રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનો વ્યારપ વધારવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવે છે. ખાસ કરીને, કન્યા કેળવણી માટે સરકાર અવનવી યોજનાઓ અને સહાયો કરે છે. પરંતું, સરકારની આ યોજનાનો સાચો લાભ વાસ્તવિક લાભાર્થીઓ સુધી પહોંચતો નથી. કારણ કે, વચેટીયા લેભાગુઓ આ યોજનાનો ઘડો લાડવો કરી પોતાના ખિસ્સાં ભરી લેતા હોય છે.
સરકારની આવી જ એક સરકારી યોજના એટલે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સાઇકલ સહાય યોજના. જરૂરિયાતવાળા વિધ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાઇકલમાં પણ કૌભાંડ બહાર આવ્યું છે. સરકારી સાઇકલો લાભાર્થીઓ સુધી પહોચાડવાના બદલે આ સાઇકલ ખાનગી વેચાણ કરવામાં આવી રહી છે. ગાંધીનગરના સેક્ટર-22ના એક સાઇકલના વેપારીએ શાળા પ્રવેશોત્સવની સરકારની સાઇકલો બારોબાર વેચાતા હોવાનું કૌભાંડ ખુલ્યુ છે. વિપુલ સાઇકલ સ્ટોર્સના નામથી જાણીતી સાઇકલની દુકાને સરકારી સાઇકલોનું વેચાણ થઇ રહ્યું છે. દશરથ પટેલ નામના ખરીદારે આ સાઇકલ 4000 રૂપિયામાં ખરીદી કરી હોવાનું પણ બહાર આવ્યું છે. નવાઇની વાત કે, આ સરકારી સાઇકલ માટે વેપારીએ જીએસટીના નામે પણ નાણાં પડાવ્યાં હોવાનું બીલમાં દર્શાવ્યું છે.
સાઇકલના આ વેપારીને શાળા પ્રવેશોત્સવની સાઇકલ વિતરણ માટે એજન્સી આપવામાં આવેલી હોવાનું અને તેમાં સરકારી સાઇકલોનું બારોબાર વેપાર કરવામાં આવતો હોવાનું કૌભાંડ બહાર આવ્યુ છે. ત્યારે, આ વેપારી સામે તંત્ર કેવાં પગલાં ભરશે કે કેમ તે રસપ્રદ છે.