ગુજરાતમાં દારુબંધીની તો વાત જ થાય તેમ નથી, સહુ જાણે છે કે સરકાર અને પોલીસ તંત્ર દારુબંધી માટે કેટલા કામ કરે છે. ખેર ઘટના એવી બની કે વડોદરા નજીકના ડભોઈ તાલુકા ખાતે ઈદ એ મિલાદની ઉત્સાહથી ઉજવણી થઈ રહી હતી દરમિયાન પોલીસ પણ બંદોબસ્તમાં વ્યસ્ત હતી. તે સંજોગોનો ફાયદો લઈ એક બુટલેગરે પાણીના ટેન્કરમાં જ દારુનો ઠસોઠસ જથ્થો મુકી રાખ્યો હતો. જોકે પોલીસે તે પકડી પાડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બાબત એવી છે કે ડભોઈમાં જ્યારે એક તરફ પોલીસ બંદોબસ્તમાં હતી ત્યાં જિલ્લા એલસીબી પીઆઈ ડીબી વાળાને બાતમી મળી કે, ડભોઈની પંડ્યા શેરીમાં રહેતો ગીરીશ બુબુ જશવાલ અને રાજુ બાબુ જશ્વાલ ભેગા મળી ડભોઈની ચોતરિયા પીરની દરગાહ પાસે તળાવ સામે એક પાણીના ટેન્કરમાં દારુનો જથ્થો ભરીને તેને બિન વારસી હાલતમાં મુકી રાખ્યું છે.
પોલીસે બાતમીના આધારે કામગીરી કરી તો એલસીબીના પીએસઆઈ આર જી દેસાઈ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો અને ત્યાં મહાદેવ જલ સાગર લખેલું એક ટેન્કર પડ્યું હતું. પોલીસે તપાસ કરી તો ત્યાં ટેન્કરને તાળુ મારેલું હતું. ઢાંકણા પરનું તાળુ ખોલીને જોયું તો ચોંકાવનારુ દ્રષ્ય હતું. ટેન્કરમાં પાણીનું તો ટીંપુંય ન હતું પરંતુ ટેન્કરમાં ઠસોઠસ દારુની વિદેશી બ્રાન્ડની ભારતીય બનાવટની બોટલ્સ હતી. પોલીસે કાર્યવાહી આગળ ધરી તો તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 1632 નંગ બોટલ્સ હતી. પોલીસે કુલ 6.52 લાખનો દારુ મળી કુલ 7 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.