ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
નોંધાયા વિનાના અનેક કિસ્સાઓ જે ગુજરાત માટે ખુબ ચિંતાજનક:
ત્રણ માસૂમ બાળકીઓ પર દુષ્કર્મના આઘાતજનક ઘટનાથી ભાજપ સરકારની મહિલા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા પરની સંપૂર્ણ નિષ્ફળતા વધુ એકવાર ઊજાગર થઈઃ ડૉ. મનિષ દોશી
અમદાવાદ
છેલ્લા પાંચ દિવસમાં જસદણ, ગાંધીનગર અને ભાવનગરમાં ત્રણ નિર્દોષ માસૂમ બાળકીઓ પર થયેલા ભયાનક દુષ્કર્મની ઘટનાઓ પર ગહન રોષ અને દુઃખ વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, આ ક્રૂર અપરાધો ભાજપ શાસન હેઠળ ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાના સંપૂર્ણ પતનને ઉજાગર કરે છે, જે મહિલાઓ અને ખાસ કરીને નાની બાળકીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. જસદણના આટકોટ વિસ્તારમાં એક છથી સાત વર્ષની બાળકી પર બર્બર દુષ્કર્મ કરવામાં આવ્યું, બાળકી હાલ સરકારી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે, જે રાજ્યમાં ફેલાયેલા આતંકનું પ્રતીક છે. આ જ અઠવાડિયામાં ગાંધીનગરમાં ૫-૬ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના અને ભાવનગરમાં સમાન હૃદયદ્રાવક અપરાધો અનિયંત્રિત અસામાજિક તત્વોની ચિંતાજનક પેટર્નને દર્શાવે છે. આ અલગ-અલગ ઘટનાઓ નથી, આ ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી અને ગૃહ વિભાગની વિશાળ નિષ્ફળતાનું સીધું પરિણામ છે. મહિલાઓ વિરુદ્ધ અપરાધો પર ‘ઝીરો ટોલરન્સ’ની વાતો ક્યાં છે? કાયદો-વ્યવસ્થાનું તંત્ર ધરાશાયી થયું છે, જેનાથી આપણી દીકરીઓ અકલ્પ્ય ત્રાસનો ભોગ બની રહી છે. રાજ્ય સરકારની મહિલા સુરક્ષા પરના ખોખલા દાવાઓ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ જેવી યોજનાઓ ખાલી શબ્દો છે જ્યારે માસૂમ બાળકીઓ દિવસ દહાડે ભોગ બની રહી છે. ભાજપની નિષ્ક્રિયતા માત્ર અસમર્થતા નથી, આ તો દરેક ગુજરાતી પરિવાર સાથે વિશ્વાસઘાત છે. કોંગ્રેસ પક્ષના નેતાઓ જ્યારે ભોગ બનનાર મહિલાઓ-બાળકીઓના દુઃખમાં ભાગીદાર થવા જાય તો તંત્ર દ્વારા જાગવાને બદલે કોંગ્રેસના મહિલા નેતા પર જ પોલીસ કેસ કરવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી ?
સબ સલામત અને સુરક્ષિત ગુજરાતની માત્ર જાહેરાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા અને ગુજરાતમાં વધતા મહિલાઓને લગતા ગુન્હાઓ અંગે ભાજપ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મહિલા સુરક્ષાની વાતો – જાહેરાતો વચ્ચે છેલ્લા નવ વર્ષમાં ભાજપ સરકારમાં ૭૨૪૬૭થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા છે જે ગુજરાત માટે ખુબ ચિંતાજનક છે. રાજ્યમાં અપહરણ, બળાત્કાર, ઘરેલુ હિંસા, દહેજ મૃત્યુ અને શોષણ, મહિલાઓ પર ઍસિડથી પણ હુમલા, મહિલાઓનું ટ્રાફિકીંગ, મહિલાઓ સાઇબર ક્રાઇમ સહિતના ગુન્હાઓ થઇ રહ્યા છે. ગુજરાતમાં સરેરાશ દર વર્ષે ૮૦૦૦થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાય છે એટલે કે દર મહીને સરેરાશ ૬૭૦થી વધુ અને દરરોજ ૨૨થી વધુ મહિલાઓ ભોગ બની રહી છે. મહિલા સુરક્ષાના તમામ કાયદા હોવા છતાં મહિલાઓ વિરુદ્ધના અપરાધના મામલા વધી રહ્યાં છે.
આ સંકટને વધારે છે દારૂ અને ડ્રગ્સનો બેરોકટોક વેપાર, જે અસામાજિક તત્ત્વોને બળ આપે છે અને અપરાધીઓને હિંમત આપે છે. ગુજરાતમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ પર છે, જે વિશાળ લૂંટ અને ભ્રષ્ટાચારનું આડ પૂરું પાડે છે. બુટલેગર સિન્ડિકેટ્સ અવિચળીત રીતે કાર્યરત છે, ઘણી વખત સત્તાધારી ભાજપના પ્રભાવશાળી રાજકીય બોસોના આશીર્વાદ અથવા સંરક્ષણ હેઠળ. આ શાસન નથી આ તો ગુજરાતના લોકો પર મોટી લૂંટ છે, ગૃહમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળના ગૃહ વિભાગે આવી ભયજનક ઘટના રોકવામાં ભયાનક નિષ્ફળતા દાખવી છે, જેનાથી અસામાજિક નેટવર્ક્સ સમાજ પર હુમલો કરી રહ્યા છે.
કાયદો-વ્યવસ્થાના પતન પર ઉચ્ચસ્તરીય ન્યાયિક તપાસ, જેમાં દારૂ અને ડ્રગ્સ રેકેટમાં રાજકીય સંરક્ષણની ભૂમિકા પણ સામેલ, ગૃહમંત્રીના રાજીનામા અને રાજ્યની પોલીસિંગ સિસ્ટમનું મુલ્યાંકન,સતત પેટ્રોલીંગ કરવામાં આવે ત્યારે જ ગંભીર ગુન્હાઓ પર રોક લાગશે તેવી કોંગ્રેસ પક્ષ તાત્કાલીક કાર્યવાહીની માંગ કરે છે.
