
નવા ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ, ૨૦૨૫ હેઠળ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને પારસી લઘુમતી સમુદાયોને મોટી રાહત આપવામાં આવી છે. જે સ્થળાંતર કરનારાઓ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ અથવા તે પહેલાં માન્ય પાસપોર્ટ કે મુસાફરી દસ્તાવેજ વગર ભારતમાં પ્રવેશ્યા હતા, તેમને દંડનીય કાર્યવાહીમાંથી મુક્તિ મળશે. આ છૂટ સોમવારથી અમલમાં આવેલો નવો કાયદો “ઇમિગ્રેશન અને વિદેશીઓ (મુક્તિ) આદેશ, ૨૦૨૫” હેઠળ આપવામાં આવી છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક અત્યાચારને કારણે ભારત આવેલા લઘુમતીઓને કાનૂની સુરક્ષા પ્રદાન કરવાનો છે.
આ નવા કાયદા હેઠળ, નેપાળ અને ભૂટાનના નાગરિકો તેમજ તિબેટીયનોને પણ સમાન મુક્તિ આપવામાં આવી છે. ખાસ કરીને, જે તિબેટીયનો ૧૯૫૯ થી ૩૦ મે, ૨૦૦૩ ની વચ્ચે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલ વિશેષ પરમિટ પર ભારતમાં પ્રવેશ્યા હતા અને સંબંધિત વિદેશી નોંધણી અધિકારી સાથે નોંધાયેલા હતા, તેઓને પણ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જોકે, નેપાળ અને ભૂટાનના નાગરિકો જો ચીન, મકાઉ, હોંગકોંગ કે પાકિસ્તાન થઈને ભારતમાં પ્રવેશ કરે કે બહાર નીકળે, તો તેઓ આ મુક્તિના હકદાર રહેશે નહીં. આ જોગવાઈઓ સ્પષ્ટ કરે છે કે કાયદાનો હેતુ ભારતમાં શરણ લેનારાઓને સુરક્ષા આપવાનો છે, પરંતુ તે દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરતો નથી.
એપ્રિલમાં પસાર થયેલા કાયદાની કલમ ૨૧ અને ૨૩ માં ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશતા અને વધુ સમય સુધી રોકાતા વિદેશીઓ માટે કડક સજાની જોગવાઈઓ છે. કલમ ૨૧ હેઠળ, માન્ય પાસપોર્ટ કે વિઝા વિના ભારતમાં પ્રવેશનાર વિદેશીને પાંચ વર્ષ સુધીની જેલ અને/અથવા રૂ. ૫ લાખ સુધીનો દંડ થઈ શકે છે. તેવી જ રીતે, કલમ ૨૩ હેઠળ, વધુ સમય સુધી રોકાયેલા વિદેશીઓને ત્રણ વર્ષ સુધીની જેલ અને/અથવા રૂ. ૩ લાખનો દંડ થઈ શકે છે. આ કાયદાના અમલ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સત્તાઓ સોંપવામાં આવી છે. જોકે, નવા કાયદા દ્વારા કેટલીક કેટેગરીના લોકોને આ સજામાંથી મુક્તિ આપવામાં આવી છે.
નવા નિયમો મુજબ, વિવિધ કાનૂની ઉલ્લંઘનો માટે દંડ પણ નક્કી કરવામાં આવ્યા છે. મુક્તિ અપાયેલી શ્રેણીઓ સિવાય, માન્ય પાસપોર્ટ અને વિઝા વગર ગેરકાયદેસર પ્રવેશ માટે રૂ. ૫ લાખનો દંડ થશે. વિઝાની સમયસીમાથી વધુ રોકાણ માટે ગ્રેડેડ દંડની જોગવાઈ કરવામાં આવી છે: ૩૦ દિવસ સુધીના ઓવરસ્ટે માટે રૂ. ૧૦,૦૦૦, ૩૧-૯૦ દિવસ માટે રૂ. ૨૦,૦૦૦, ૯૧-૧૮૦ દિવસ માટે રૂ. ૫૦,૦૦૦ અને ૧૮૧ દિવસથી વધુ માટે રૂ. ૧ લાખનો દંડ ભરવો પડશે, જેમાં રોકાણના દરેક વધારાના વર્ષ માટે રૂ. ૫૦,૦૦૦ નો ઉમેરો થશે, જેની મર્યાદા રૂ. ૩ લાખ છે. આ કાયદો શિક્ષણ સંસ્થાઓ અને હોસ્પિટલો માટે પણ જવાબદારી નક્કી કરે છે, જેઓ વિદેશી વિદ્યાર્થીઓ અને દર્દીઓની વિગતો સબમિટ ન કરે તો તેમને રૂ. ૫૦,૦૦૦ થી રૂ. ૧ લાખ સુધીનો દંડ થઈ શકે છે.