
ગુરુવારે મોડી રાત્રે હિમાચલ પ્રદેશના કિન્નૌરના થાચ ગામમાં વાદળ ફાટ્યું. પૂરના પાણીમાં બે વાહનો તણાઈ ગયા. લોકો રાતોરાત પોતાના ઘર છોડીને સલામત સ્થળે દોડી ગયા હતા. સિમલામાં એડવર્ડ સ્કૂલ પાસે પણ ભૂસ્ખલન થયું છે. ઘટનાના 16 કલાક બાદ કાટમાળમાંથી એક વ્યક્તિ જીવતો મળી આવ્યો છે. સિમલાની લાઈફલાઈન કહેવાતો, સર્ક્યુલર રોડ બંધ છે. એડવર્ડ સ્કૂલ દિવસભર માટે બંધ રાખવામાં આવી છે. કુમારસેનના કરેવથીમાં એક ત્રણ માળનું મકાન પણ ધરાશાયી થયું છે. રાજ્યમાં પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં 424 લોકોનાં મોત થયા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના નંદનગરમાં વાદળ ફાટવાથી આશરે 35 ઘરોને નુકસાન થયું હતું. 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. 14 લોકો ગુમ થયા હતા. 200 લોકો અસરગ્રસ્ત થયા હતા. કાટમાળ નીચે દસ લોકો ફસાયા હોવાની આશંકા છે. દેહરાદૂન-મસૂરી રોડ હજુ પણ ક્ષતિગ્રસ્ત છે. મસૂરીમાં લગભગ 2,000 પ્રવાસીઓ સુરક્ષિત છે. આ દરમિયાન, ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં રિહંદ ડેમ આ વર્ષે પાંચમી વખત છલકાઈ ગયો. કૌશાંબીમાં વીજળી પડવાથી બે મહિલાઓના મોત થયા.