પંજાબના 9 જિલ્લામાં પૂર, 29 લોકોના મોત: દિલ્હીમાં યમુનાનું જળસ્તર ભયજનક નિશાનને પાર

Spread the love

પંજાબના 9 જિલ્લામાં પૂર, 29 લોકોના મોત: દિલ્હીમાં યમુનાનું જળસ્તર ભયજનક નિશાનને પાર

 

દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ભયજનક નિશાનને પાર થયું છે. મંગળવારે સવારે 205.33 મીટરના ભયજનક નિશાનને પાર 205.80 મીટર પર પહોંચી ગયું હતું. નદીના વધતા જળસ્તરને કારણે દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ ઉભુ થયું છે. ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. યમુના બજાર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. છઠ ઘાટ ડૂબી ગયો છે. જૂનો લોખંડનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. હથિનીકુંડ બેરેજમાંથી 1.76 લાખ ક્યુસેક, વઝીરાબાદ બેરેજમાંથી 69,210 ક્યુસેક અને ઓખલા બેરેજમાંથી 73,619 ક્યુસેક પાણી છોડવામાં આવતાં યમુના નદીમાં પૂર આવ્યું છે. જેના કારણે દિલ્હીમાં પૂરનું સંકટ વધુ ઘેરુ બન્યું છે. ત્રણેય બેરેજમાંથી વધુ પાણી છોડવાને કારણે પાણી સતત વધી રહ્યું છે.
પંજાબના પઠાણકોટ, ફિરોઝપુર સહિત 9 જિલ્લાઓ એક અઠવાડિયાથી પૂરની ઝપેટમાં છે. રાજ્યના 1312 ગામોના 2.56 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પૂર અંગે મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાત્રે મુખ્યમંત્રી માન સાથે ફોન પર વાત કરી હતી અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. પંજાબમાં આવેલા પૂરને કારણે હરિયાણામાં પણ સ્થિતિ ખરાબ છે. બંને રાજ્યોમાં વહેતી નદીઓ પૂરની સ્થિતિમાં છે. હરિયાણામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. ભિવાની, હિસાર, સિરસા, યમુનાનગર, કુરુક્ષેત્ર અને પંચકુલામાં આજે કેટલીક સ્કૂલો બંધ રાખવામાં આવી છે. ગુરુગ્રામની ઓફિસોમાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ આપવામાં આવ્યા છે.
ઉત્તરાખંડના તમામ 13 જિલ્લાઓમાં સ્કૂલો- કોલેજો બંધ છે. સોમવારે ઉત્તરાખંડમાં કેદારનાથ રૂટ પર ભૂસ્ખલનમાં બે લોકોના મોત થયા હતા અને 6 લોકો ઘાયલ થયા હતા. ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા 5 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. આ વર્ષે ઓગસ્ટમાં હિમાચલ પ્રદેશમાં પડેલા વરસાદે 76 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. ગયા મહિને, સામાન્ય કરતાં 68% વધુ (256.8 મીમી) વરસાદ પડ્યો હતો. આ 1949 પછીનો સૌથી વધુ વરસાદ છે. છેલ્લા 24 કલાકમાં સિમલામાં ભૂસ્ખલન અને ઘર ધરાશાયી થવાથી 4 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે મંગળવારે હિમાચલના 6 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. 8 જિલ્લામાં સ્કૂલો અને કોલેજો બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *