મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ડેમ સાઇટથી 20 કિલોમીટર દૂર દોલતપુરા ગામ પાસેના હાઇડ્રો પ્રોજેક્ટના કુવામાં કામ કરી રહેલા 5 મજૂરો ડૂબી ગયા હતા. આ સમગ્ર ઘટના આજે બપોરે પોણા ચાર વાગ્યા આસપાસ બની હતી. મજૂરો હાઇડ્રો પાવર પ્રોજેક્ટના કુવામાં મશીનરી રિપેર કરવા માટે ગયા હતા અને કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અહીં પાણીનું લેવલ વધી ગયું હતું.
જેથી 20 જેટલા મજૂરો બહાર દોડી આવ્યા હતા જ્યારે 5 લોકોનો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આ મજૂરો મોરબીના પ્રખ્યાત જયસુખ પટેલની કંપની ઓરેવા ગૃપના કોન્ટ્રાક્ટના કર્મચારી હોવાનું આ બનાવમાં બચી ગયેલા એક કર્મચારીઓ જણાવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુની કામગીરી જારી છે.
રિપોર્ટર : વીરભદ્રસિંહ સીસોદીયા
ઘટનાની જાણ થતાં જ લુણાવાડાના ડીડીઓ, મામલતદાર અને ટાઉન પીઆઇ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો છે. બચાવ કામગીરી માટે લુણાવાડા ફાયર વિભાગ, 108 એમ્બ્યુલન્સ અને એસટીઆરએફની ટીમ પણ સ્થળ પર હાજર છે. એસબીઆરએફ દ્વારા લાપતા કર્મચારીઓની શોધખોળ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મહીસાગર SP સફીન હસને જણાવ્યું કે હાઇડ્રો પાવર પ્લાન્ટની અંદર કોઈ અગમ્ય કારણસર જે મેન્ટેનન્સની કામગીરી ચાલતી હતી અને એ મેન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે કેટલાક મજૂર સંપની અંદરની હતા, જે ખૂબ ઊંડી જગ્યા છે અને ત્યાંથી અચાનક પાણી જે છે અંદર આવી જતા કેટલાક લોકો ડૂબી જવાની આશંકા છે. અધિકૃત રીતે આંકડો કહેવો અત્યારે મુશ્કેલ છે. જે લોકો બચી ગયા છે એ તમામને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. SDRFની ટીમ, ફાયર વિભાગની ટીમ, રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ જે છે અત્યારે તમામ લોકો અહીંયા હાજર છે અને કેમેરા દ્વારા અને અન્ય ઉપકરણ દ્વારા અગર કોઈ વ્યક્તિ અંદર ડૂબી ગયું છે તો એની કોઈપણ પ્રકારની વિગત મેળવવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે.
આ પ્લાન્ટના કૂવામાં 5 કર્મીઓ ડૂબ્યાં ત્યારે ત્યાં હાજર રહેલા તેમના એક સહકર્મી મનીષ માછીએ જણાવ્યું કે પ્લાન્ટના કૂવામાં મશીન રીપેરીંગનું કામ ચાલતું હતું અને માણસો કામ કરતા હતા ત્યારે એકદમ પાણી આવી ગયું. પાણી છોડવામાં આવશે એવું અમને કહેવામાં આવ્યું હતું, પણ અમને પ્રોજેક્ટ વાળાએ આટલા મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવશે એવું ન હતું કહ્યું. અમને પ્રોજેક્ટના પાણીના લેવલની જાણ કરવામાં આવી ન હતી, નહીંતર બધા બહાર આવી જાત. આ કર્મચારીઓ જયસુખ પટેલની ઓરેવા કંપની માટે કામ કરતા હતા.
મહિસાગરમાં કડાણા ડેમના દોલતપુરા ડેમ પર સ્થિત 12 મેગાવોટ (4 મેગાવોટના 3 ટર્બાઇન) નો રન-ઓફ-ધ-રિવર હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ-AEPL ચલાવી રહી છે. કંપનીનો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ-GUVNL સાથે 35 વર્ષનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ-PPA છે જેના હેઠળ તે ઉત્પન્ન થતી વીજળીને નિશ્ચિત દરે વેચશે. આ પ્રોજેક્ટનું વાણિજ્યિક સંચાલન માર્ચ 2018 થી શરૂ થયું હતું.
લાપતા થયેલા કર્મચારીઓના નામ
- શૈલેષભાઈ શામજીભાઈ માછી – (ગામ: દોલતપુરા, જિ. મહિસાગર)
- શૈલેષભાઈ રમણભાઈ માછી – (ગામ: દોલતપુરા, જિ. મહિસાગર)
- ભરતભાઈ અખમાભાઈ પાદરીયા (ગામ :દધાલિયા જિ. મહિસાગર)
- અરવિંદભાઈ ડામોર – ઓકલીયા
- નરેશભાઈ – વાયરમેન, ગોધરા
મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ડેમ સાઇટથી 20 કિલોમીટર દૂર દોલતપુરા ગામ પાસેના હાઇડ્રો પ્રોજેક્ટના કુવામાં કામ કરી રહેલા 5 મજૂરો ડૂબી ગયા હતા. આ સમગ્ર ઘટના આજે બપોરે પોણા ચાર વાગ્યા આસપાસ બની હતી. મજૂરો હાઇડ્રો પાવર પ્રોજેક્ટના કુવામાં મશીનરી રિપેર કરવા માટે ગયા હતા અને કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અહીં પાણીનું લેવલ વધી ગયું હતું. જેથી 20 જેટલા મજૂરો બહાર દોડી આવ્યા હતા જ્યારે 5 લોકોનો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આ મજૂરો મોરબીના પ્રખ્યાત જયસુખ પટેલની કંપની ઓરેવા ગૃપના કોન્ટ્રાક્ટના કર્મચારી હોવાનું આ બનાવમાં બચી ગયેલા એક કર્મચારીઓ જણાવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુની કામગીરી જારી છે.