થિક રીતે સાધારણ કુટુંબમાં પસાર થયું છે. તેમણે અભ્યાસકાળ બોરીવલી – મુંબઈમાં પસાર થયો છે. વિલેપાર્લે સ્થિત નરસી મોનજીમાં બી.કોમ., એલ.એલ.બી.ની ડીગ્રી હાંસલ કરી છે.

બાળપણનો સ્વભાવ ખૂબ જ ચંચળ અને કેટલેક અંશે તોફાની પ્રકૃતિ પણ કહી શકાય તેમ છે. કઠીન બાળપણ અને યુવાકાળની વચ્ચે તેઓનો રમત પ્રત્યેનો લગાવ સમયની સાથે વધુને વધુ પ્રબળ બનતો ગયો. પરંતુ કિશોરાવસ્થામાં જગતભાઈ એવી રમતની શોધમાં હતા કે જેમાં પૈસાનો ખર્ચો ઓછો થાય, તેથી તેઓએ તેમની ફેવરીટ ગેમ કબ્બડીને મુખ્ય બનાવી હતી. આર્થિક ભારણ પડતું ન હોવાથી તેઓ ઓછી ખર્ચાળ કબડ્ડીની રમત રમતા રહ્યાં હતા પરંતુ આર્થિક બંધનથી મુક્ત થયેલ જગતભાઈ હવે ખર્ચો માંગી લે તેવી મેરેથોન દોડી રહ્યાં છે. જે કાર્યમાં જોડાઈએ ત્યાં પોતાનું ૧૦૦ ટકા કમીટમેન્ટ આપવાના તેમના સ્વભાવને કારણે તેઓ કબડ્ડીમાં ડીસ્ટ્રીક્ટ પ્રેસીડન્ટ તરીકે રહ્યાં તથા ગાંધીનગર કબડ્ડી એસોસીએશનમાં બે વર્ષ પ્રમુખ પદે રહ્યાં હતા. સાઈમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા ઈ. પ્રસાદરાવ સાથે કબડ્ડીના પ્રચાર-પ્રસાર માટે તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વર્લ્ડ ફેડરેશનનાં પ્રમુખ જનાર્ધનસિંહ ગેહલોત સાથે મુંબઈની પ્રો કબડ્ડી લીગની મેચમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની સાથે પણ ઉપસ્થિત રહેવાની તેમને તક સાંપડી હતી.

તેઓના પ્રમુખકાળ દરમ્યાન બાંગ્લાદેશ અને શ્રીલંકા ટીમ આવી, જે ટુર્નામેન્ટનું ઉદ્‌ઘાટન ગર્વનર તેમજ જગતભાઇની માતૃશ્રી સુમનબેનના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સંઘર્ષમય યુવાકાળને પાર કરીને તેમણે મિડલ ઈસ્ટના અનુભવને આધારે ગાંધીનગરને પ્રથમ વિશાળ બિઝનેશ સેન્ટર ‘સુમન ટાવર’ અને ‘સુમન સિટી’ની ભેટ આપી છે. સાથી બિલ્ડર મિત્રોને માત્ર આર્થિક સંપન્નતા જ નહીં પણ વ્યવસાયિક કલ્ચર આપવાનો તેમનો ખૂબ જ ઉમદા પ્રયત્ન રહ્યો છે. સંઘર્ષથી સફળતા સુધીની આ વાતો પણ અદ્‌ભૂત છે પણ આજે આર્થિક સંપન્નતામાં રાચતા વ્યક્તિત્વ અને બિઝનેસમેન જગતભાઈ વિશે વાત નહીં કરતાં મેરેથોન રનર જગત કારાણીને જાણવાના છે. તેઓ દોડ તરફ કેવી રીતે વળ્યાં તે એક અનોખી ઘટના છે.

મિલનસાર સ્વભાવ, સૌને સતત મદદ કરવાની ભાવના અને નિરાભીમાની હોવાના કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા જગતભાઈના મિત્ર સંજયભાઈ અને રનર્સ ગ્રુપે ફોન કર્યો અને કહ્યું ‘જગતભાઈ, ચાલો મેરેથોન દોડવા અમારી સાથે’… જગતભાઈએ તે જ ક્ષણે ઇન્કાર કરી ફોન મૂકી દીધો. પણ બે-પાંચ મિનિટ બાદ તેમણે જાણકારી માટે ફોન જોડ્યો અને પૂછ્યું કે મેરેથોન ક્યારે યોજાઈ રહી છે. મિત્રોએ કહ્યું, ૧૧ સપ્ટેમ્બરના રોજ દોડ થઈ રહી છે ત્યારે જગતભાઈએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહ્યું કે મારું રજીસ્ટ્રેશન કરાવી દો. બધા મિત્રોને પણ નવાઈ લાગી કે જગતભાઈમાં આ પરિવર્તન કેમ આવ્યું ત્યારે જગતભાઈ કહ્યું, ૧૧ સપ્ટેમ્બરના રોજ યુએસમાં રહેતા મારા દિકરા ‘જશ’નો જન્મ દિવસ છે અને તેને હું ફિઝીકલ ફિટનેશનું મહત્વ શું છે તેની સમજ માટે આ દોડ સાથે ભેટ આપવા માગું છું. આ દોડ થકી ‘જશ’ને મેસેજ આપવા માંગુ છું કે પૈસાની સાથે સાથે જીવનમાં સારા સ્વાસ્થયની વધારે જરૂર છે.

જીવનના 60માં વર્ષે અને તેમાંય આર્થિક રીતે સંપન્ન અને સરકારી બાબુઓથી સમૃદ્ધ રાજ્યના પાટનગરના કલ્ચરમાં નિવૃત્તિની લાઈફ એટલે ગોષ્ઠી, બાંકડા સભા, પૌત્રોને બગીચામાં હીંચકા ઝૂલાવવા અને પેન્શનની ચર્ચા – આનાથી વિશેષ કંઈ જવલ્લેજ જોવા મળે છે. આવા વાતાવરણમાં 60માં વર્ષે મેરેથોન દોડવાનો જગતભાઈનો નિર્ણય મિત્રો, સાથી વ્યવસાયકારો અને પરિવાર માટે ‘બ્રેકીંગ ન્યૂઝ’ થી ઓછો કહેવાય નહીં.
જગતભાઈ મક્કમતા, દ્રઢ ઈરાદા અને દિકરાને જન્મ દિવસની ભેટના શસ્ત્રો સાથે 11 સપ્ટેમ્બર, 2016ના રોજ પ્રથમ મેરેથોન દોડવા માટે તૈયાર હતા. નર્સ ગ્રુપના મિત્રોને તે વાતનો કે આનંદ હતો કે જગતભાઈ સાથે દોડશે. પરંતુ તે ખબર નહોતી કે જગતભાઈની આ પ્રથમ મેરેથોન દોડ તેમના જીવન માટે એક પેશન બની જશે અને રનર્સ ગ્રુપ માટે અને રનીંગ કરવા માંગતા તમામ લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. જીવનની પ્રથમ મેરેથોન માટે માત્ર 25 દિવસની તૈયારી કરતાં 10મા દિવસે શારિરીક સ્થિતિમાં તકલીફ પડવાં છતાંય તેમણે મક્કમતાથી દોડવાની વિડીયોગ્રાફી કરાવી અને પોતાની ક્યાં ભૂલો થાય છે તેમાં જરૂરી સુધારા વધારા કરીને સ્વયંને દોડવા માટે મનથી અને શરીરથી તૈયાર કર્યા હતા.

11મી સપ્ટેમ્બર, 2016, અમદાવાદ સ્થિત રીવરફ્રન્ટની રાત્રિમાં ચંદ્રનો પ્રકાશ એક વ્યક્તિમાં જીવનમાં સૂર્યોદય બની રહ્યો. જગતભાઈના મુખે આ રોમાંચક દોડને સાંભળવીએ પણ એક લ્હાવો છે, તેમણે સંસ્મરણો વાગોળતા કહ્યું કે ‘આ દિવસે હું મારી પોતાની પ્રથમ દોડ દોડી રહ્યો હતો. મેરેથોન બાબતે મને વિશેષ કોઈ પણ જાણકારી નહોતી. આ નાઈટ મેરેથોન માટે ગાંધીનગર થી 16 દોડવીર સાથે અમે રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. હ્યુમીનીટી 90 ટકા જેટલી, 3 બ્રીજ ચઢવાના અને 3 બ્રીજ ઉતરવાના, 5.5 કિમીનો ૨નો લુપ હતો તેમાં પ્રથમ 5.5 કિમીમાં ગાંધીનગરના 16 દોડવીરમાંથી ચારને બાજુમાં વોમીટ થતી જોઇને પણ મેં દોડવાનું ચાલું રાખ્યુ હતું. 15 થી 17 કિમી સુધી તો વાંધો ન આવ્યો પણ અનુભવ ન હોવાથી 18 કિમી એ જમણા પગની હેમસ્ટ્રીમ પકડાઈ ગઈ હતી.

પ્રથમવાર આટલી લાંબી દોડ દોડતા હોવાથી હું તણાવમાં આવ્યો હતો, તેવા સમયે ઉર્વીબેન રાજવીરના અભિપ્રાયના શબ્દો મારી મદદે આવ્યા. ‘નવર્સ થવાની જરૂર નથી, દિકરાને આંખ સામે રાખી દોડવું’ તે શબ્દોએ મારા માટે દવાનું કામ કર્યું હતું. મારૂં મનોબળ વધ્યું, શક્તિનો સંચાર થયો અને દિકરાને બર્થ ડે ગિફ્ટ આપવાની તીવ્ર ઈચ્છાને લીધે એક પગે લંગડાતા લંગડાતા 100 મિટર સુધી દોડતો રહ્યો… એક પગે લંગડાતો હોવાથી સાથી દોડવીરોએ કહ્યું કે પગ ઉપર પાણી નાંખો, મારો તો અનુભવ નહોતો તેથી મિત્રો કહ્યાં મુજબ પગ ઉપર પાણી નાખતો રહ્યો. 200 મીટર પછી 19 કિમી એ પગ સીધો થયો અને મારી પ્રથમ મેરેથોન દોડ 2.52.16 સેકન્ડને પૂરી કરી હતી.

જીવનના અનેક પડકારોનો સામનો કરતાં કરતાં, ખૂબ જ કપરા તથા દુઃખદ અનુભવો પણ જગતભાઈની આંખમાં ક્યારેય આંસુ ન લાવી શકે, પરંતુ ચંદ્રની શીતળતામાં મેરેથોન દોડ પૂરી કરનાર હિમાલય જેવી મક્કમતા ધરાવતા જગતભાઈની આંખોમાં પ્રથમ વાર આંસુ જોવા મળ્યા, પણ આ આંસુ હર્ષના હતા. સંઘર્ષ અને ખુમારી છલકાતી હતી.

જગતભાઈની પ્રથમ મેરેથોન દોડ થી 154મી મેરેથોન દોડ સુધીની સફર પણ રોમાંચક રહી છે. પ્રથમ મેરેથોન દોડ પૂરી કર્યા પછી રનર્સ ગુ્રપના મિત્રો તેમને દોડવા માટે સતત પ્રેરણા પૂરી પાડતા રહ્યાં હોવાથી જગતભાઈ એક મેરેથોન, બીજી મેરેથોન એમ કરતાં કરતાં અનેક સરળ તથા કઠીન મેરેથોન દોડતા રહ્યાં. દિવસે-દિવસે મેરેથોન પ્રત્યેનો તેમનો લગાવ વધતો ગયો. આમ કરતાં કરતાં જીવનમાં નવી પ્રેરણા મળતી રહી અને નાના-મોટા એવોર્ડ મળતાં રહ્યાં. 21મી મેરેથોન બાદ દોડ બાદ ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર તત્કાલીન કલેક્ટર સતીષ પટેલના હસ્તે તેમને 26મી જાન્યુઆરી 2018ના રોજ પ્રશંસાપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.

7 ઓક્ટોબર 2018ના દિવસે યહુર હીલ – થાણેની મેરેથોન યાદ કરતાં જગતભાઈએ જણાવ્યું કે સૈહ્યાદ્રી પર્વતમાળા ઉપરની આ મેરેથોન ખૂબ જ કઠીન ગણાય છે. પરંતુ મક્કમતા આગળ હંમેશની જેમ કઠીનતા કૂણી પડી અને હું દોડ્યો… પણ 15 થી 16 કિમી પછી તો ચાલવાની જ શક્તિ ન રહી ત્યાં તો દોડવું કેવી રીતે… અને ત્યાંથી પાછા ફરવા વિચારતા હતાં.. ત્યારે જગતભાઈની વર્ગખંડની મિત્ર પણ દોડતી દોડતી તેમની નજીક પહોંચી અને કહ્યું કે મંજીલ દૂર નથી, જગતભાઈ આપ દોડી શકશો કહીને તેણીએ પ્રેરણા પૂરી પાડી હતી. દોડની વેદના અને બંધ આંખો એ મનમાં બેઠેલી અટલ બિહારી બાજપાઈજીની કાવ્ય રચના ગૂંજરાવ કરી રહી હતી… ‘હાર નહીં માનૂંગા, હાર નહીં માનૂંગા…’ સાથી મિત્રોની પ્રેરણા, અટલજીની કાવ્ય રચનાએ જગતભાઈની મનની બંધ આંખોને ખોલી અને દોડવા માટે સજ્જ કર્યા હતા. જગતભાઈને પોતાના ઉપર ગુસ્સો આવ્યો અને દોડવા લાગ્યા… થોડું દોડતા એનર્જી મળી અને 3 ક્લાકમાં આ ખૂબ જ અઘરી દોડ પૂરી કરી હતી. આટલું જ નહીં સતારા હીલની કઠીન મેરેથોન જગતભાઈએ 6 વખત પૂરી કરી છે જેના પરિણામ સ્વરૂપ તેમના નામનો ગીનીઝ વર્લ્ડ બુકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આવી બીજી ટ્રેલ મેરેથોનનો પણ જગતભાઇ પાસે અદ્‌ભૂત અનુભવ છે. અમદાવાદ ખાતે 50 કિમી નાઈટ અલ્ટ્રા અદાણી જે 6 ક્લાક અને 15 મિનીટમાં પૂરી કરી હતી. આ મેરથોન ખૂબ જ રોમાંચક રહી હતી. યુથની કેટેગરીના કેટલાય સ્પર્ધકો આ ટ્રેલ મેરેથોનને જગતભાઈ પછી પૂરી કરી શક્યા હતા જે જગતભાઈનો ટ્રેલ મેરેથોન પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. 2017માં માથેરાનમાં યોજાયેલ હાફ મેરેથોનની પણ રોમાંચક ઘટના છે. આ બાબતે તેઓએ જણાવ્યું કે, માથેરાનમાં દોડ વખતે કાચા રસ્તામાં દોડતા પગમાં મચકોડ આવતા ચાલવાનું શરુ કર્યું અને મનથી નબળા ન પડતા થોડુંક ચાલ્યા બાદ, ફરીથી દોડીને 21 કિમીમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો જે ત્યાં ઉપસ્થિત સૌ આજે પણ આ ઘટનાને ચમત્કાર જ ગણી રહ્યાં છે.

2018માં Malshej Ghat – Moonsoon હાફ મેરેથોનમાં તાવ, શરીરનો દુઃખાવો, કાચા રસ્તા, કાદવ, દોડતા દોડતા પગ ખૂંચતા છતાં પણ 2 ક્લાક 50 મિનીટમાં મેરેથોન પૂર્ણ કરતાં ઓર્ગેનાઈઝરે બહુમાન કરી સર્ટીફીકેટ આપેલ જે અન્ય દોડ માટે પ્રેરણાદાયક રહ્યું છે. 67 વર્ષની ઉંમરે સપ્તશ્રૃંગી દોડની કલ્પના પણ ધ્રુજાવી દે તેવા સમયે જગતભાઈ 3 ડીસેમ્બર, 2023ના રોજ કાલ ભૈરવ દાદાની માનતાના પરિણામે 2 ક્લાક 56 મિનીટમાં 21 કિમીનો દોડ પૂરી કરી, જે ચમત્કારથી ઓછું નથી. જગતભાઈની બે ઈન્ટરનેશનલ મેરેથોન તરફ નજર નાંખીએ તો, 2019 અને 2020માં દુબઈ ખાતે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ 42.19 કિમી ફુલ મેરેથોન પૂરી કરી હતી. ફેબ્રુઆરી-2023માં રાસલખીમા (યુએઈ) પણ સફળતાપૂર્વક ત્રીજી મેરેથોન પૂર્ણ કરી હતી.

જગતભાઈ પોતાની 150મી મેરેથોન દોડવા તૈયાર હતા ત્યારે સંયોગની વાત એ છે કે તેમનો અને તેમના ધર્મપત્નીનો જન્મ દિવસ પણ તે જ દિવસે હતો. સફળતાની શિખરોને આગળ ધપાવતા જગતભાઈએ 21 જાન્યુઆરી 2024ના રોજ ટાટા મુંબઈ હાફ મેરેથોન માત્ર 02.46.16 સમયમાં પૂર્ણ કરી હતી. આમ, સ્વયંની સાથે સાથે તેમના ધર્મપત્નીને પણ તેમણે બેસ્ટ બર્થ ડે ગીફ્ટ ભેટ આપી હતી. આ દોડ પૂરી કરવા માટે તેઓ સતત છેલ્લા 12 રવિવાર સુધી વિવિધ ટુર્નામેન્ટમાં દોડતા રહ્યાં છે તે પણ રેકોર્ડથી ઓછું નથી.

જગતભાઈની મેરેથોન અવિરત ગતિ પકડી રહી છે ત્યારે તેમણે સતત 15 રવિવાર દોડીને 154મી મેરેથોન ગિફ્ટસિટી, ગાંધીનગર ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. 2016માં પ્રથમ મેરેથોન દોડથી લઈને 2024માં 154મી મેરેથોન સુધીની સફર ખૂબ જ રસપ્રદ રહી છે તેવું જગતભાઈનું માનવું છે. રસપ્રદ છે તેની સાથે કઠીન પણ તેટલી જ રહી છે. છતાંય તમામ મોમેન્ટ ને તેઓએ સ્વીકારી તેમાંથી કંઈને કંઈ શીખીને સતત આગળ વધતા રહ્યાં છે. મેરેથોન દોડનો જીવન શૈલીમાં શું ફેરફાર આવ્યો તે અંગે જગતભાઈએ ખૂબ જ નિખાલસાથી કહ્યું કે, મેરેથોન થી જીવનમાં અનુશાસન શીખવા મળ્યું છે. હેલ્થ વિશે ખૂબ જ સજાગ બન્યો છું. મારા સ્વભાવમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. ગુસ્સો અને આક્રમક સ્વભાવ મારી ઓળખ હતી તે સ્વભાવ આજે સંયમમાં પરિવર્તીત થયો છે.

કોરોના સમયની ઘટનાને જગતભાઈ થોડા ગંભીર ચહેરે જણાવતાં કહે છે કે, મને ઓક્ટોબર-2020માં કોરોના થયો હતો. કોરોનાની બિમારી, 7 દિવસની સઘન સારવાર, રેમડેસીવર ઈન્જેક્શનની વિપરીત અસરો વચ્ચે પણ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયાના 21માં દિવસે 21 કિમી દોડવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. ડોક્ટરો અને પરિવારની સ્પષ્ટ ના હોવા છતાંય અને સુમન ટાવર થી શરૂ કરીને સુમન ટાવર સુધીની 21.9 કિમીની હાફ મેરેથોન દોડ મેં પૂરી કરી હતી. જેની નોંધ ટાઈમ્સ ઓફ ઈન્ડીયાએ પણ લીધી હતી.

154 મેરેથોન દોડ અને નાની-મોટી અસંખ્ય દોડના સ્વયં સહભાગી રહેલા ખાવાના અને ખવડાવવાના શોખીન જગતભાઈ કારાણી રનર્સ માટે ખોરાક ઉપર ખૂબ જ સંયમ રાખવા જણાવે છે. ફાસ્ટફૂડ સહિત અનહાઈજીન ફૂડ ઉપર કંટ્રોલ કરવો. ન્યુટ્રીશીયન અને સપ્લીમેન્ટ સતત લેતા રહેવું. નાળીયેર પાણી, કેળા, અખરોટ, બદામ, ખજૂરનો પણ ઉપયોગ કરવો. મેરેથોન દોડતા રનર્સે મેથીના લાડુ અને તલવટ અવશ્ય ખાવા જોઈએ તેવી હિમાયત પણ તેમણે કરી છે. નોનવેજ ખાનાર જ મેરેથોન દોડી શકે તેવી માન્યતાથી દૂર રહેવું જોઈએ તેવું પણ તેમનું કહેવું છે. શરીરની જેમ આત્માને પણ સાફ-સુથરો રાખવો તે પણ ખૂબ જરુરી છે તેમ કહેતા જગતભાઈ કહે છે કે શરીર તો વિવિધ રીતે ફીટ રાખી શકીશું પણ જો મન સ્વચ્છ નહીં હોય તો તેના નેગેટીવ વિચારોની અસર શરીર ઉપર જરૂર પડશે તેથી શરીરની સાથે મન ને સાફ રાખવું દરેક સ્પોટ્‌ર્સમેન માટે તેમજ દરેક લોકો માટે જરૂરી છે.

આ ઉપરાંત મેરેથોન રનર્સ માટે દરરોજની રનીંગ ખૂબ જ મહત્વની છે અને જગત કારાણી કોઈ પણ સીઝનમાં, કોઈ પણ સ્થિતિમાં દરરોજ 5 થી 7 કિમી દોડવાની, ચાલવાની, જોગીંગની પ્રેકટીસ જરૂર કરે છે. અતિની કોઈ ગતિ નહીં એમ કહીને તેઓ રનર્સ ને અઠવાડીયાના 32 કિમીથી વધારે દોડવું સલાહભર્યું નથી તેમ પણ તેઓ કહે છે. જગત કારાણી નિયમિત બોડી ચેકઅપ કરાવે છે અને કહે છે કે બી-12ની ખામી ન રહે તે માટે રનર્સે જરૂરી સપ્લિમેન્ટ લેવું જોઇએ. તેઓ માને છે કે સ્પોર્ટ્સ મસાજ વિના તેમની 154મી મેરેથોન શક્ય બની ન હોત. મેરેથોનમાં સ્ટ્રેચીંગ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તેવું તેમનું માનવું છે.

67 વર્ષે 154 મેરેથોન પછી પણ તેમની દોડવાની ઉત્કઠાં વધતી રહી છે અને આગામી બીજી અનેક દોડ માટે તૈયારીમાં લાગી ગયા છે. હજુ પણ કોઈ ડ્રીમ છે તેના જવાબમાં હાથમાં ઘડિયાળની વિશિષ્ટ સ્ટાઈલ સાથે જગતભાઈ કહે છે કે આગામી સપ્ટેમ્બર 2024માં લેહ-લદાખની ખૂબ જ કઠીન 21 કિમી દોડ પૂરી કરવાની અદમ્ય ઈચ્છા છે. લેહ લદાખમાં ખૂબ જ પાતળી હવા અને ઓછા ઓક્સીજનમાં દોડવું ખૂબ જ શક્તિ, સંયમ, પ્રેકટીસ માંગી લે અને પછી પણ વાસ્તવિક સ્થિતિમાં તે દોડ પૂરી કરવી ખૂબ અઘરી છે. પણ જગતભાઈ તે કરવા કટિબદ્ધ છે. જાેઈએ લેહ લદાખની મેરેથોન પૂરી કરીને કોને ગિફ્ટ કરે છે તે જગતભાઈનું સિક્રેટ છે.!

મેરેથોન રનર્સ અને સફળ બિઝનેસમેન જ ફક્ત જગતભાઈની ઓળખ નથી. તેઓ મેરેથોન દોડવા માંગતા અથવા કોઈપણ સ્પોર્ટસ રમવા માંગતા કે અન્ય તકલીફ ધરાવતા લોકો માટે મેરેથોનની જેમ ક્યાંય પાછા પડ્યા નથી. 26/11ના મુંબઈ તાજ હોટલના હુમલામાં ઘવાયેલા કમાન્ડોના સંપર્કમાં પણ તેઓ આવ્યા હતા. પ્રવિણકુમાર તિવેટીયાને પણ મેરેથોન દોડવી હતી પણ આર્થિક સ્થિતિએ તેમના પગ ઉપડવા દીધા ન હતા તેવા સમયે જગતભાઈએ સ્પોન્સર કરીને 42 કિમી મેરેથોન દોડવા દુબઈ તેમની સાથે લઈ ગયા હતા.

સીતા નામની આદિવાસી દિકરીને મોટીવેટ કરી, સહાય કરી રાજકોટ, જામનગરમાં દોડ સ્પર્ધામાં સામેલ કરાવી હતી. સુમન ટાવર પાસે આવેલી ચા ની કીટલી ચલાવતા જીગ્નેશ ભરવાડે પણ જગતભાઇ પાસેથી પ્રેરણા લીધી હતી. તેમણે 2021માં હાફ મેરેથોન પુરી કરી હતી. આજે તેઓએ 15 મેરેથોન પુરી કરી છે.
ગુજરાતી પ્રજાને હંમેશા શારિરીક રીતે સક્ષમ ન હોય તેવી છાપને બદલવામાં જગતભાઈએ ખૂબ ફાળો આપ્યો છે. ગુજરાતમાં સ્પોર્ટસ કલ્ચર કેળવવું ખૂબ જ જરુરી છે અને યુવાનોને સોશિયલ મિડીયામાં ખોટો સમય ન વેડફતા સમયનું પ્રોપ્રર પ્લાનીંગ કરવા તેઓ જણાવે છે.

કોઈ પણ સ્પોર્ટસથી બુદ્ધિક્ષમતામાં વધારો થાય છે. શ્વાશોશ્વાસની ક્રિયા પણ યોગ્ય બને છે. તેઓ યોગ ઉપર ખૂબ ભાર મૂકતા કહે છે કે દરેક સ્પોર્ટસમેને યોગને તેમની દૈનિક રોજનિશીમાં સ્થાન આપવું જાેઈએ. દરેક વ્યક્તિએ સ્પોર્ટસને પોતાના જીવનમાં વણી લેવી જોઈએ. જગતભાઈને આનંદ છે કે ‘ખેલ મહાકુંભ’ જેવી ઈવેન્ટથી લોકોમાં સ્પોર્ટસ પ્રત્યેની રૂચિ કેળવાઈ રહી છે. મેરેથોનના પ્રચાર માટે જગતભાઈ પોતાની માતાના જન્મ દિવસ 12 જાન્યુઆરી 2020 ગાંધીનગર ખાતે, 29 ઓક્ટોબર 2023માં સેન્ટ્રલ વિસ્ટા ગાંધીનગર અને બેરફૂટ રન – સરીતા ઉદ્યાન ખાતે ઈવેન્ટ સફળતાપૂર્વક ઉજવેલ છે.

બહુમુખી વ્યક્તિત્વ જગતભાઈ સામાજીક રીતે પણ ખૂબ જ એક્ટીવ છે. સુમન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક, બિલ્ડર એસોસીએશનના પ્રમુખ બનીને તેમણે ગાંધીનગરના બિલ્ડરોને બે વખત વિદેશ પ્રવાસ કરાવ્યો છે. કરાટે એસોએશનમાં સક્રિય, આત્મન ફાઉન્ડેશન, રોટરી ક્લબ ઓફ કેપિટલ – ગાંધીનગરના ચાર્ટર પ્રેસીડન્ટ, આર્ટ લવર્સની સ્થાપના સહિત અનેક નાની-મોટી સંસ્થાઓમાં પણ એક સરખો ન્યાય આપી રહ્યાં છે. સુમન ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી ગાંધીનગરની પ્રથમ એમ્બ્યુલન્સ સમાજ માટે મૂકવાનો શ્રેય પણ જગતભાઈને જાય છે અને આ એમ્બ્યુલન્સ તેમના માતૃશ્રી સુમનબેન કારાણી તેમજ ગાંધીનગર રેન્જ આઈજી રાજન પ્રિયદર્શીનીના હસ્તે મૂકવામાં આવી હતી.

જગતભાઈના મેરેથોન દોડનો લાભ સમાજને મળે તેવા ઉમદા હેતુથી આકાશવાણી અને દૂરદર્શનમાં પણ તેમના ઈન્ટરવ્યૂ થયેલા છે, જેમાં તેઓએ દિલ ખોલીને પ્રેરણાદાયી વાતો કરી છે. જગતભાઈને સન્માનનીય છત્રપતિ શિવાજી એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. મેરેથોન માત્ર સોશિયલ સંદેશમાં માટે સિમીત ન રહે તે પણ જરુરી છે. હેલ્થ અવેરનેસ ખૂબ જ મહત્વની છે. રનર્સ માટે મેન્ટર હોવા ખૂબ જરૂરી છે નહીંતર ફિઝીકલ ઈન્જરીના ચાન્સ વધી જતા હોય છે તેવો તેમનો અનુભવ છે.

પોતાના વિશાળ અનુભવના ભાથાને લઈને પોતાની સફળતાનો રાઝ જણાવતા જગતભાઈ કહે છે કે મેરેથોનને હું ત્રણ ભાગમાં વહેંચતો હતો. પહેલા ક્લાકમાં 8 કિમી, બીજા ક્લાકમાં 7 કિમી અને ત્રીજા ફેઝમાં 6 કિમી આરામથી દોડી શકાય છે. આ ભાગનો ઉપયોગ કરવાથી હાફ મેરેથોન પુરી થાય છે. મેરેથોન પૂરી કરવાનો કટ ઓફ સમય 3.30 ક્લાકનો હોવા છતાં મેં બધી જ મેરેથોન 3 ક્લાક પહેલા પૂરી કરેલ છે. મારી ઇચ્છા છે કે મારા ગ્રાન્ડ સન પાંચ વર્ષનો થશે ત્યારે 5 થી 10 કિમીની મરેથોન દોડીશ.

જગતભાઈ કહે છે કે શરાબના નશા કરતાં પણ દોડવાનો નશો અદ્‌ભૂત અને અવર્ણનીય છે. દરેક મેરેથોનમાં કંઈને કંઈ શીખવા મળ્યું છે અને શીખી રહ્યાં છે. જીવનના અંત સુધી દોડતા રહેવાની તેમની દિલની ખ્વાઈશ છે. આના માટે તેઓએ ઘણાં પ્રસંગોને જતા કરવાં પડ્યાં છે. સોશિયલ સર્કલમાં ખૂબ જ કંટ્રોલ રાખ્યો છે. નજીકના પરિવારના લોકોથી પણ ઘણીવાર ખૂબ જ મોટા સમય સુધી દૂર રહેવું પડતું હોય છે. જગતભાઈ તેમની સફળતાનો શ્રેય તેમના પત્નીને આપતાં કહે છે કે ‘કોઈપણ દોડ એવી નહીં હોય કે ચેતનાએ મને નીકળતા બેસ્ટ ઓફ લક ન કહ્યું હોય અને દેશમાં કે પરદેશમાં જ્યાં પણ દોડ પૂરી થયા બાદ તરત જ મેરેથોન કેટલા સમયમાં પૂર્ણ કરી તેની વાતનો પહેલો ફોન તેને કરી દઉં છું’. આ ઉપરાંત તેમની સફળતામાં તેમના દિકરાઓ, પૂત્રવધુ અને પૌત્ર પણ સહભાગી છે તેવું જગતભાઈ માને છે અને તેમનું માનવું છે કે માતા-પિતાના સંસ્કાર તથા આશીર્વાદથી જ આ બધું શક્ય બન્યું છે.

154 મેરેથોન દોડમાં દિલીપ શર્મા, રમેશભાઈ (ગટ્ટુભાઈ-સાયન્ટીસ્ટ), હરીશચંદ્ર, મિતેશ ગજ્જરનો પણ ખૂબ સહયોગ મળ્યો છે તેવું જગતભાઈ દિલથી સ્વીકારે છે. જે લોકોએ દોડવાનું શરૂ કર્યું છે કે દોડવા માટે વિચારી રહ્યાં છે તેમને મોટિવેશનલ સ્પીકરની જરૂર નથી, માત્ર જગત કારાણી સાથે થોડી વાત કરે તો તેઓ દોડવીર બની શકે છે. એક સમય હતો કે જગતભાઈ સેલેબ્રીટી સાથે ફોટા પડાવીને ઓફિસમાં મૂકતા હતા પરંતુ હવે તે સ્થાન જગતભાઈના અનેક મેડલો અને સર્ટીફીકેટોએ મેળવી લીધું છે.

કહી શકાય કે ત્યાગની વાતમાં ભગવાન શ્રીરામ, લોખંડી મનોબળમાં સરદાર પટેલ અને સત્ય-અહિંસામાં મહાત્માં ગાંધી યાદ આવે પરંતુ દોડવાની વાત આવે તો જગત કારાણીનું નામ લેવું પડે. તેઓ માત્ર ગાંધીનગર જ નહીં, ગુજરાત અને દેશના મેરેથોન પ્રેમીઓનું ગૌરવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com