રાજ્યમાં કોવિડ કાળમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારને રૂ. ૪ લાખની સહાય, કોવિડ કાળમાં મૃત્યુ અંગે સરકારની ઘોર બેદરકારીની ન્યાયિક તપાસ, સરકારી કર્મચારીના નિધન બાદ પરિવારના સભ્યને રહેમરાહે નોકરી, કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ ખર્ચની ચૂકવણી કરવાની માંગણી સાથે ભાજપ સરકારની કોરોના કાળમાં અસંવેદનશીલતા, આયોજનનો અભાવ, ગુનાહિત બેદરકારી અંગે આકરા પ્રહાર કરતાં ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાની ૯ નગરપાલિકાઓ પૈકી ૬ નગરપાલિકાના મૃત્યુ રજીસ્ટરમાં એપ્રિલ-૨૦૧૯ની સરખામણીએ એપ્રિલ-૨૦૨૧માં ૧,૨૫૭થી વધુ મૃત્યુ નોંધાયા છે. પરંતુ સરકારના દાવા મુજબ, એપ્રિલ-૨૦૨૧માં અમરેલીના ગ્રામ્ય સહિત સમગ્ર જિલ્લામાં માત્ર ૧૪ લોકોના કોવિડથી મોત થયા છે. અમરેલીમાં બે મહિનામાં ૧,૧૬૧ અગ્નિસંસ્કાર થયા, બાકીના બાજુના ગામમાં અગ્નિસંસ્કાર માટે જવાની ફરજ પડી. સ્થાનિક મુસ્લિમ કબ્રસ્તાનમાં ૧૦૦ જેટલી દફનવિધિ થઈ. રાજ્યની ૧૭૦ નગરપાલિકાઓમાંથી ૬૮ નગરપાલિકાઓમાં કોરોના સમયમાં થયેલ મૃત્યુના આંકડાઓનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે, માર્ચ, ૨૦૨૦થી એપ્રિલ, ૨૦૨૧ સુધીમાં ૧૬,૮૯૨થી વધારે મૃત્યુ થયા છે અને સમગ્ર રાજ્યમાં આંકડાઓને વિસ્તારિત કરવામાં આવે તો ગુજરાતમાં વાસ્તવિક મૃત્યુના આંકડા ઓછામાં ઓછા ૨ લાખ ૮૧ હજાર જેટલા થાય. કોરોના કાળમાં થયેલ મૃત્યુ અંગે નામદાર વડી અદાલતે રાજ્ય સરકારને ફટકાર લગાવી કે, રાજ્ય સરકાર દ્વારા સચોટ ડેટા પ્રકાશિત કરવામાં આવે. તેમ છતાં રાજ્ય સરકાર કોરોના મહામારીની બે લહેરમાં ૧૦,૦૭૫નો સત્તાવાર મૃત્યુનો આંકડો જાહેર કરે છે. હકીકતમાં, રાજ્ય સરકારના સત્તાવાર મૃત્યુ નોંધણી રજીસ્ટર મુજબ મૃત્યુની સંખ્યા ભયાનક છે. રાજ્યની ૧૭૦ નગરપાલિકામાંથી ૬૮ નગરપાલિકામાં મૃત્યુ રજીસ્ટરની નકલના આધારે નિષ્ણાતોના વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે માર્ચ ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ના ગાળાના અગાઉના વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૯માં આ જ સમયગાળાની સરખામણીએ ૧૬,૮૯૨થી વધુના મૃત્યુ થયા છે.૬૮ નગરપાલિકાઓમાં રાજ્યની કુલ વસ્તીનો ૬% ભાગ વસવાટ કરે છે. સામાન્ય રેશિયો મુજબ અંદાજ લગાવીએ તો, ઓછામાં ઓછા ૨.૮૧ લાખથી વધુ મૃત્યુ થયા છે જે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ આંકડા કરતાં ૨૭ ગણા વધારે છે. એપ્રિલ ૨૦૨૧માં ૬% વસ્તીમાં ૧૦,૨૩૮થી વધુ મૃત્યુ થયા, જે કોવિડ મહામારીના સમયગાળામાં રાજ્ય સરકારે જાહેર કરેલ સત્તાવાર આંકડા ૧૦,૦૭૫ કરતાં વધુ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ૧૭,૫૬,૨૬૮ની વસ્તી ધરાવતા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી આંકડા મુજબ ૧૩૬ મૃત્યુ નોંધાયા છે. જ્યારે મૃત્યુ રજીસ્ટરથી સ્પષ્ટ થાય છે કે, એક નગરપાલિકા જે જિલ્લાની ૧૪% વસ્તી ધરાવે છે તેમાં માર્ચ અને એપ્રિલ, ૨૦૨૧માં ૧,૨૧૦ કરતાં વધુ મૃત્યુ થયા છે. સરકારી આંકડા મુજબ, બોટાદ જિલ્લામાં કોવિડ-૧૯ સંબંધિત બિમારીઓથી માત્ર ૪૨ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે માર્ચ-૨૦૨૦થી જુન-૨૦૨૧ વચ્ચે જિલ્લામાં ૩,૧૧૭થી વધુ મૃત્યુ નોંધાયા છે, જે સરકારી આંકડા કરતાં ૭૪ ગણા વધુ છે.
ગુજરાતમાં થયેલાં મૃત્યુના આંકડા અંગેના હાવર્ડ, વાયર, કલેક્ટીવ રિપોર્ટર્સ સહિતની સંસ્થાના અહેવાલ બાદ ભાજપ સરકાર કેમ મૌન છે ? તેવો વેધક પ્રશ્ન કરતાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, એપ્રિલ ૨૦૨૧માં ગુજરાતની કુલ વસ્તી પૈકી ૫૪ નગરપાલિકાની પાંચ ટકા વસ્તીમાં જ મૃત્યુનો આંકડો ધારણા કરતાં ૪૮૦ ટકા વધારે રહ્યો હતો. ગુજરાતની અલગ-અલગ ૫૪ નગરપાલિકાઓમાં નોંધાયેલાં મૃત્યુના આંકડાને લઇને હાથ ધરાયેલા અભ્યાસ પ્રમાણે આ નગરપાલિકા વિસ્તારોમાં માર્ચ ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ના સમયગાળામાં મૃત્યુનો આંકડો ધારણા કરતાં ૧૬,૦૦૦ જેટલો વધુ રહ્યો છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે કોરોનાને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર ૧૦,૦૮૧ મોત થયાં છે. આટલાં મોટા પ્રમાણમાં થયેલાં મોતનો આંકડો એ પ્રતિપાદિત કરે છે કે મૃત્યુ કોરોનાને કારણે જ થયાં હોવાં જાેઈએ, કારણ કે આ સમયગાળા દરમિયાન અન્ય કોઇ હોનારત કે રોગચાળો હતો નહીં.વર્ષ ૨૦૧૯, ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧ના દરેક મહિનામાં મૃત્યુના આંકડા નગરપાલિકાઓના મૃત્યુનોંધના રજિસ્ટરમાંથી ૫૪ નગરપાલિકાઓની કુલ વસતી ગુજરાતની કુલ વસતીના માત્ર ૫ ટકા થાય છે અને તેમાં રાજ્યની મોટી મહાનગરપાલિકાઓનો સમાવેશ કરાયો નથી. આથી આ આંકડો કેટલો ઊંચો હોઈ શકે તે કલ્પના કરી શકાય તેમ છે. વર્ષ ૨૦૧૯ના દરેક મહિનામાં મૃત્યુનો આંક ૨,૫૦૦થી ક્યારેય વધ્યો ન હતો. જે ૨૦૨૦ના જૂન મહિના બાદ ૨,૫૦૦થી વધીને ૪,૦૦૦ સુધી રહ્યો. જ્યારે જાન્યુઆરી ૨૦૨૧થી એપ્રિલ ૨૦૨૧ સુધીના સમયગાળામાં આ વિસ્તારોમાં ૧૭,૮૮૨ મૃત્યુ નોંધાયાં હતાં.
૫૪ નગરપાલિકાના ચોપડે થયેલાં મૃત્યુઆંક પ્રમાણે માર્ચ ૨૦૨૦થી લઈને એપ્રિલ ૨૦૨૧ના ૧૩ મહિના દરમિયાન કુલ ૪૪,૫૬૮ લોકો મૃત્યુ પામ્યાં હોવાનું નોંધાયું છે. જે આગલાં વર્ષના જાન્યુઆરી-૨૦૧૯થી ફેબ્રુઆરી ૨૦૨૦ના ૧૩ માસના ગાળામાં થયેલાં મૃત્યુઆંક કરતાં ૧૬,૦૦૦ વધુ છે, જે આંકડો સમગ્ર રાજ્યના કોરોનાના મૃત્યુઆંકથી પણ વધુ છે.કોરોના કાળમાં જે પરિવારે પોતાના ભાઈ, પુત્ર, મોભી સહિત સ્વજન ગુમાવ્?યા છે તેમને સાંત્વના આપવા, તેમના દુઃખમાં ભાગીદાર થવા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં કોવિડ-૧૯ ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં કોવિડ કાળમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારને રૂ. ૪ લાખની સહાય, કોવિડ કાળમાં મૃત્યુ અંગે સરકારની ઘોર બેદરકારીની ન્યાયિક તપાસ, સરકારી કર્મચારીના નિધન બાદ પરિવારના સભ્યને રહેમરાહે નોકરી, કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ ખર્ચની ચૂકવણી રાજ્ય સરકારે ત્વરિત કરવી જાેઈએ તેવી ઉગ્ર માંગ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર સમક્ષ કરી હતી અને પ્રજાને ન્યાય ન મળે ત્યાં સુધી ન્યાય યાત્રા ચાલુ રાખવાનો પુનરોચ્ચાર કર્યો હતો.