ગણેશોત્સવમાં મુંબઇ આકર્ષણનું કેન્દ્ર રહે છે પણ આ વખતે સુરત શહેરનો નંબર આવ્યો, સુવર્ણ મહેલથી લઈને પટાયાના કેન્ડીપાર્કની થીમના પંડાલ જોવા મળ્યા

Spread the love

ગણેશોત્સવમાં મુંબઇ વિશ્વ આખા માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. ઊંચી મૂર્તિઓ, લાઈટિંગ, ભપકાદાર ડેકોરેશન, ઢોલનગારા સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, એમાં પણ મુંબઈના ‘લાલબાગ કા રાજા’ના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે છે, ત્યારે ગુજરાતની અંદર સુરત શહેરમાં પણ માયા નગરી મુંબઇને ટક્કર મારે તેવા ગણેશોત્સવ યોજાઈ રહ્યો છે. સુરતમાં આ વર્ષે 80 હજારથી વધુ શ્રીજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કરોડોના ખર્ચ કરીને આગમન સહિત વિસર્જન સુધીનો ખર્ચ કરવામાં આવશે.
સુરતમાં શ્રીજી માટે ખૂબ જ મોટા પંડાલ અને 35 ફૂટ સુધીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાના સૌથી ધનિક ગણેશજી પણ સુરતમાં બિરાજમાન થયા છે. તો બીજી તરફ સુવર્ણ મહેલ ગણપતિ, પટાયાના કેન્ડી પાર્ક સહિતની વિવિધ થીમ ઉપર પંડાલ તૈયાર કરાયા છે. આ ઉપરાંત એક ગ્રુપ દ્વારા સુરતીઓ મુંબઇના સિદ્ધિવિનાયક આશીર્વાદ પ્રાપ્ત કરી શકે તે માટે ખાસ સિદ્ધિવિનાયક મંદિરથી અખંડ જ્યોત સુરત લાવવામાં આવી છે. જે સુરતના લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. આવો જાણીએ સુરતના ટોપ 10 ગણેશ પંડાલ વિશે…
સુરતના ભટાર ખાતે અંબાનગરમાં શિવ કૃપા સાર્વજનિક બાળ ગણેશ મંડળે આ વર્ષે સુવર્ણ મહેલની થીમ પર પંડાલને શણગાર્યો છે. જેમાં મહેલની વચ્ચે બાપાની મૂર્તિને સ્થાપિત કરી છે. આજુબાજુમાં ગોલ્ડન ઇફેક્ટ આપતી ગોલ્ડન વોલ બનાવવામાં આવી છે. આ સાથે મંડપના ફ્લોર અને ટોપના ભાગે મીરર ઇફેક્ટ આપવામાં આવી છે. જેથી ગોલ્ડન વોલનું રિફ્લેક્શન મંડપમાં ખીલી ઉઠ્યું છે. સાથે મંડપની શરૂઆતમાં ઓપરેશન સિંદૂરને ટ્રીબ્યુટ આપતી રંગોળી પણ બનાવવામાં આવી છે.
આ ગ્રુપ દ્વારા ગત વર્ષે હીરા મહેલની થીમ પર પંડાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના માટે ગ્રુપને ગણેશઉત્સવ સમિતિ દ્વારા પ્રથમ ક્રમ આપ ઇનામ આપવામાં આવ્યું હતું. આ ગ્રુપ દ્વારા ગણેશ પર્વ દરમિયાન વિવિધ સેવાકીય કાર્ય પણ કરવામાં આવે છે.
ઉધના સર્કલ ખાતેનું સરકાર ગ્રુપ દર વર્ષે મોટાપાયે ગણેશોત્સવ ઉજવે છે. આ વર્ષે તેમણે એક અનોખી પહેલ કરી છે. મુંબઇનાં સિદ્ધિ વિનાયક મંદિરમાંથી ભવ્ય અખંડ જ્યોત સુરત લાવવામાં આવી છે. આ જ્યોતના દર્શન થકી હવે સુરતીઓને પણ મુંબઇ ગયા વગર સિદ્ધિ વિનાયકનાં આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળશે.
સરકાર ગ્રુપના આગેવાન કલ્પેશ બારોટના જણાવ્યા મુજબ સિદ્ધિ વિનાયકની અખંડ જ્યોત સુરતમાં લાવવા માટે છેલ્લા 6 મહિનાથી સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં હતાં. અંતે બાપ્પાની કૃપાથી આ પ્રયત્નો સફળ રહ્યા અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ જ્યોત સુરતની જનતા માટે અર્પણ કરી છે. અખંડ જ્યોત સુરતના સિટીલાઈટ વિસ્તારમાં ભગવતી દર્શન બિલ્ડિંગ પાસે ગણેશ પંડાલમાં સ્થાપિત કરવામાં આવી છે જેનો ભક્તો સીધો લાહવો લઈ શકશે.
આ પ્રતિમાની સૌથી અનોખી વિશેષતા એ છે કે, તે પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) કે માટીમાંથી નહીં પરંતુ 350 કિલોગ્રામ ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. 16 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોંળી આ વિરાટ પ્રતિમાને મુંબઇના 15 કુશળ કારીગરોએ એક મહિનાની સખત મહેનત બાદ તૈયાર કરી છે. તેમની કારીગરી એટલી સૂક્ષ્મ અને સચોટ છે કે, પહેલી નજરે કોઇ વિશ્વાસ કરી શકતું નથી કે આ પ્રતિમા કાગળમાંથી બનાવી છે. આ પ્રતિમાની દરેક વિગત તેના આભૂષણોથી લઇને મુદ્રા સુધી અદ્ભૂત રીતે કોતરવામાં આવી છે. જે કલાકારોની કુશળતાનો પરિચય આપે છે.
આ ઇકો-ફ્રેન્ડલી પહેલ પાછળનો પ્રેરણાદાયક વિચાર ‘સરકાર ગણેશ ઉત્સવ’ મંડળના સાગર રાજપૂતનો છે. તેમણે જણાવ્યું હતું કે, મુંબઇમાં માધી ગણેશ ઉત્સવ દરમિયાન POPની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેનો વીડિયો જોઇને અમને આ ઇકો-ફ્રેન્ડલી ગણેશજી બનાવવાનો વિચાર આવ્યો. આનાથી આપણે પરંપરા જાળી શકીશું અને સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડવાથી બચી શકીશું.
પરંપરાગત રીતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન નદીઓ, તળાવો કે સમુદ્રમાં કરવામાં આવે છે, પરંતુ POP અને રાસાયણિક રંગોથી બનેલી પ્રતિમાઓ જળ પ્રદૂષણનું એક મુખ્ય કારણ બને છે. જે જળચર જીવો અને પર્યાવરણ માટે ગંભીર ખતરો ઊભો કરે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ઇકો-ફ્રેન્ડલી પ્રતિમા એક સકારાત્મક ઉકેલ પૂરો પાડે છે.
આ ગણેશજીનું વિસર્જન પરંપરાગત રીતે નદી કે સમુદ્રમાં કરવામાં આવશે નહીં. મંડળ દ્વારા પાર્ટી પ્લોટમાં એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. જેમાં આ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. કાગળની બનેલી હોવાથી તે પાણીમાં સરળતાથી ઓગળી જશે અને કોઇપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવશે નહીં. વિસર્જન બાદ બાકી રહેલા પલ્પનો ઉપયોગ ખાતર તરીકે થઈ શકશે, જે એક સંપૂર્ણપણે ટકાઉ ચક્ર પૂર્ણ કરશે. આ પહેલ અન્ય મંડળો અને ભક્તો માટે પણ એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.
ગુજરાતમાં એક એવા ગણેશજી છે જેમની અદ્ભુત પ્રતિમા અને ભવ્ય શણગાર સૌનું ધ્યાન ખેંચે છે. આ ગણેશજી સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલી દાળિયા શેરીમાં બિરાજમાન છે. તેમને ‘ગુજરાતના સૌથી ધનિક ગણેશજી’ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશજીનું આગમન લાખો રૂપિયાના 25 કિલો સોના-ચાંદીના ઘરેણાં અને રિયલ ડાયમંડના શણગાર સાથે થયું છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
દાળિયા શેરીના ગણેશજીને ગુજરાતના સૌથી ધનિક ગણેશજી કહેવામાં આવે છે. કારણ કે તેમની પાસે 25 કિલોથી વધુ સોના અને ચાંદીના દાગીના છે. આ દાગીના આખા વર્ષ દરમિયાન તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવે છે, અને માત્ર ગણેશ ઉત્સવ દરમિયાન જ બાપ્પાને પહેરાવીને પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ તમામ ઘરેણાં ભક્તો દ્વારા દાન સ્વરૂપે આપવામાં આવ્યા છે. આ વર્ષે પણ ગણેશજી 6 ફૂટ લાંબો, 1 કિલો સોના અને ચાંદીનો હાર પહેરીને પધાર્યા છે, જે તેમના કલેક્શનમાં એક નવો ઉમેરો છે.
પીપલોદના વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા આ વર્ષે કાશી ઘાટની થીમ બનાવવામાં આવી છે. જેમાં 26થી 30 ફૂટ હાઈટની બિલ્ડિંગ અને મંદિરો બનાવવામાં આવી છે. જે ઘાટની નજીક જ છે. આ સાથે જ વચ્ચે ગંગા નદી બનાવવી છે અને તેમાં બપ્પાને બિરાજમાન કર્યા છે. જેથી લોકોને કાશીના ઘાટ પર છીએ એવો અનુભવ થાય છે. અહીંયા ગંગા નદીનું જળ પણ નાખવામાં આવ્યું છે. ઘાટ નજીકનો લૂક આપવા માટે હિલટન શીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સંપૂર્ણ સેટ બનાવવા પાછળ અંદાજિત 10 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
હજીરા મોરા ભાટલાઈ ગામના મોન્સ્ટર આર્મી ગ્રુપ દ્વારા રામેશ્વરમ થીમ આધારિત ગણપતિ પંડાલ સાથે ત્રિશૂળ પણ બનાવવામાં આવ્યા છે. જે બનાવતા 3 મહિનાનો સમય લાગ્યો હતો. જેમાં 35 લોકો દરરોજ કામ કરતા હતા. મંડપની સાઈઝ 55 ફૂટ ઊંચો અને 30 ફૂટ પહોળો છે.
સુદામા કા રાજા સુરતમાં છેલ્લા 3 વર્ષથી મોટા વરાછા વિસ્તારમાં ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરે છે. આ કાર્યક્રમમાં વ્યસનમુક્તિ અભિયાન, કેન્સર નિદાન કેમ, પુસ્તક મેળો, મહિલા સશક્તિ કરણ માટે ભવ્ય મહિલા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દરરોજ 10,000 જેટલા ભાવિભક્તો પરિવાર સાથે દર્શન કરવા આવે છે. અહીં સુદામા કા રાજામાં આ વખતે 6G (ગૌ. ગંગા. ગાયત્રી, ગૌરી, ગીતા અને ગણપતિ) પર એક ભારત, શ્રેષ્ઠ ભારતની થીમ પર ભવ્ય વોટર પ્રૂફ ડોમની અંદર 8 ફૂટની માટીની મૂર્તિ મુકવામાં આવી છે. અહીં સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિતે સરદાર સાહેબ અને પ્રથમ રજવાડુ આપનાર કૃષ્ણકુમારસિંહજીની ભવ્ય મૂર્તિ મુકી એક ભારત, શ્રેષ્ઠ ભારતની થીમ પર સરદાર કથા તેમજ વિશેષ સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઠાકોરજી સેવા સમિતિ દ્વારા વર્ષ 1998થી નિરંતર ગણેશોત્સવનું ધામધુમથી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે મહેલની થીમ પર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લેઝર શો દ્વારા રામાયણનાં દૃશ્યો જીવંત કરવામાં આવ્યા છે. આ સિવાય સોનાના અદમ્ય સાહસ અને સૌર્ય પરાક્રમ રૂપી ઓપરેશન સિંદૂરનો પણ લેઝર શોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને શ્રીજીના દર્શન માટે આવતા ભક્તો માટે મંડળ દ્વારા રોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રતિદિન 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ મહાપ્રસાદનો લાભ લે છે.
સામાજિક અને ધાર્મિક સહિત રાષ્ટ્રવાદની થીમ પર ઠાકોરજી સેવા સમિતિ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે. બે વર્ષ અગાઉ બાર જ્યોર્તિંલિંગ અને ગત વર્ષે આદિયોગી અને અમરનાથ ગુફાનું એલઇડી થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 દિવસના આયોજન દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ બાપ્પાના દર્શન કર્યા હતા.
ઠાકોરજી સેવા સમિતિ દ્વારા કોઇપણ પ્રકારના સ્પોન્સર વિના સંસ્થાના 100 જેટલા સ્વયંસેવકોએ જ ગણેશોત્સવનો તમામ ખર્ચ ઉઠાવે છે. આ સિવાય ભટાર જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં ગણેશોત્સવના આયોજન દરમિયાન કોઇપણ પ્રકારની ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે તે માટે પણ મંડળના સ્વયંસેવકો દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવે છે.
ઠાકોરજી સેવા સમિતિ દ્વારા દેવાધિદેવ શ્રીજીની પ્રતિમા ભારે શ્રદ્ધા સાથે મુંબઇના કારીગરો પાસે બનાવવામાં આવે છે અને પ્રતિમાને અંતિમ ઓપ આપ્યા બાદ સમિતિના સ્વયંસેવકોના હસ્તે જ બાપ્પાની પ્રતિમાનું કલરકામ કરવામાં આવે છે. દુંદાળા દેવની સ્થાપના બાદ સંભવત: સુરતનું આ એક જ મંડળ છે જેના દ્વારા ગણેશોત્સવ દરમિયાન નિત્ય મંગળા આરતીનું પણ આયોજન કરે છે. જેમાં સ્વયંસેવકોની સાથે સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ આરતીનો લાભ લે છે.
નાનપુરા ખાતે આવેલા સેલર બાળ ગણેશ યુવક મંડળ દ્વારા પટાયાના કેન્ડી પાર્કની થીમ પર ગણેશ મંડપની ડિઝાઈન કરી છે. આ મંડપ સંપૂર્ણ એર કન્ડિશન્ડ છે જેમાં બાળકોને ધ્યાને રાખી આ વર્ષે કેન્ડી પાર્ક થીમનું આયોજન કર્યું છે. મંડપમાં આઇસ્ક્રીમ, કેન્ડી, ચોકલેટ સહિતની કૃતિઓના થર્મોકોલના મોડલ મુક્યા છે. સાથે જ મંડપના એન્ટ્રેન્સને પણ બાળકો માટે ખુબ જ આકર્ષક બનાવવામાં આવ્યો છે. આ મંડપ તૈયાર કરવા યુવક મંડળ છેલ્લા 6 મહિનાથી કામ કરી રહ્યું હતું. મંડપ તૈયાર કરતા તેમને 15 દિવસનો સમય લાગ્યો હતો.
સેલર બાળ ગણેશ યુવક મંડળના મીતેશ બંગાલી કહે છે, અમે દર વર્ષે બાળકો માટે કઈક નવું કરવાનું વિચારતા હોઈએ છીએ. તેથી આ વર્ષે કેન્ડી પાર્કની થીમ પસંદ કરી છે. આ મંડપમાં અમે ચોકલેટના ગણપતિ બાપ્પાને પણ વિરાજમાન કર્યા છે. જેમને કેક, આઈસ્ક્રીમ, ડોનટ વડે ડેકોરેટ કર્યા છે. સાથે અમે મંડપમાં સેલ્ફી પોઈન્ટ સહિતના સ્ટેન્ડ પણ ઉભા કર્યા છે. જેથી બાળકોને મંડપમાં પ્રવેશ કરવાથી આનંદ મળી શકે. અમે બાળકોને પ્રસાદમાં કેન્ડી, ચોકલેટ, આઈસ્ક્રીમ આપીએ છીએ. આ મંડપની હાઈટ 70 ફૂટ છે. આ વર્ષે ગણેશજીની સ્થાપના માટે અમે કુલ રૂ. 25 લાખનો ખર્ચ કર્યો છે.
અલથાણ-ભટાર કોમ્યુનિટી હોલ ખાતે સાંઇરામ યુવક મંડળ દ્વારા છેલ્લા 28 વર્ષથી ધામધૂમથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ગણપતિ ઉત્સવમાં ગણેશજીને કાનમાં પોતાની ઇચ્છા કહેવાથી પુરી થતી હોવાની માન્યતા છે. છેલ્લા 2 દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ પોતાની ઇચ્છા ગણેશજીના કાનમાં કહે છે. જેમની ઇચ્છા પુરી થાય તેવા 50થી 80 લોકો દર વર્ષે મંડપમાં ગણેશજીની મંગલમૂર્તિ મંડપમાં સ્થાપન કરે છે.
ગણેશ ઉત્સવમાં ભવ્ય ગણેશ મંડપ બનાવવામાં આવ્યો છે. દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન 10 દિવસ દરમિયાન રોજ 20થી 25 હજાર લોકો દર્શન માટે આવે છે. દર વર્ષે મંડપ અલગ થીમ પર બનાવવામાં આવે છે. જેને બનાવતા 1 મહિનાનો સમય લાગે છે. ગત વર્ષે જયપુરનો મહેલ બનાવવામાં આવ્યો હતો. ગણેશજીની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે મંડળ દ્વારા ગજરાજ થીમ પર મહેલ બનાાવવામાં આવ્યો છે. જેના માટે મુંબઈ અને કલકત્તાથી ખાસ કારીગરો બોલાવ્યા હતા. ગજરાજ થીમ પર મંડપ બનાવવા માટે કારીગરોને લગભગ એક મહિનાનો સમય લાગ્યો હતો. મંડપ 60 ફૂટ પહોળો, 150 ફૂટ લંબાઈ અને 50 ફૂટની ઉંચાઈ વાળો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *