ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ ગુજરાતની કોલેજોમાં થતાં રેગિંગ મુદ્દે સુઓમોટો પિટિશન પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રેગિંગને લઈને MCI, AICTE અને UGCએ રેગ્યુલેશન્સ બનાવ્યા છે. જેના ભંગ બદલ સજાની જોગવાઈ પણ છે. 8 રાજ્યમાં રેગિંગના નિયમો છે.
કોર્ટે કહ્યું હતું કે, આ નિયમોનો સંસ્થાઓએ કડક અમલ કરાવવો જોઈએ નહિ તો સંસ્થાઓ સામે પગલાં લેવા જોઈએ. સરકારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ જ AICTE, UGC અને MCIની રેગિંગની ગાઇડલાઇન બની છે. જેથી તેના કડક અમલ માટે સરકાર પરિપત્ર બહાર પાડશે. વધુ સુનાવણી 20 માર્ચે હાથ ધરાશે.
અગાઉની સુનવણીમાં કોર્ટ મિત્ર અમિત પંચાલે કોર્ટને જણાવ્યું હતું કે, રેગિંગ મુદ્દે રાજ્ય સરકારે સર્ક્યુલર જાહેર કર્યો છે. પરંતુ તેને લઈને રાજ્યમાં કોઈ કાયદો બન્યો નથી. સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ UGC અને AICTE દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો માટે ગાઇડલાઈન જાહેર કરાઈ છે. દેશમાં તામિલનાડુ, ઉતર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ગોવા, તેલંગાણા, છત્તીસગઢ જેવા રાજ્યોમાં રેગિંગ સામે કાયદા બન્યા છે. આથી કોર્ટ મિત્ર દ્વારા રાજ્યની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગને લઈને નિયમ હોય તેવી માગ કરાઇ હતી.