
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઈલોન મસ્ક મહિનાઓ સુધી ચાલેલા સંઘર્ષ પછી પહેલીવાર એક મંચ પર સાથે દેખાયા છે. તેમણે હાથ પણ મિલાવ્યા અને વાતચીત પણ કરી હતી. આ મુલાકાત એરિઝોનાના ગ્લેન્ડેલમાં એક કાર્યક્રમમાં થઈ હતી, જ્યાં હજારો લોકો જમણેરી એક્ટિવિસ્ટ ચાર્લી કિર્કને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા હતા. આનાથી બંને વચ્ચે સંભવિત સમાધાન અંગે અટકળો શરૂ થઈ ગઈ છે.
એરિઝોનાના ગ્લેન્ડેલમાં સ્ટેટ ફાર્મ સ્ટેડિયમ ખાતે કિર્કની યાદમાં એક વિશાળ જાહેરસભા યોજાઈ હતી. ટર્નિંગ પોઇન્ટ યુએસએના સ્થાપક ચાર્લીને યાદ કરતાં મસ્ક અને ટ્રમ્પ કેમેરામાં સામે હાથ મિલાવતા જોવા મળ્યા હતા. કાર્યક્રમના સ્ટેજ પરથી ટ્રમ્પ અને મસ્કના ફોટા અને વીડિયો સામે આવ્યા છે. તેઓ બુલેટપ્રૂફ કાચ પાછળ બાજુમાં બેઠા અને વાતો કરતા દેખાયા. આ વર્ષે મે મહિનામાં થયેલા ઝઘડા પછી આ પહેલીવાર છે, જ્યારે બંને સાથે જોવા મળ્યા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ઘણા લોકો પૂછી રહ્યા છે કે શું તેમની વચ્ચેની કડવાશ ખતમ થઈ ગઈ છે.
વિશ્વના સૌથી શક્તિશાળી ઉદ્યોગપતિઓમાંના એક ઈલોન મસ્કે ગયા વર્ષે યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું હતું. ચૂંટણી દરમિયાન અને પછી બંને નજીકના સાથીઓ તરીકે એક જ મંચ પર દેખાતા હતા, જોકે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યાના થોડા મહિના પછી જ બંને વચ્ચે બિગ બ્યૂટિફુલ બિલ પર વિવાદ થયો. ટ્રમ્પે બિલને ટેકો આપ્યો, જ્યારે મસ્કે એનો વિરોધ કર્યો. બંને વચ્ચે કટાક્ષ અને ઉગ્ર પ્રહાર થયા હતા.
મસ્કે ટ્રમ્પની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં $270 મિલિયનથી વધુનું દાન આપ્યું હતું અને બાદમાં તેમના સલાહકાર બન્યા હતા. ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન મસ્કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)નું નેતૃત્વ કર્યું હતું. આ અંતર્ગત મોટી સંખ્યામાં સરકારી નોકરીઓમાં કાપ મૂકવામાં આવ્યો હતો.
જોકે પાછળથી તેમના સંબંધો બગડ્યા. મે મહિનામાં મસ્કે ટ્રમ્પના ટેક્સ અને ખર્ચ બિલને પાગલ-વિનાશક ગણાવ્યું. આને કારણે સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ભારે વિવાદ થયો હતો. મસ્કે ટ્રમ્પ પર એપ્સટિન ફાઇલ્સમાં નામ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે જુલાઈમાં કહ્યું હતું કે તેઓ મસ્કને દેશનિકાલ કરવાનું વિચારશે. તણાવ બાદ મસ્કે પોતાની અલગ અમેરિકા ફર્સ્ટ પાર્ટીની બનાવવાની જાહેરાત કરી હતી.
10 સપ્ટેમ્બરના રોજ ઉટાહના ઓરેમમાં ઉટાહ વેલી યુનિવર્સિટી (UVU) કેમ્પસમાં એક સેશન દરમિયાન ચાર્લી કિર્કની હત્યા કરવામાં આવી હતી. ભારે ભીડ વચ્ચે તેમને ગોળી મારી દીધી હતી. 22 વર્ષીય ટાયલર રોબિન્સન પર તેની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તપાસ એજન્સીનું કહેવું છે કે તેણે તેના પાર્ટનરને મેસેજ કરીને કહ્યું કે તેણે કિર્કની હત્યા કરી, કારણ કે તે તેને નફરત કરતો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પના સાથી અને જમણેરી પ્રભાવક ચાર્લી કિર્ક લાંબા સમયથી જાહેર જીવનમાં સક્રિય હતા. 2012માં માત્ર 18 વર્ષની ઉંમરે ચાર્લી કિર્કે ટર્નિંગ પોઇન્ટ યુએસએ (TPUSA)ની સ્થાપના કરી, જે અમેરિકાના અગ્રણી રૂઢિચુસ્ત વિદ્યાર્થી સંગઠન છે. આ સંગઠને 2024ની ચૂંટણી માટે યુવા રૂઢિચુસ્ત મતદારોને એકત્ર કર્યા, જેનાથી ટ્રમ્પની જીતમાં મોટું યોગદાન મળ્યું.