રાજ્ય સરકારની નવી કેબિનેટમાં સ્થાન મેળવ્યા બાદ શ્રી રાઘવજી પટેલ, મંત્રી(કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન)દ્વારા શ્રી પરષોત્તમ રૂપાલા મંત્રી(મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી), ભારત સરકારની તા. ૧૪.૧૦.૨૦૨૧ નાં રોજ નવી દિલ્હી ખાતે સૌજન્ય મુલાકાત લેવામાં આવેલ. આ મુલાકાતમાં રાજ્યના પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર હકારાત્મક ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં માન. મંત્રીશ્રી સાથે રાજ્યનાં પશુપાલન અને ગૌસંવર્ધન પ્રભાગના સચિવ શ્રી નલીન ઉપાધ્યાય તેમજ પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની એસ. ઠાકર ઉપસ્થિત રહેલ હતા. આ બેઠકમાં કેન્દ્રિય મંત્રીશ્રી સમક્ષ રાજ્યમાં સરકાર દ્વારા પશુપાલકોના હિતમાં અમલમાં મુકાયેલ રાજ્યવ્યાપી યોજનાઓ જેવી કે, પશુ આરોગ્ય મેળા અભિયાન, મુખ્યમંત્રી નિ:શૂલ્ક પશુ સારવાર યોજના, દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨, કરુણા અભિયાન, પશુ રોગ નિદાન કામગીરી, પશુ જાતીય આરોગ્ય સારવાર કેમ્પની અમલવારી તેમજ તેની હકારાત્મક અસર સ્વરૂપે રાજ્યમાં દૂધ ઉત્પાદનમાં તેમજ પશુઓની ઉત્પાદકતામાં નોંધાયેલ વધારો અને પશુઓમાં વાર્ષિક રોગચાળાની સંખ્યામાં નોંધાયેલ ઘટાડો જેવી બાબતો પર ચર્ચા થયેલ.
પશુધન સ્વાસ્થ્ય અને રોગ નિયંત્રણ, પશુ સંવર્ધન અને ડેરી ક્ષેત્રના વિવિધ કાર્યક્રમો માટે ભારત સરકારશ્રી દ્વારા મળી રહેલ સહાય તેમજ માર્ગદર્શન બદલ માન. મંત્રીશ્રી દ્વારા ભારત સરકારનો આભાર માનવામાં આવ્યો હતો. માન. કેન્દ્રિય મંત્રીશ્રી દ્વારા પશુધન સ્વાસ્થ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ફરતાં પશુ દવાખાના પશુ રોગ નિયંત્રણ, ઘેટાં-બકરાં રસીકરણ વગેરે કાર્યક્રમો માટે કુલ 57.48 કરોડની રાજ્ય સરકારની દરખાસ્તો પ્રત્યે હકારાત્મક વલણ રાખી રાજ્યને મદદ કરવા તૈયારી દર્શાવવામાં આવેલ હતી.રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત પાટણ ખાતે સ્થપાયેલ સેકસ સોર્ટેડ સીમેન પ્રોડક્શન લેબોરેટરીમાં જુલાઈ ૨૦૨૧થી શરૂ થયેલ સીમેન ડોઝનાં ઉત્પાદનની વિગતોથી કેન્દ્રિય મંત્રીશ્રીને વાકેફ કરવામાં આવેલ.
બેઠકમાં રાષ્ટ્રીય કક્ષાના વિવિધ કાર્યક્રમોની ગુજરાતમાં થયેલ પ્રગતિ સંદર્ભે પણ ચર્ચાવિચારણા કરવામાં આવેલ હતી.રાજ્યમાં રખડતાં પશુની સમસ્યાનો ઉકેલ લાવવા, પશુધન રસીકરણ કાર્યક્રમને વેગ આપવા તેમજ પંજાબ-હરિયાણાના બિન-ઉપયોગી પરાળને કચ્છની પાંજરાપોળોમાં સદુપયોગ કરવાના આયોજન બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી.ભારત સરકારનાં માન. મંત્રીશ્રી (મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી) દ્વારા તમામ બાબતો પર રચનાત્મક સૂચનો પણ આપવામાં આવ્યા, જેનો ગુજરાત સરકાર દ્વારા અમલ કરવાની પણ ખાતરી આપવામાં આવેલ.