રાજકોટ
હાલ ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ત્રંબા ગામે આવેલી પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા દરમિયાન પોપ્યુલર સ્કૂલના જ વિદ્યાર્થીઓને માઇક્રો કોપી આપી ચોરી કરાવવામાં આવતી હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે વિદ્યાર્થીઓ વતી તેમના પરિચિત દ્વારા શિક્ષણ બોર્ડમાં ઇ-મેઇલ મારફત ફરિયાદ પણ કરવામાં આવી છે. જેમાં પેપર શરૂ થયાનાં એક કલાક બાદ માત્ર પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓને જ વોશરૂમના બહાને બહાર જવા દેવામાં આવે છે અને બાદમાં ફરી એ વિદ્યાર્થી વર્ગ ખંડમાં આવી ચિઠ્ઠીમાંથી જોઈને પેપર લખવામાં આવે છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે એક વિદ્યાર્થી માઇક્રો કોપીમાંથી લખે અને બાદમાં તે વિદ્યાર્થી વોશરૂમમાં માઇક્રો કોપી મૂકી આવે અને પછી બીજો વિદ્યાર્થી તે ચિઠ્ઠી લઈ આવે. આ રીતે માસ કોપી કેસનું કારસ્તાન ચાલતું હોવાની ફરિયાદ અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડ સમક્ષ કરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે ગત તા.3 માર્ચના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવને ઈ-મેઇલ કરી વિદ્યાર્થીઓએ પોતાની રજૂઆત કરી છે.
પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ધોરણ 12 કોમર્સનો વિદ્યાર્થી છું અને ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં બોર્ડ પરીક્ષા આપી રહ્યો છું. બોર્ડની ચાલુ પરીક્ષા દરમિયાન આ સ્કૂલના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને માઇક્રો કોપી આપવામાં આવે છે. પેપર બપોરે 3 વાગ્યે શરૂ થાય છે. જોકે 4.30 વાગ્યા બાદ પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું શરૂ થાય છે. વર્ગખંડમાં સર આવી વિદ્યાર્થીઓને ઈશારો કરે છે અને ત્યારબાદ એક પછી એક વિદ્યાર્થી વોશરૂમમાં જાય છે અને ત્યાંથી વિદ્યાર્થીઓ માઇક્રો કોપી લઈને ક્લાસરૂમમાં આવે છે. પોપ્યુલર સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ પાસે આ પ્રકારની માઇક્રો કોપી મેં જોઈ હતી. જેમાં 50-60 માર્કના MCQ અને ટૂંકમાં મુદ્દાઓ લખેલા હોય છે. વાણિજ્ય વ્યવસ્થાનું પેપર પૂર્ણ કર્યા બાદ વોશરૂમમાં ગયો ત્યાંથી મને માઇક્રો કોપી મળી હતી.
જ્યારે અન્ય વિદ્યાર્થીએ જણાવ્યું કે પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી રહ્યો છું. જ્યાં બપોરે ત્રણ વાગ્યે પેપર શરૂ થયા બાદ સાડા ચાર વાગ્યાથી માઇક્રો કોપીની આપ-લે શરૂ થાય છે. જેમાં એક સર આવી ક્લાસમાં ઈશારો કરી જાય છે અને ત્યારબાદ માત્ર પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓને જ વોશરૂમમાં જવા દેવામાં આવે છે. ચાલુ પરીક્ષાએ જ્યારે સ્ટાફ ચેકિંગ માટે આવે છે ત્યારે તેઓ જુએ છે કે પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓ ચોરી કરે છે, એટલે તેમને કંઈ કહેતા નથી. સ્કવોડના અધિકારીઓ અહીં આવતા હોય તેવું મારા ધ્યાનમાં આવ્યું નથી. ગર્લ્સને સીડી પરથી ચિઠ્ઠી આપવામા આવે છે.
આ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપતા અન્ય પરીક્ષાર્થીએ જણાવ્યું કે, પોપ્યુલર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા દરમિયાન ચોરી કરાવવામાં આવે છે. સ્ટાફને ખ્યાલ હોવા છતાં પણ તેઓનું ચેકિંગ કરવામાં આવતું નથી. જ્યારે અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓને ચેક કરવામાં આવે છે. અમે વોશરૂમ જવા માટે મંજૂરી માગીએ તો ના પાડવામાં આવે છે અને પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓ વોશરૂમ જવા માટેનું પૂછે તો તેઓને એકસાથે બેને જવા દેવામાં આવે છે. અહીં માઇક્રો કોપી દ્વારા ચોરી થાય છે અને સ્ટાફ પણ વિદ્યાર્થીઓને ચોરી કરાવે છે.
આ મામલે કિરીટસિંહ પરમારએ જણાવ્યું હતું કે ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં બોર્ડની પરીક્ષા દરમિયાન ચોરી થતી હોવાનો ઇ-મેઈલ મળ્યો છે અને આ જ પ્રકારનો ઈ-મેઇલ રાજકોટ કલેક્ટર તથા ગુજરાત બોર્ડને પણ કરવામાં આવ્યો છે. આ ઈ-મેઇલ આવ્યા બાદ તુરંત જ 10 વ્યક્તિની લોકલ સ્કવોડ આ પરીક્ષા કેન્દ્ર ઉપર મોકલવામાં આવી અને તે ત્રણ કલાક સુધી ત્યાં રહી હતી. જોકે ત્યાં હાલમાં આવી કોઈ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું નથી પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવીના આધારે આ સ્કૂલમાં ચોરી થતી હોવાનું ખૂલશે તો સમગ્ર સ્કૂલને પ્રતિબંધિત કરાશે.
રાજકોટ જિલ્લાના ત્રંબાના કસ્તુરબાધામ ખાતે આવેલી પોપ્યુલર સ્કૂલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12નું પરીક્ષા કેન્દ્ર ફાળવાયેલ છે. જેમાં તેમની જ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા પરીક્ષા શરુ થયાના એક કલાક બાદ તા. 01/03/2025 વિષય કોડ 046 વાણિજ્ય વ્યવસ્ ના પેપરમાં તેમના વિદ્યાર્થીઓને વોશરૂમ બ્રેક આપી વિદ્યાર્થીઓને માઇક્રો કોપી આપી ચોરી કરાવવામાં આવે છે. જેમાં માઇક્રો કોપી ફોટો આ સાથે મોકલેલ છે. જે બાબતે CCTV ચેકિંગ કરી સ્કૂલ મેનેજમેન્ટ તથા પરીક્ષા સ્થળ સંચાલક સામે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી.
બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને 33 ગુનાઓ બદલ 33 પ્રકારની સજાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં 1 થી 3 પરીક્ષા રદની સાથે પોલીસ કેસની જોગવાઈ તો છે જ પરંતુ જો કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા દરમિયાન ઘાતક હથિયાર સાથે ઝડપાઈ તો તેનું તે પરીક્ષાનું પરિણામ રદ થશે જ પરંતુ સાથે તે વિદ્યાર્થીને કાયમ માટે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે ઍટલે કે આજીવન ગુજરાત બોર્ડની પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવશે. આ ઉપરાંત ગેરરીતિના કિસ્સાઓમાં પાણીવાળા અને પટ્ટાવાળાથી લઇ ઝોનલ ઓફિસર અને પાલા કેન્દ્રના નિયામકની સંડોવણી ખૂલે તો રૂ. 10 હજારનો દંડ, સસ્પેન્શન અને પોલીસ ફરિયાદ સુધીની કડક સજાની જોગવાઈ છે.