182 વિધાનસભા બેઠક પર ફોર્મ નં. ૭ ભરનારને રૂબરૂ બોલાવી આધાર-પુરાવા ચકાસણી બાદ નામ કમી કરો : શૈલેષ પરમાર

Spread the love
કોંગ્રેસ ના દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમાર  સહિત જમાલપુર ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ભૂતપૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ

અમદાવાદ

રાજ્યમાં ચાલતી SIRની પ્રક્રિયામાં ભાજપ દ્વારા ચોક્કસ મતદારોના નામ કમી કરાવવા માટે ખોટાં ફોર્મ નંબર-7 ભરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. જેનાં પગલે ગઈકાલે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લને રૂબરૂ મળી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું ડેલીગેશન વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લીગલ સેલના ચેરમેન યોગેશભાઈ રવાણી, જીપીસીસીના મહામંત્રી ઈકબાલભાઈ શેખ, પ્રદેશ આગેવાન જુનેદ શેખ અને અહમદ બેનજીવાલાએ રજૂઆતો કરી હતી કે મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા સૌથી પહેલાં ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ પાસેથી સંપૂર્ણ માહિતી મેળવવામાં આવે અને તા. ૧૫થી ૧૮ જાન્યુઆરી દરમિયાન કેટલા ફોર્મ નં. ૭ ભરવામાં આવ્યા છે એની સંપૂર્ણ વિગતો જાહેર થવી જોઈએ. જે લોકોએ ફોર્મ નં. ૭ ભર્યા હોય છે તેમની જવાબદારી હોય છે કે એમણે તે અંગેના પુરાવા આપવાના હોય છે. એટલે અમારી માંગણી એ છે કે, વાંધો મુકનાર વ્યક્તિ પુરાવા કે અન્ય કોઈ આધાર ના આપે ત્યાં સુધી બીએલઓ મારફત ફોર્મ નં. ૭ મતદાર સુધી પહોંચાડવામાં ના આવે. આધાર-પુરાવા સાથે ફરિયાદ કરી હોય કે ફોર્મ નં. ૭ ભર્યું હોય એમના નામ કમી થાય એની સામે કોંગ્રેસ પક્ષને વાંધો નથી પરંતુ ભાજપ દ્વારા ખોટી રીતે, પૂર્વગ્રહ રાખી, સંવૈધાનિક અધિકાર છીનવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે, લોકતાંત્રિક પ્રક્રિયાને છિન્નભિન્ન કરવા માટેનો જે પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે.
બાપુનગરના વ્યક્તિઓ કમલેશ સદાશિવ ગોડસે, દુર્ગાબેન ઘનશ્યામભાઈ તિવારી, દિપકભાઈ તિવારી, દિપુભાઈ રામમુરત શર્માએ લેખિતમાં જણાવ્યું છે કે, નામ કમી કરવા માટે અમારા નામથી અને સહીથી ખોટી રીતે ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે નામ અને સહીનો ખોટો દુરુપયોગ કરીને ફોર્મ ભરનાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
ખોટી રીતે ફોર્મ ભરનાર વ્યક્તિએ આધાર-પુરાવા વગર ફોર્મ ભર્યા છે તો તેની સામે ઈલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ તાત્કાલિક ફરિયાદ દાખલ થવી જોઈએ અને ફોર્મ નં. ૭માં પણ એકરારનામાંમાં ઉલ્લેખ છે કે, ‘જે ખોટું છે તેમ હું જાણતો હોઉં કે માનતો હોઉં અથવા સાચું છે તેમ ન માનતો હોઉં તેવું (ખોટું) નિવેદન કે (ખોટો) એકરાર કરવો તે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ની કલમ ૩૧(૧૯૫૦ નો ૪૩) હેઠળ એક વર્ષ સુધી લંબાવી શકાય તેટલી મુદતની જેલ અથવા દંડ અથવા બંનેની શિક્ષાને પાત્ર છે.’ ત્યારે ખોટું ફોર્મ નં. ૭ ભરનાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
ફોર્મ નં. ૭ ખોટા ભરાવાના કારણે મતદારોમાં હડકંપ મચી ગયો છે ત્યારે અમારી માંગણી છે કે, તમામ ફોર્મ નં. ૭ની ચકાસણી ઈઆરઓ લેવલે થવી જોઈએ અને ફોર્મ નં. ૭ ભરનારને રૂબરૂ બોલાવી આધાર-પુરાવા સહિત નિષ્પક્ષ રીતે તેની ચકાસણી થવી જોઈએ અને ત્યારબાદ જ નામ કમી કરવા અંગેની આગળની કાર્યવાહી થવી જોઈએ. હાલ જે બીએલઓ દ્વારા મતદારોને ફોર્મ નં. ૭ અંગેની નોટીસ આપવામાં આવી છે તે તમામ પરત ખેંચવી જોઈએ.

શૈલેષ પરમારે વધુમાં જણાવ્યું કે ૫૪-દાણીલીમડા વિધાનસભામાં અંદાજે ૩૩,૬૦૦થી વધુ ફોર્મ નં. ૭ કોઈપણ આધાર-પુરાવા વગર ચોક્કસ રાજકીય પક્ષના બીએલએ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી છેલ્લા દિવસે વિધાનસભા દીઠ મતદાન ચૂંટણી અધિકારી પાસે જમા કરાવવામાં આવેલ છે. જેનાથી હક્કદાર નાગરિકનો મતદાનનો હક્ક છીનવાઈ જશે. SIRની પારદર્શિત કામગીરીને કલંકિત કરતું કાવતરું રચવામાં આવેલ છે.૫૪-દાણીલીમડા વિધાનસભામાં ચૂંટણી પંચના નિયમ વિરુદ્ધ આધાર-પુરાવા વિના જમા થયેલ ફોર્મ નં. ૭ ને સુધી પહોંચાડી તેને ઓનલાઈન કરવામાં ન આવે અને આવા તમામ ફોર્મ નં. ૭ ને તાત્કાલિક ધોરણે રદ્દ કરવા મારી માંગણી છે.

ખોટાં ફોર્મ ભરનારાં સામે પોલીસ ફરિયાદનો આદેશ

અધિકારીએ આદેશ કર્યો છે કે, ખોટી માહિતી અને ખોટા પુરાવાના આધારે ફોર્મ નંબર – 7 ભરીને કેટલીક વ્યકિતઓ દ્વારા મતદારોના નામ કઢાવવાના પ્રયાસની રજૂઆત કોંગ્રેસના નેતાઓએ કરી છે. જેમણે આમ કર્યું છે તેમની સામે લોક પ્રતિનિધિત્વ 1950 અને મતદાર નોંધણી નિયમો 1960ની પ્રવર્તમાન જોગવાઈના આધારે પોલીસ ફરિયાદ કરવાની તાકીદ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *