નવી સિસ્ટમ સક્રિય થતા હવે ફરી વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે
22 સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે
ગુજરાત રાજ્યમાં હાલ તો વરસાદે કેટલાક વિસ્તારોમાં વિરામ લીધો છે. નવી સિસ્ટમ સક્રિય થતા હવે ફરી વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. ત્યારે નવરાત્રિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદને લઈ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવરાત્રિના તહેવારમાં ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલની આ આગાહીને લઈ નવરાત્રીના ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી છે. આગાહી પ્રમાણે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદનું વિઘ્ન આવી શકે છે. 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યાર બાદ 25 સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે, જે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે. આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.
22 અને 23 પ્રથમ બે નોરતા દરમિયાન પણ વરસાદ વરસી શકે છે
ઉલ્લેખનીય છે કે 1થી 3 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. વરસાદની સાથે સાથે નવરાત્રિમાં ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધુ રહેશે, જેનાથી ખેલૈયાઓને મુશ્કેલી પડી શકે છે. 22 તારીખથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે 22 અને 23 પ્રથમ બે નોરતા દરમિયાન પણ વરસાદ વરસી શકે છે.
બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનશે
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનશે જે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે ચોમાસાના વિદાયના પડઘમ વાગી રહ્યા છે. ચોમાસાની વિદાય ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનના અન્ય ભાગમાંથી વિદાય થવાની શક્યતા છે.