હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ માટે લવાવવામાં આવેલા સમોસા અને કેક સુરક્ષાકર્મીઓને પીરસી દેવામાં આવ્યા હોવાની ઘટનાએ વિવાદ ઉભો કરી દીધો છે. સમોસા ભૂલથી સીએમના સિક્યોરિટી સ્ટાફ પાસે પહોંચી ગયા હતા. મામલો એટલો વધી ગયો કે તેની તપાસ માટે CID એ દરમિયાનગીરી કરવી પડી. હવે તપાસમાં આ ભૂલને ‘સરકાર વિરોધી’ કામ ગણાવવામાં આવ્યું છે. સીઆઈડીના ટોચના અધિકારીએ દાવો કર્યો કે કેટલાક લોકોએ તેમના પોતાના એજન્ડા મુજબ કામ કર્યું હતું, જેના કારણે આવી પરિસ્થિતિ ઉભી થઈ. મુખ્યમંત્રી CID હેડક્વાર્ટર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. 21 ઓક્ટોબરે CID હેડક્વાર્ટર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા મુખ્યમંત્રીને પીરસવા માટે લક્કડ બજારની હોટેલ રેડિસન બ્લુમાંથી સમોસા અને કેકના ત્રણ ડબ્બાઓ લાવવામાં આવ્યા હતા. જે સ્ટાફના પેટમાં પહોંચી ગયા.
ડીએસપી કક્ષાના અધિકારીના તપાસ અહેવાલ મુજબ, ખાવાની વસ્તુઓ કો-ઓર્ડિનેશનના અભાવે સુરક્ષા કર્મચારીઓને પીરસી દેવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આઈજી રેન્કના અધિકારીએ પોલીસ એસઆઈને મુખ્યમંત્રીની મુલાકાત માટે હોટલમાંથી કેટલીક ખાવા-પીવાની વસ્તુઓ લાવવા કહ્યું હતું. તો આ એસઆઈએ એક એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને ખાવા-પીવાની વસ્તુઓ લાવવાનો આદેશ આપ્યો. એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ હોટલમાંથી 3 સીલબંધ ડબ્બાઓમાં ખાવાની વસ્તુઓ લઇ આવ્યા અને એસઆઈને જણાવી દીધું. તપાસ અહેવાલમાં કહેવાયું છે કે હોટલમાંથી નાસ્તો લાવવાની જવાબદારી એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને સોંપનાર માત્ર એસઆઈને જ ખબર હતી કે ત્રણેય ડબ્બાઓ મુખ્યમંત્રી માટે હતા. પરંતુ, જ્યારે તેમણે ફરજ પરના પ્રવાસન વિભાગના કર્મચારીઓને પૂછ્યું કે શું ત્રણ ડબ્બામાં રાખવામાં આવેલ નાસ્તો મુખ્યમંત્રીને પીરસવાનો હતો, તો તેઓએ કહ્યું કે આ મેનુમાં શામેલ નથી.
તપાસમાં સામે આવ્યું કે આ કિસ્સામાં, એક મહિલા નિરીક્ષકે વરિષ્ઠ અધિકારીઓને પૂછ્યા વિના, તે ડબ્બાઓને મિકેનિકલ ટ્રાન્સપોર્ટ (MT) વિભાગમાં મોકલી દીધા, જે નાસ્તા સાથે સંબંધિત કામ જુએ છે. આ પ્રક્રિયામાં, નાસ્તાના ત્રણ ડબ્બાઓ ઘણા લોકોના હાથમાં ફર્યા. રસપ્રદ વાત એ છે કે, CID વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ તેમની ટિપ્પણીમાં લખ્યું કે તપાસ રિપોર્ટમાં જેમના નામ આવ્યા છે એ તમામ વ્યક્તિઓએ CID અને સરકાર વિરોધી રીતે કામ કર્યું છે, જેના કારણે આ વસ્તુઓ VIPને આપી શકાઈ નથી. તેમણે પોતાના એજન્ડા મુજબ આ કામ કર્યું. આ ઘટનાનો લાભ લઈને વિપક્ષ ભાજપે રાજ્ય સરકારની ટીકા કરી. સરકાર પર નિશાન સાધતા ભાજપે કહ્યું કે વિકાસના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સરકારનું સંપૂર્ણ ધ્યાન મુખ્યમંત્રીના સમોસા પર છે. બીજેપીના પ્રવક્તા રણધીર શર્માએ કહ્યું કે આ ભૂલને “સરકાર વિરોધી” કહેવું એક મોટો શબ્દ છે અને આ પ્રકારની ઘટનાઓ હિમાચલ પ્રદેશમાં રાજકીય ચર્ચાનો વિષય બની ગઈ છે.