અમદાવાદ
અમદાવાદમાં આગામી ૮-૯ એપ્રિલે કૉન્ગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે એનું પ્રથમ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ અધિવેશન મળવા જઈ રહ્યું છે એમાં ઊડીને આંખે વળગે એવી બાબત એ બની રહી છે કે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આ અધિવેશનમાં સાબરમતી રિવરફ્રન્ટના બદલે સાબરમતી નદી તટનો શબ્દપ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીશ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી ૨૦૦૦થી વધુ પ્રતિનિધિઓ આવશે. અમે સાબરમતી નદી તટનો શબ્દપ્રયોગ એટલા માટે કરીએ છીએ કેમ કે મહાત્મા ગાંધીજી સૌથી પહેલાં અમદાવાદમાં કોચરબ ખાતે આવ્યા હતા જે સાબરમતી નદીના તટ પાસે છે. ગાંધીજીએ એ સમયે તેમની બધી જ મૂવમેન્ટ કરી એ સાબરમતી નદીના તટેથી કરીને દેશને દિશા આપી હતી. એથી કૉન્ગ્રેસ પણ મહાત્મા ગાંધીબાપુના
આદર્શોને વળગીને તેમના પથ પર ચાલતા સાબરમતી નદી તટ શબ્દનો ઉપયોગ કરી રહી છે અને સાબરમતી નદીના તટે અધિવેશન યોજી રહ્યા છીએ’ કૉન્ગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન માટે રિલીઝ કરેલા પ્રથમ પોસ્ટરમાં ‘ન્યાય પથ, સંકલ્પ-સમર્પણ-સંઘર્ષના લખાણ સાથે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નેહરુની ઐતિહાસિક તસવીર મૂકી છે. આ ઉપરાંત કૉન્ગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓ અને સ્થાનિક નેતાઓની તસવીરો મુકાઈ છે. આ અધિવેશનને લઈને ગુજરાત કૉન્ગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.