અમદાવાદ શહેરમાં 66 ગરબા આયોજકો પર લટકતું ગાજર, પોલીસે એકપણને મંજૂરી આપી નહી.. શું હવે ગરબા નહિ થાય?

Spread the love

 

આગામી 22 સપ્ટેમ્બરથી માં દુર્ગાની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થશે. રાજ્યમાં ઠેર ઠેર નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ અનેક સ્થળો પર ગરબાની રમઝટ માટે તૈયારીઓ શરૂ કરાઈ છે.પોલીસે નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રિમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરશે.

તમામ નિયમોના પાલન બાદ પોલીસ દ્વારા મંજૂરી અપાશે
નવરાત્રિના આયોજન અંગે ડીસીપી રીમા મુન્શીએ કહ્યું હતું કે, અમદાવાદમાં નવરાત્રિના ગરબા માટે કૂલ 66 આયોજકોએ પોલીસની મંજૂરી માટે અરજી કરી છે. પોલીસે હજી સુધી એક પણ આયોજકને મંજૂરી આપી નથી. પોલીસ ગરબાના ગ્રાઉન્ડ પર રૂબરૂ મુલાકાત કરશે. આયોજકો પાસે ફાયર એનઓસી છે કે નહીં તેમજ ગરબા તેમજ પાર્કિંગ વિસ્તારમાં સીસીટીવી છે કે નહીં તેવા તમામ નિયમોના પાલન બાદ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવશે.

ગરબા આયોજકે પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે
ડીસીપી રીમા મુન્શીએ વધુમાં કહ્યું હતું કે, કોઈપણ ગરબા આયોજકે પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. ગરબાના ગ્રાઉન્ડની આસપાસ ટ્રાફિક જામ ના થાય તે માટે સ્વયં સેવકોની મદદ લેવી પડશે. પોલીસ પણ ગરબા ગ્રાઉન્ડની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. ગરબા ગ્રાઉન્ડમાં આયોજકો દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટેજ જેવા સ્ટ્રક્ચર માટે પીડબલ્યૂડીમાંથી મંજૂરી લેવી પડશે. તમામ નિયમોનું પાલન કર્યા બાદ જ આયોજકોને ગરબાની મંજૂરી આપવામાં આવશે.

નવરાત્રિ સમયે શી ટીમ પણ પેટ્રોલિંગ કરશે
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જણાવાયું હતું કે, પોલીસે નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રિમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરશે નવરાત્રિ સમયે શી ટીમ પણ પેટ્રોલિગ કરશે લોકો કાયદામાં રહીને નવરાત્રિ ઉજવે તેવી અપીલ કરવામાં આવે છે. નોટિફિકેશન પ્રમાણે નવરાત્રિમાં ગરબાનો સમય 12 વાગ્યા સુધીનો છે. કોઇપણ દુર્ઘટના થાય તો પીસીઆર વાનને કોઈ હદ નહીં નડે. પહેલા હદની સમસ્યાને કારણે કોઈ પ્રતિસાદ મળતો નહોતો. ટ્રાફિક નિવારવા માટે વધારાનો બંદોબસ્ત ગોઠવાશે. એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર બંદોબસ્ત ગોઠવાશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *