સોના ચાંદીમાં વળતા પાણી જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી સતત ભાવ ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આજે ફરી સોનામાં રૂા.1150 અને ચાંદીમાં રૂા.2500નો ધરખમ ઘટાડો નોંધાયો છે. તેની સાથે સોનુ રૂા.76450 અને ચાંદીનો ભાવ રૂા.90000એ પહોંચ્યો છે. સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સોનાના ભાવમાં 6 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જેના કારણે મલ્ટી કોમોડિટી એકસચેન્જમાં સોનાની કિંમત 74 હજાર રૂપિયાની સપાટીએ પહોંચી છે. સોનાની કિંમતમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ડોલર ઈન્ડેકસમાં વધારો અને માંગમાં ઘટાડો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ડોલર ઈન્ડેકસ 107ના સ્તરે પહોંચી ગયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2600 ડોલરની નીચે આવી ગઈ છે ટ્રમ્પની જીત બાદ અમેરીકન માર્કેટમાં સોનાની કિંમતમાં અંદાજે 7 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 15 દિવસનું તારણ કાઢીએ તો દિવાળીથી અત્યાર સુધીમાં સોનામાં રૂા.5000 અને ચાંદીમાં રૂા.10500નો ઘટાડો થયો છે. તહેવાર પર જ સોનુ ઓલ ટાઉમ હાઈ હતું.
પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દિવાળી જેવા તહેવારોમાં સોના ચાંદીની સૌથી વધુ ખરીદી થાય છે. આ સમય દરમ્યાન જ ભાવ ઘટતા ખરીદી પર મોટી અસર પડી હતી. ત્યારે હવે ભાવમાં ઘટાડો આવતા બજારમાં ફરી ખરીદીની ચમક જોવા મળી રહી છે. અત્યારે કમુર્તા પણ પૂર્ણ થઈ ગયા છે ત્યારે આગામી મહિનામાં યોજાનાર લગ્નગાળાની સિઝન માટે ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.