વડોદરા
વડોદરા જિલ્લાના પાદરામાં રહેતી 19 વર્ષીય યુવતીને બ્લેકમેલ કરી કાસમ ચૌહાણ નામના વકીલે વારંવાર દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ આ બનાવની જાણ હિન્દુ સંગઠનોને થતાં મંગળવારે(4 માર્ચ) રાત્રે અટલાદરા પોલીસ મથકે એકઠા થયાં હતાં અને આ બનાવ લવજેહાદનો હોવાનો આક્ષેપ કર્યો છે. આરોપીને કડકમાં કડક સજા કરવાની માગ કરવામાં આવી છે. વડોદરાના પાદરામાં રહેતી અને B.comના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ધોરણ-11માં અભ્યાસ કરતી હતી, ત્યારે કાસમ સલીમભાઇ ચૌહાણ તેના ઘરે ટ્યૂશન ક્લાસીસ ચલાવતો હતો અને હું સાંજના 5થી 6 વાગ્યા સુધી ટ્યૂશન ક્લાસીસ જતી હતી. મેં બે વર્ષ સુધી ત્યાં ટ્યૂશન ક્લાસીસ કર્યા હતા અને તે વખતે અમે બંન્ને વાતચીત કરતાં હતાં અને ધોરણ-12 પાસ કર્યા પછી મેં બી.કોમ.માં એડમિશન લીધું હતું અને છેલ્લા 6 મહિનાથી કાસમભાઇ સલીમભાઇ ચૌહાણ મારી સાથે ફોન ઉપર વાતચીત કરતો હતો અને મને તેની બાઈક ઉપર ફરવા માટે લઇ જતો હતો.
યુવતીએ આ અંગે જણાવ્યું હતું કે ઓક્ટોમ્બર-2024માં મને વડોદરા સ્થિત મારી કોલેજથી તેની બાઈક ઉપર બેસાડી છાણી તરફ ફરવા લઇ ગયો હતો અને ત્યારબાદ નવેમ્બર-2024માં પાદરા બસ ડેપોથી તે મને તેની બાઈક ઉપર બેસાડીને ફરવા જઇએ છે તેમ કહી ચાપડ ગામ સંતકબીર સ્કૂલ થઇ આગળ ટી.પી.રોડ ઉપર લઇ ગયો હતો અને બાઇક ત્યાં પાર્ક કરીને મને ઝાડીમાં લઇ ગયો હતો અને અગાઉ મારા તેની સાથેના ફોટા તેના ફોનમાં પડ્યા હતા, તે ફોટા મને બતાવ્યા હતા અને તું મને તારી સાથે શરીર સબંધ બાંધવા દે નહીં તો હું તારા ઘરનાને ફોટા બતાવી દઇશ તેમ કહી મારી સાથે મારી મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ હું કોલેજમાં જતી હોય ત્યારે મને આપણે ફરવા જવાનું છે તેમ કહી ફરીથી અગાઉ ચાપડ ગામ ખાતે લઇ ગયેલો. તે જગ્યા ઉપર લઇ જઇ મારી મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો ત્યારબાદ પણ મને તે અવાર-નવાર ફોન કરી ફરવા જવા માટે દબાણ કરતો હતો.
જાન્યુઆરી માસમાં છેલ્લી તારીખોમાં ફરવા જઇએ તેમ કહી લઇ ગયો હતો અને મારી સાથે ફરીથી મારી મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. દીકરીના વ્યવહારમાં ફેરફાર દેખાતા માતાએ હિંમત આપીને પૂછપરછ કરતાં દીકરીએ પોતાની આપવીતી જણાવી હતી. કાસમભાઇ સલીમભાઇ ચૌહાણએ તેણીના ફોટો વાઈરલ કરવાની ધમકી આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાની હકીકત જણાવી હતી. પાદરા હિન્દુ એકતા સંગઠનના અજયસિંહ પરમારે જણાવ્યું હતું કે, લવજેહાદની ઘટના બની છે, જેને લઈને આજે અમે હિન્દુ સંગઠન અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયાં છીએ. એક યુવકે કિશોરીને ફસાવી છે. આરોપીને કડકમાં કડક સજા થાય તેવી અમારી માગણી છે. પાદરા કરણી સેનાના અધ્યક્ષ મનીષસિંહ પરમારે જણાવ્યું હતું કે, યુવક દ્વારા હિન્દુ સમાજની દીકરી પર ધમકી આપીને અત્યાચાર કરવામાં આવ્યો છે, આરોપી પોતે એડવોકેટ છે તેમ કહીને દીકરીના પરિવારને દબાવવામાં આવી રહ્યો છે. આજે અમે લોકો અહીં આવ્યા છીએ અને આરોપીને પોલીસ સ્ટેશન લાવવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તે માંગ કરી રહ્યા છીએ.