આ વર્ષની લગ્ન સિઝન બની શકે મોંઘેરી, કમાણી કરોડોમાં પહોંચે તેવી શક્યતા
દેશમાં તહેવારોની સીઝન પૂરી થયા બાદ આજથી સૌથી મોટી ઈવેન્ટ વેડિંગ સીઝનની શરૂઆત થઈ રહી છે. લગ્નની સીઝનમાં બજારોમાં ધમાલ વધી જાય છે. લોકોના ખર્ચાઓ વધી જાય છે, અર્થતંત્ર અને ઉદ્યોગપતિઓનો નફો થાય છે. એક અંદાજ મુજબ આજથી લગભગ 35 દિવસમાં દેશભરમાં 48 લાખ લગ્નો થશે. સાથે જ આ લગ્નોથી 6 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની આશા છે. ચાલો જાણીએ કે કયા ક્ષેત્રમાં કેટલો કારોબાર થશે અને કઈ વસ્તુ પર કેટલો ખર્ચ થવાની અપેક્ષા છે.
આ વખતે ભારતમાં લગ્નની સિઝન 12 નવેમ્બર થઈને 16 ડિસેમ્બર સુધી ચાલવાની છે. આ સમયગાળા દરમિયાન, દેશભરમાં લગભગ 48 લાખ લગ્નો થઈ રહ્યા છે, જેના દ્વારા લગભગ 6 લાખ કરોડ રૂપિયાના બિઝનેસની અપેક્ષા છે. દોઢ માસ દરમિયાન 18 દિવસના મુહૂર્ત છે. નવેમ્બરમાં લગ્ન માટે શુભ દિવસો 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28 અને 29 નવેમ્બર છે. જ્યારે ડિસેમ્બર મહિનામાં લગ્ન માટે 4, 5, 9, 10, 11, 14, 15 અને 16 તારીખો શુભ છે. આ વર્ષે લગ્નની સિઝનમાં ગત વર્ષ કરતા વધુ બિઝનેસ રહેશે. ગત સિઝનમાં 35 લાખ લગ્નોથી 4.25 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. એકલા દિલ્હીની વાત કરીએ તો આ વખતે દિલ્હીમાં 4.5 લાખ લગ્ન થઈ શકે છે, જેનાથી 1.5 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ શકે છે.
CAIT પાસેથી મળેલી માહિતી અનુસાર, લોકોના શોપિંગ બિહેવિયરમાં બદલાવ જોવા મળ્યો છે. હવે લોકો વિદેશી અને બ્રાન્ડેડ વસ્તુઓને બદલે ભારતીય ઉત્પાદનો વધુ ખરીદી રહ્યા છે. વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત વિઝનની સફળતા લોકોનું શોપિંગ બિહેવિયર દર્શાવે છે. CAIT એ આ સિઝનમાં થઈ રહેલા લગ્નોને અલગ-અલગ કેટેગરીમાં રાખ્યા છે. આ પ્રમાણે જાણીએ કે એક લગ્નમાં કેટલો ખર્ચ થશે અને લોકો ક્યાં વધુ ખર્ચ કરશે.
10 લાખ લગ્નોમાં લગ્ન દીઠ રૂ.3 લાખ, 10 લાખ લગ્નોમાં લગ્ન દીઠ રૂ. 6 લાખ, 10 લાખ લગ્નોમાં લગ્ન દીઠ રૂ.10 લાખ, 10 લાખ લગ્નોમાં લગ્ન દીઠ રૂ. 15 લાખ, 7 લાખ લગ્નોમાં લગ્ન દીઠ રૂ. 25 લાખ, 50,000 લગ્નોમાં લગ્ન દીઠ રૂ. 50 લાખ, અને 50,000 લગ્નોમાં લગ્ન દીઠ રૂ. 1 કરોડ કે તેથી વધુનો ખર્ચ થાય છે. આ ઉપરાંત અન્ય ખર્ચની માહિતી અનુસાર, કપડાં, સાડી, લહેંગા અને જ્વેલરી પર કુલ ખર્ચના 10 ટકા, જ્વેલરી પર 15 ટકા, ઇલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સિસ પર 5 ટકા, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઈઓ અને નમકીન પર 5 ટકા, કરિયાણા અને શાકભાજી પર 5 ટકા, ગિફ્ટ પર 4 ટકા અને અન્ય વસ્તુઓ પર 6 ટકા ખર્ચ થઈ શકાય છે.
આ સિવાય બેન્ક્વેટ હોલ, હોટલમાં 5 ટકા, ઈવેન્ટ મેનેજમેન્ટમાં 3 ટકા, ટેન્ટ ડેકોરેશનમાં 10 ટકા, કેટરિંગ સર્વિસમાં 10 ટકા, ડેકોરેશનમાં 4 ટકા, ટ્રાન્સપોર્ટેશન અને ટેક્સી સર્વિસમાં 3 ટકા, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીમાં 2 ટકા, ઓર્કેસ્ટ્રા અને 3 ટકા સંગીત પર, 3 ટકા લાઇટ એન્ડ સાઉન્ડ અને 7 ટકા અન્ય સેવાઓ પર ખર્ચવામાં આવશે.