
અમેરિકા હવે H-1B વિઝા માટે $100,000 (આશરે 88 લાખ રૂપિયા) અરજી ફી વસૂલશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે વ્હાઇટ હાઉસ ખાતે આ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. અગાઉ H-1B વિઝા માટે અરજી ફી 100,000થી 600,000 રૂપિયા હતી. વધુમાં “ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ,” “ટ્રમ્પ પ્લેટિનમ કાર્ડ,” અને “કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ” જેવી સુવિધાઓ પણ રજૂ કરવામાં આવી છે. ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ વ્યક્તિઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં અમર્યાદિત રહેઠાણનો અધિકાર આપે છે. આ ફેરફાર સાથે કંપનીઓ ફક્ત શ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને જ અમેરિકા લાવી શકશે. આની સીધી અસર ભારતીય આઇટી વ્યાવસાયિકો પર પડશે. આ ફેરફારો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.
યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે હાલમાં દર વર્ષે આશરે 2,81,000 લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે, પરંતુ તેમાંના મોટા ભાગના લોકો સરેરાશ માત્ર $66,000 (લગભગ 58 લાખ રૂપિયા) કમાય છે અને ઘણીવાર સરકારી સહાય પર આધાર રાખે છે. લુટનિકે કહ્યું,”બધી કંપનીઓ H-1B વિઝા માટે વાર્ષિક $100,000 ચૂકવવા તૈયાર છે. અમે તેમની સાથે વાત કરી છે. જો તમે કોઈને ટ્રેનિંગ આપવા જઈ રહ્યા છો તો અમેરિકન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલeને જ ટ્રેનિંગ આપો. અમેરિકનોને ટ્રેનિંગ આપો. આપણી નોકરીઓ છીનવી લેવા માટે વિદેશથી લોકોને લાવવાનું બંધ કરો”. લુટનિકના મતે, ગોલ્ડ કાર્ડની ભારે ફી સુનિશ્ચિત કરશે કે ફક્ત સૌથી લાયક અને ટોપ ક્લાસ કર્મચારીઓ જ લાંબા સમય સુધી યુએસમાં રહી શકે છે. તેમણે કહ્યું, “આ સિસ્ટમ પહેલા અન્યાયી હતી, પરંતુ હવે અમે ફક્ત એવા લોકોને જ નોકરી પર રાખીશું, જેઓ ખરેખરમાં લાયક છે.” લુટનિકે જણાવ્યું હતું કે ગોલ્ડ કાર્ડ હાલના EB-1 અને EB-2 વિઝાનું સ્થાન લેશે અને એ ફક્ત તે લોકો માટે જ ઉપલબ્ધ રહેશે, જેઓ યુનાઇટેડ સ્ટેટ્સ માટે “લાભકારી” માનવામાં આવે છે. સરકાર શરૂઆતમાં લગભગ 80,000 ગોલ્ડ કાર્ડ જારી કરવાની યોજના ધરાવે છે. લુટનિકે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ યુનાઇટેડ સ્ટેટ્સ માટે $100 બિલિયનની આવક પેદા કરશે.
ગયા વર્ષે ભારત H-1B વિઝાનો સૌથી મોટો લાભાર્થી હતો, જે મંજૂર થયેલા વિઝાના 71% હિસ્સો ધરાવે છે. ચીન 11.7% સાથે બીજા ક્રમે હતું. ભારતીય IT/ટેક કંપનીઓ દર વર્ષે હજારો કર્મચારીઓને H-1B કોન્ટ્રેક્ટ પર યુએસ મોકલે છે. જોકે આટલી ઊંચી ફી પર લોકોને યુએસ મોકલવાથી હવે કંપનીઓ માટે ઓછો નફાકારક રહેશે. H-1B વિઝાધારકોમાં ભારતીયો 71% છે, અને આ નવી ફી તેમના માટે મોટો નાણાકીય બોજ બની શકે છે. મધ્યમ અને પ્રવેશ સ્તરના કર્મચારીઓ માટે વિઝા મેળવવા મુશ્કેલ બનશે. કંપનીઓ નોકરીઓનું આઉટસોર્સિંગ કરી શકે છે, જેનાથી અમેરિકામાં ભારતીય વ્યાવસાયિકો માટે તકો ઘટી શકે છે. એ નોંધવું યોગ્ય છે કે ભારત દર વર્ષે લાખો એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સ સ્નાતકો ઉત્પન્ન કરે છે, જેઓ અમેરિકાના ટેક ઉદ્યોગમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, કોગ્નિઝન્ટ અને એચસીએલ જેવી કંપનીઓ તેમના કર્મચારીઓ માટે H-1B વિઝા સ્પોન્સર કરે એવી શક્યતા સૌથી વધુ છે. એવું કહેવાય છે કે ભારત અમેરિકામાં માલ કરતાં વધુ લોકો – એન્જિનિયરો, કોડર્સ અને વિદ્યાર્થીઓ – નિકાસ કરે છે. હવે ઊંચી ફી સાથે ભારતીય પ્રતિભા યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને મધ્યપૂર્વમાં સ્થળાંતર કરશે.
વ્હાઇટ હાઉસના સ્ટાફ સેક્રેટરી વિલ શાર્પે જણાવ્યું હતું કે H1-B વિઝા પ્રોગ્રામ સૌથી વધુ દુરુપયોગ થતી વિઝા સિસ્ટમોમાંની એક છે. એનો હેતુ ઉચ્ચ કુશળ કામદારોને એવાં ક્ષેત્રોમાં કામ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાની મંજૂરી આપવાનો છે, જ્યાં અમેરિકનો રોજગારી ધરાવતા નથી. વિલ શાર્ફે કહ્યું, “નવા નિયમ હેઠળ કંપનીઓ H-1B વિઝા પર તેમના કર્મચારીઓને સ્પોન્સર કરવા માટે $100,000 ફી ચૂકવશે. આનાથી ખાતરી થશે કે વિદેશથી અમેરિકા આવતા લોકો ખરેખર ઉચ્ચ કુશળ છે અને તેમની જગ્યાએ અમેરિકન કામદારો ન આવી શકે.” યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે બધી કંપનીઓ H-1B વિઝા માટે વાર્ષિક $100,000 ચૂકવવા તૈયાર છે. અમે તેમની સાથે વાત કરી છે. જો તમે કોઈને તાલીમ આપવા જઈ રહ્યા છો તો અમેરિકન યુનિવર્સિટીમાંથી સ્નાતકને તાલીમ આપો. અમેરિકનોને તાલીમ આપો. અમારી નોકરીઓ છીનવી લેવા માટે વિદેશથી લોકોને લાવવાનું બંધ કરો.
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ એ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલી એક નવી ઇમિગ્રેશન યોજના છે. એનો ઉદ્દેશ શ્રીમંત વિદેશીઓને યુએસ નાગરિકતા મેળવવાનો સરળ માર્ગ પૂરો પાડવાનો છે.
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ: $1 મિલિયન (આશરે ₹8.8 કરોડ)ની ચુકવણી માટે, તમને યુએસમાં અમર્યાદિત રહેઠાણ મળશે. આ માટે $15,000 (₹13 લાખ) ચકાસણી ફી અને સખત તપાસની જરૂર પડશે.
પ્લેટિનમ કાર્ડ: આ કાર્ડ $5 મિલિયન (આશરે રૂ. 41.5 કરોડ)માં ઉપલબ્ધ છે, જે ધારકોને વર્ષમાં 270 દિવસ યુએસમાં રહેવાની મંજૂરી આપે છે અને વિદેશી આવક પર કરમાંથી મુક્તિ આપે છે. આ કાર્ડને કોંગ્રેસની મંજૂરીની જરૂર છે.
કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ: કંપનીઓ તેમના કર્મચારીઓ માટે પ્રતિ કર્મચારી $2 મિલિયન (રૂ. 1.76 કરોડ) ચૂકવીને રહેઠાણનો લાભ મેળવી શકે છે.
ટ્રમ્પની પત્ની મેલાનિયાને 1996માં H1-B વિઝા મળ્યો હતોઃ
H1-B વિઝા કાર્યક્રમ 1990માં અમેરિકામાં એવા લોકો માટે રજૂ કરવામાં આવ્યો હતો, જેમની પાસે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત અથવા એવા વિષયોમાં સ્નાતક અથવા ઉચ્ચ શિક્ષણની ડિગ્રી છે, જેમાં નોકરીઓ શોધવી મુશ્કેલ માનવામાં આવે છે. H-1B વિઝા ત્રણથી છ વર્ષ માટે મંજૂર થાય છે. ટ્રમ્પનાં પત્ની અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પને મોડેલિંગ માટે ઓક્ટોબર 1996માં H-1B વિઝા મળ્યો હતો. મેલાનિયાનો જન્મ સ્લોવેનિયામાં થયો હતો. અત્યારસુધી અમેરિકા લોટરી સિસ્ટમ દ્વારા વાર્ષિક 85,000 H-1B વિઝા આપી રહ્યું છે. આ વર્ષે, એમેઝોનને અત્યારસુધી સૌથી વધુ H-1B વિઝા મળ્યા છે. એમેઝોનને 2025 સુધીમાં 10,000થી વધુ વિઝા મળવાની અપેક્ષા છે. એ પછી TCS, માઇક્રોસોફ્ટ, એપલ અને ગૂગલનો ક્રમ આવે છે.