ભારતમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધતા હવે મોટાભાગના કામ લોકો ઓનલાઈન કરવાનું પસંદ કરે છે. બેંકિંગ હોય કે કોઈ વસ્તુની ખરીદી હોય, મોટાભાગના લોકો ઓનલાઈન જ કરે છે. ડિજિટલાઇઝેશન વધતા સાયબર ઠગો પણ એક્ટિવ થઈ ગયા છે. તેઓ લોકો સાથે છેતરપિંડી આચરવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. સાયબર ઠગો હવે મેઈલ દ્વારા લોકો સાથે છેતરપિંડી આચરતા હોવાનું સામે આવતા Gmailને લઈને એક નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેને તમારે અવગણવી ન જોઈએ. અહીં અમે આપને જણાવીશું કે તમે તેનાથી કેવી રીતે સુરક્ષિત રહી શકો છો. ચાલો તેના વિશે જાણીએ.
ચેક પોઈન્ટના એક્સપર્ટે જણાવ્યું છે કે, સાયબર ઠગો Gmail પ્લેટફોર્મનો ઉપયોગ કરીને યુઝર્સનો પર્સનલ ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નવા સ્કેમમાં તેઓ યુઝર્સને માલવેર (Malware)થી ભરેલી એક ફાઈલ ડાઉનલોડ કરવા માટે કહે છે, જેમાં Rhadamantis stealer બગ હોય છે.
ચેક પોઈન્ટના એક્સપર્ટે જણાવ્યું છે કે, સૌથી પહેલા સાયબર ઠગો તેમનું નકલી (ફેક) Gmail એકાઉન્ટ બનાવે છે અને પોતે કોઈ વેરિફાઈડ કંપનીથી હોવાનો દાવો કરીને ઈમેલ મોકલવાનું શરૂ કરે છે. આ ઈમેલમાં તેઓ યુઝરને જણાવે છે કે તેમણે તેમના પર્સનલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોપીરાઈટનું ઉલ્લંઘન કર્યું છે, જેથી તેઓ તાત્કાલિક તે પોસ્ટ ડિલીટ કરવા માટે કહે છે.
તેઓ આ મેઈલમાં યુઝરને એક ફાઈલ ડાઉનલોડ કરવા માટે કહે છે. જો તમે આ ફાઈલ ડાઉનલોડ કરો છો, તો વાયરસ તરત જ ટ્રિગર થઈ જાય છે અને Rhadamantis Stealerનું લેટેસ્ટ વર્ઝન તમારા ડિવાઈસમાં ઇન્સ્ટોલ થઈ જાય છે અને તે તમારો પર્સનલ ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરે છે. આપને જણાવી દઈએ કે, આ મેઈલ કોઈ જાણીતી કંપનીના નામે મોકલવામાં આવે છે. જાણકારી મળી છે કે આ સાયબર ઠગોએ યુરોપ, USA, કેનેડા સહિત વિશ્વભરના યુઝર્સને ટાર્ગેટ કર્યા છે. આ ઈમેલ ખૂબ જ મોટી માત્રામાં આવે છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. જો તમને પણ આવો કોઈ મેઈલ આવે તો તમારે એલર્ટ થઈ જવું જોઈએ. તમારે મેઈલમાં મોકલવામાં આવેલી એક પણ ફાઈલ ડાઉનલોડ ન કરવી જોઈએ. જો શક્ય હોય તો મેઈલ ખોલ્યા વગર જ ડિલીટ કરી દેવો જોઈએ. જો તમે આવું નહીં કરો તો તમારે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.