
આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ માટે સમાચારમાં છે. તાજેતરમાં જ ફિલ્મનો તેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે, જેમાં તે આર્મી યુનિફોર્મમાં મજબૂત અંદાજમાં જોવા મળી રહ્યો છે. ચાહકો તેના નવા લુકની પ્રશંસા કરી રહ્યા છે. સલમાન ખાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નો ફર્સ્ટ લુક શેર કર્યો છે. આ ફોટામાં તે આર્મી યુનિફોર્મમાં, માથામાંથી લોહી ટપકતું અને જાડી મૂછો સાથે દેશભક્તિના રંગોમાં જોવા મળે છે. ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ 2020માં ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે થયેલી ખતરનાક અથડામણ પર આધારિત છે. જે એક પણ ગોળી ચલાવ્યા વિના લડવામાં આવી હતી. આ યુદ્ધ 15,000 ફૂટની ઊંચાઈ પર લડવામાં આવ્યું હતું. આ ફિલ્મ સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને અપૂર્વ લાખિયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સલમાનની સાથે એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ જોવા મળશે. ઉપરાંત ફિલ્મમાં ઘણા નવા ચહેરાઓ પણ જોવા મળશે. ફિલ્મમાં સલમાન કર્નલ બી. સંતોષ બાબુની ભૂમિકામાં જોવા મળશે. હિમેશ રેશમિયાએ ફિલ્મનું મ્યુઝિક આપ્યું છે. તાજેતરમાં, સલમાન ખાને લદ્દાખમાં શૂટિંગના પડકારો વિશે વાત કરી હતી. PTI સાથે વાત કરતા તેણે કહ્યું કે, તે શારીરિક રીતે પડકારજનક છે. પહેલાં, હું ભૂમિકા માટે થોડા અઠવાડિયા તાલીમ લઈ તૈયાર થઈ જતો હતો. હવે તેમાં વધુ સમય લાગે છે. આ ફિલ્મમાં દોડવા, લાત મારવા અને મુક્કા મારવા જેવી ઘણી બધી એક્શનની જરૂર હતી, તેમજ ઊંચાઈ અને બરફીલા પાણી જેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. જે મારા માટે થોડો મુશ્કેલ અનુભવ રહ્યો.