
ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ જે જિલ્લામાં હજી ચોમાસાની વિદાય થવાની બાકી છે ત્યારે આગામી 23 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે 22 અને 23 સપ્ટેમ્બરે પ્રથમ અને બીજા નોરતામાં પણ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાયના 28 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ભુજ અને ડીસામાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે.
હવામાન વિભાગ દ્વારા 17 થી 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 તારીખથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે 22 અને 23 પ્રથમ બે નોરતા દરમિયાન પણ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. ડીસા અને ભુજમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ આગામી દિવસોમાં વરસાદની કોઈ શક્યતા નથી. તે સિવાયના જિલ્લાઓમાં હજી પણ ચોમાસાની વિદાય થવાની બાકી હોય છુટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.